કુરુક્ષેત્રના મેદાન ૫૨ અર્જુનને મોટીવેશન એટલે કે પ્રોત્સાહન અને કોન્ફલીક્ટ મેનેજમેન્ટ એટલે કે વિરોધી વિચારોના વાવાઝોડા વચ્ચે કઈ રીતે કામ કરવું તે વિષયનું જ્ઞાન આપી હતાશામાંથી બહાર લાવી પોતાના કાર્યક્ષેત્રમાં પ્રવૃત્ત થવાની પ્રેરણા આપનાર શ્રીકૃષ્ણનું જીવન અને એમાં ઘટતા પ્રસંગો પણ મેનેજમેન્ટના અથવા વહીવટી ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ઓછા અગત્યના નથી.
આમાંનો એક પ્રસંગ એટલે ચેદી રાજ્યના શક્તિશાળી અને અહંકારી રાજા શિશુપાલ વધની કથા. શિશુપાલની માતાને શ્રીકૃષ્ણએ વચન આપ્યું હતું કે તે સો ગુના કરશે ત્યાં સુધી શિશુપાલને સહન કરી લેશે. દરમિયાનમાં યુધિષ્ઠિર દ્વારા કરવામાં આવેલ રાજસૂય યજ્ઞ દરમિયાન શ્રીકૃષ્ણનું જ્યારે વિશિષ્ટ સન્માન કરી પાંડવોએ એમનું બહુમાન કર્યું ત્યારે તડપતા શિશુપાલે બેફામ વાણીવિલાસ શરૂ કર્યો. એની આ લવારી અને આ અપમાન કૃષ્ણ ચૂપચાપ સહન કરતા રહ્યા પણ એમના મનમાં પેલું ગણતરીનું યંત્ર તો ચાલુ હતું. જ્યારે શિશુપાલે સો ગુના પૂરા કર્યા ત્યારે શ્રીકૃષ્ણે સુદર્શન ચક્રનું આહ્વાન કરી શિશુપાલનું મસ્તક છેદી નાખ્યું. આ આખોય પ્રસંગ પ્રતિસ્પર્ધીના અહંકાર અને ઇર્ષ્યાને કારણે ઊભા થતા જોખમો દર્શાવે છે. તમારી સફળતા જ્યારે એકદમ અસહ્ય બની જાય ત્યારે કેટલાક પ્રતિસ્પર્ધીઓ તમને બદનામ કરવાની અથવા તમને નેસ્તનાબૂદ કરવાની એક તક જતી નથી કરતા. એક હદથી આગળ તેમને સહન કરવા એ કાયરતાનું લક્ષણ છે જે વિનાશ નોતરે છે.
આ દિશામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણીએ જે રીતે એમને શૅરબજારમાંથી ઉઠાડી મૂકનાર મારવાડી સિન્ડિકેટની આખીયે ચાલનો ખુડદો બોલાવ્યો, જે રીતે એમણે ઓ૨કે અને બૉમ્બે ડાઇંગ જેવા પ્રતિસ્પર્ધીઓ સામે ચાણક્ય બુદ્ધિ અને કડકાઈથી કામ લઈ એમને એમનું સ્થાન બતાવ્યું તે દાખલો ભૂલી શકાય નહીં. શિશુપાલ વધ અને કૃષ્ણની આખીયે વાર્તા આપણને શીખવાડે છે કે એક હદ પછી સજ્જનતા અથવા સીધા રહેવું એ કાયરતામાં ખપી જાય છે.
એવું કહેવાયું છે કે, ‘ટુ બી એ જેન્ટલમેન ઇઝ એ ડિસ્ક્વોલીફિકેશન ફોર એન એડમીનીસ્ટ્રેટર’ અર્થાત્ એક હદથી આગળની વધારે પડતી સજ્જનતા કોઈ પણ દક્ષ સંચાલક અથવા વહીવટદાર માટે ગેરલાયકાત છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)