‘ઝાઝા હાથ રળિયામણા’નો અર્થ થાય વધુ હાથ (વ્યક્તિ) વધુ ઝડપથી અસરકારક રીતે કામ કરી શકે. મેનેજમેન્ટનો એક સિદ્ધાંત ‘Delegation of work or responsibilities’ આની સાથે બરાબર મેળ ખાય છે. કોઈપણ સંસ્થા કે કંપનીનો વડો કાર્યોની વહેંચણી પોતાના સહકર્મીઓ સાથે કરે તો કાર્ય ૧૦૦ ટકા કાર્યક્ષમતા સાથે બોજરહિત કરી શકાય.
કેટલીક વાર કામની વહેંચણી કર્યા પછી પણ યોગ્ય સમયે યોગ્ય કક્ષાએથી હસ્તક્ષેપ એટલે કે intervention કરવું જરૂરી બની જતું હોય છે. મેનેજમેન્ટની ભાષામાં તેને strategic intervention કહેવાય છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણ દરેક વ્યક્તિને તેના કાર્યની વહેંચણી કરતા અને જે-તે વ્યક્તિ તેને સોંપેલ કામ સફળતાપૂર્વક પાર પાડે એ પણ સુનિશ્ચિત કરતાં. ક્યારેક લાખ પ્રયત્નો છતાં પણ તે કામ પાર પડતું ન દેખાય ત્યારે શ્રીકૃષ્ણ strategic intervenor પણ બનતા.
જરાસંઘને વરદાન હોવાથી તેના શરીરના બે ટુકડા કરો તો પણ તે ફરી પાછા જોડાઈ જતા અને જરાસંઘ ફરીથી જીવતો થઈ શક્તિ પ્રાપ્ત કરી લેતો. ભીમ ઘણા દિવસથી જરાસંઘ સાથે મલ્લયુદ્ધ કરી તેને મારવાની કોશિશ કરી રહ્યો હતો. પણ વરદાનને કારણે જરાસંઘ કરી પાછો જીવતો થઈ જતો. શ્રીકૃષ્ણ આ બધુ જોઈ રહ્યા હતા. તેમણે ભીમને સંકેત આપવા એક લાકડીના બે ટુકડા કાર્ય અને તેને જુદી જુદી દિશામાં ફેંકી વચ્ચે શિવલિંગની મુદ્રા બનાવી. ભીમ માટે આ ઈશારો કાફી હતો. ભીમ શ્રીકૃષ્ણની સૂચનાને અનુસર્યો. જરાસંઘના શરીરને વચ્ચેથી ચીરી બંને ટુકડા જુદી જુદી દિશામાં ફેંક્યા અને બંને ટુકડા ફરી ભેગા ન થઈ જાય એટલે વચ્ચે શિવલિંગ બનાવી દીધું. આમ, યોગ્ય સમયે શ્રીકૃષ્ણએ હસ્તક્ષેપ કરી જરાસંઘનો અંત લાવવામાં મદદ કરી. હારની બાજીને પણ જીતમાં પલટી દે એવો શ્રેષ્ઠ સલાહકાર તમારી આસપાસ હોવો જોઈએ જે યોગ્ય સમયે યોગ્ય સલાહ આપે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
