આજથી હજારો વર્ષ પહેલાં મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રના મેદાન પર લડાયું. એવું કહેવાય છે કે દ્વેપાયન વ્યાસ રચિત મહાભારત એવો ગ્રંથ છે જેમાં દરેક પ્રશ્નનો ઉકેલ મળી રહે છે, જે મહાભારતમાં નથી તે ભાગ ક્યાંય પણ નથી. ભગવદ્ ગીતાનું જ્ઞાન કુરુક્ષેત્રના મેદાન પર અર્જુનને હતાશામાંથી બહાર લાવવા ભગવાન શ્રીકૃષ્ણે આપેલ ઉપદેશ છે. મહાભારતની પૃષ્ઠભૂમિકા જાણ્યા વગર ભગવદ્ ગીતામાંથી નિષ્પન્ન થતું જ્ઞાન અધૂરું છે.
ભગવદ્ ગીતામાં જે જ્ઞાન આપવામાં આવ્યું છે તે આધુનિક વ્યવસ્થાપન (મેનેજમેન્ટ) અને નેતૃત્વ (લીડરશીપ)ના સિદ્ધાંતોને પ્રતિપાદિત કરે છે. આ નામના કેન્દ્રસ્થાને ફરજ આધારિત કાર્યવાહી છે, જ્યાં મેનેજરને પોતાનું કામ કોઈ પણ પ્રકારના પરિણામો અંગેના મોહ વગર કરવાનું કહેવામાં આવ્યું છે. આના કારણે લાંબા ગાળાના હેતુલક્ષી કાર્યપદ જે પોતાની સંસ્થા તેમજ તેના સાથે રોકાયેલ રોકાણકારો અને અન્ય રસ ધરાવનારાઓના હિતમાં કામ કરવાનું શીખવે છે. પોતાના અંગત અભિમાન અથવા ઇચ્છાઓને વશ થયા વગર કરવાનું છે.
ગીતાજ્ઞાન સમતુલિત નિર્ણય પદ્ધતિને પ્રાધાન્ય આપે છે, જ્યાં મેનેજરે લાગણીઓ તેમજ તર્ક બંનેને સમતુલિત રાખી કોઈ પણ પરિસ્થિતિમાં નિર્ણય લેવો જોઈએ એવું કહેવામાં આવ્યું છે. આ માટે સત્ત્વ, રજસ્ અને તમસ એ ત્રણેય ભાવને મૂળભૂત સ્વરૂપે ધ્યાનમાં લઈ બુદ્ધિગમ્ય નિર્ણય જે સ્પષ્ટતા, ડહાપણ અને લક્ષ્યને સમતુલિત કરીને લેવાયો હોય અને જેને કારણે ઉતાવળિયા તેમજ આવેગ આધારિત અથવા અનિર્ણાયક પસંદગીઓને કોઈ સ્થાન ન હોય.
આપણે જોઈએ તો આજે પણ કોઈ પણ સંસ્થા અથવા કોર્પોરેટ બોડી માટેની નિર્ણય પ્રક્રિયામાં આ જ પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે. શાંત અને સ્વસ્થ ચિત્તે વિવિધ પાસાઓ ધ્યાને લઈ કોઈ પણ પ્રકારના આવેગ વગર લેવાયેલ સમતુલિત નિર્ણય એક સારામાં સારો અને સાચામાં સાચો નિર્ણય હોઈ શકે. ગીતાનું આ જ્ઞાન સમજવા માટે મહાભારતમાંથી દાખલાઓ તેમજ પ્રસંગો ઉદાહરણ તરીકે વાપરી શકાય. કેટલા અંશે આ લેખમાળાની ચર્ચામાં શ્રીમદ્ ભગવદ્ ગીતાની સમાંતર મહાભારતના પ્રસંગોનો ઉલ્લેખ પણ થતો રહેશે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
