કૃષ્ણનો ચમત્કાર, અર્જુનનો અહંકાર

દ્રૌપદી સ્વયંવરની આ વાત છે. અર્જુન મત્સ્યવેધ કરે છે અને દ્રૌપદી સ્વયંવરની માળા એને પહેરાવે છે. અહીંયા પણ કર્ણને ભાગ લેવા દેવામાં આવતો નથી. આવા ભવ્ય વિજયને કારણે સ્વાભાવિક છે અર્જુનના વિચારોમાં ક્યાંક પોતે બહુ સમર્થ બાણાવળી હોવાની વાતની હવા ભરાઇ. પણ બધા અભિનંદન તો કૃષ્ણને આપતા હતા. સમય મળે અર્જુને કૃષ્ણને પૂછ્યું, ‘હે સખા! મત્સ્યવેધ મેં કર્યો, આટલું મુશ્કેલ કામ મેં સંપન્ન કર્યું. એમાં તમારો ફાળો શું?’ ત્યારે કૃષ્ણનો જવાબ સાંભળવા જેવો છે.

શ્રીકૃષ્ણે કહ્યું, ‘સખા! તારી વાત સાચી છે. મારો આમાં ફાળો શું, એ પ્રશ્ન કોઈને પણ થાય. પણ તું જ્યારે ત્રાજવામાં સમતોલન જાળવી શરસંધાન કરતો હતો ત્યારે માછલીની સાચી સ્થિતિ તને દેખાય તે માટે મેં એક નાનકડું કામ કરેલું. મેં હોજમાંનું પાણી સ્થિર કરી નાખ્યું હતું.’ અર્જુનનો ગર્વ ઉનાળાના ધગધગતા તાપમાં બરફનો ગાંગડો ઓગળી જાય એમ ઓગળી ગયો. એ કેશવને ચરણસ્પર્શ કરવા નીચે નમ્યો ત્યારે શ્રીકૃષ્ણ વાસુદેવનાં મોં પર પેલું મંદમંદ અને મોહક સ્મિત રમી રહ્યું હતું.

દરેક કુટુંબ, કંપની કે પેઢીમાં ક્યાંક ને ક્યાંક કોઈ તમારા કામમાં છૂપી રીતે મદદરૂપ થતું હોય છે. બધું મારા કારણે જ થાય છે તેવા ભ્રમમાં, વહેમમાં કે અભિમાનમાં ના રહેવું. પાંચ આંગળા ભેગા મળે તો મુઠ્ઠી વળે. ‘ચલતી કા નામ ગાડી’ ફિલ્મની પંક્તિઓ પણ કહે છે:

હિલમિલ કે ચલના યું હી સાથી

અરે બંદ મુઠ્ઠી લાખ કી ઔર ખૂલે તો પ્યારે ખાક કી

મુશ્કિલ જો આ પડે ઠોકર સે ટાલ દે

પરબત ભી હો ખડે ફીર મિલ કે ટાલ દે

જો સમઝા યે ઉસી કી મચી ધૂમ

જો સમઝા ઉસી કી મચી ધૂમ

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)