જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય છે જ્યારે એનો સામનો કરવા જતા હતાહત થવાય અથવા ઊલટું નુકસાન પણ વેઠવું પડે. કોઈ પણ સંઘર્ષથી ભાગી છૂટવું ન જોઈએ, તેવું ધર્મરાજ યુધિષ્ઠિર શકુનિના પુત્ર ઉલૂકને કહે છે,
( જે મહાભારતના ઉદ્યોગ પર્વ અધ્યાય–૧૬ર, શ્લોક–પપ માં આપેલું છે) તે મુજબ અર્થનીતિ, કૂટનીતિ, જનસંહારનો ભય, પ્રાણોનો મોહ – આ દરેક પોતપોતાની જગ્યાએ છે પણ સીધુસાદું, સિદ્ધાંતયુક્ત સત્ય એ છે કે, ‘કાયર ક્યારેય યુદ્ધ લડતો નથી.’
આગળ એવું કહ્યું છે કે, આ કાયર યુદ્ધ માટે પડકાર ફેંકે છે, એ માટે પોતે ઉત્સુક છે એમ દર્શાવવા ભરચક તૈયારીઓ પણ કરે છે. મોટી મોટી ચેલેન્જ ફેંકે છે પણ એ યુદ્ધ નથી લડતો.
એવી જ બીજી વાત જે બીજાના કહેવાથી યુદ્ધમાં ઉતરે છે અથવા ‘આપ વિના બળ નહીં, મેઘ વિના જળ નહીં’નો સિદ્ધાંત સમજ્યા વગર, ‘પારકી આશા, સદા નિરાશ’નો બોધ સમજ્યા વગર પારકાના જોરે કૂદકા મારે છે તે વીર્યહીન નપુંસક છે. એ બધાં જ કષ્ટ જાતે સહીને પણ સંઘર્ષને અથવા યુદ્ધને ટાળતો રહે છે એમ સમજાવતા ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે,
“परवीर्य समाश्रित्य यः समाह्वयते परान्।
अशक्तः स्वयमादातुमेतदेव नपुंसकम्॥”
અર્થાત જે પારકા ભરોસે શત્રુઓને લલકારે છે એનું આ કાર્ય જ નપુંસકવૃત્તિ છે.
જીવનના કોઈ પણ ક્ષેત્રમાં, પછી તે કુટુંબ હોય, મિત્ર હોય, ધંધો હોય, મેનેજમેન્ટ હોય, વહીવટ હોય – આ સિદ્ધાંતને કેન્દ્રસ્થાને મૂકતા આંતરિક શક્તિ વિકસિત થાય છે. સંઘર્ષ આ પ્રકારના સામનાથી ટળી શકે અથવા જીતી પણ શકાય છે અને ક્યારેક આવી સ્થિતિ ઊભી થાય તો એનાથી પીઠ ફેરવી ભાગી છૂટવું જોઈએ નહીં.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
