આપણે પાંચ નહીં એકસો પાંચ છીએ…

પાંડવો વનવાસમાં હતા તે દરમિયાન સમાચાર આવે છે કે, કોઈક અનધિકૃત કૃત્ય માટે યક્ષનું સૈન્ય કૌરવોને બંદી બનાવીને લઈ જાય છે. આ સમાચાર સાંભળી ભીમભાઈ તો રાજીના રેડ થઈ ગયા. બીજા બધાના ચહેરા પર પણ આનંદ દેખાય છે. જોકે આમાં યુધિષ્ઠિર જુદા પડે છે. એ કહે છે કે, આપણે એક જ કુળનાં અને પિતરાઈ ભાઈઓ છીએ. છેવટે કોઈ આપણા ઘર પર હાથ નાખે એ યોગ્ય નથી.

કોઈ પણ કંપનીમાં, કુટુંબમાં કે પેઢીમાં અંદરોઅંદર તમારે મતભેદ હોઈ શકે પણ જ્યારે પેઢીની શાખ જોખમમાં હોય, એની ઇજ્જત-આબરૂ ઉપર કોઈ હુમલો કરે ત્યારે યક્ષ અને કૌરવોવાળું ઉદાહરણ યાદ રાખવા જેવું છે. કંપનીની શાખ બચશે તો જ તમારી શાખ છે અને એટલે એવે સમયે યુધિષ્ઠિરનું વાક્ય ‘આપણે પાંચ નહીં એકસો પાંચ છીએ.’ યાદ રાખવું.

આ પ્રસંગમાંથી એક બીજું તારણ પણ નીકળે છે. આ યક્ષ-ગંધર્વો સાથેની લડાઈમાં અર્જુને ચિત્રસેનને પરાજિત કર્યો. આ લડાઈમાં અર્જુન હંમેશની જેમ જ વિશુદ્ધ કર્મ હતો. મહાભારતમાં અર્જુનનું વર્ણન કરતાં કહેવાયું છે કે જ્યારે તે તેનું કર્મ કરતો, જ્યારે ધનુષ્યબાણ હાથમાં લેતો ત્યારે તે બીજા માટે અસ્પષ્ટ થઈ જતો – તેના બાણ એટલી ઝડપથી અને સચોટ નિશાન તાકતા. તેને માટે જીવનની એકમાત્ર પરિપૂર્ણતા તે જ હતી જ્યારે તે તેના હાથનો ઉપયોગ કરતો. એ સિવાય અર્જુન એક શાંત વ્યક્તિ હતો.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)