કામ માનવીના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, તે પછી સામાન્ય માણસ હોય કે પછી કોઈ મોટો હોદ્દેદાર. બધાના કામના પ્રકાર અલગ અલગ હોઇ શકે પણ બધાના કામનું ખાસ મહત્વ છે. જૂની ફિલ્મ ‘હાથી મેરે સાથી’નું એક પ્રચલિત ગીત છે:
‘દુનિયા મેં રહેના હૈ તો કામ કર પ્યારે
હાથ જોડ સબકો કર સલામ કર પ્યારે’
કોઈ પણ કામ આ રીતે જ કરવું પડે. કામ અથવા કર્મ એવી વસ્તુ છે જે સારી રીતે થાય તો વ્યક્તિને એવરેસ્ટની ટોચે બેસાડી શકે છે અને ખરાબ થાય તો પાતાળમાં પણ ધકેલી શકે છે. આ છે કામ! શ્રીમદ ભગવદ ગીતામાં કામ માટે ‘કર્મયોગી’નો કન્સેપ્ટ આપવામાં આવ્યો છે. તેનો અર્થ એ વ્યક્તિએ કોઈપણ લાલચ કે અપેક્ષા વગર નાના મોટા બધા જ કામો ગંભીરતાપૂર્વક કરવાં જોઈએ.
ભગવદ ગીતાની ભેટ આપનાર શ્રીકૃષ્ણ પોતે પણ આ સિદ્ધાંતને અનુસર્યાં છે. બાળપણમાં ગોકુળમાં ગોવાળ પરિવારમાં રહ્યા. ગોવાળિયા તરીકે ગાયો ચરાવી. ગોવાળો અને ગોપીઓ વચ્ચે રહ્યા. થોડા વર્ષો બાદ દરિયાની વચ્ચે દ્વારકા નામની સમૃદ્ધ નગરી બનાવી. તેની સમૃદ્ધિ અને ત્યાંની પ્રજાની સુખાકારી જોઈ તેને સોનાની નગરીનું બિરુદ મળ્યું.
મહાભારતના યુદ્ધ સમયે પાંડવો તરફથી પોતે યાદવકુળના સમ્રાટ હોવા છતાં દુર્યોધનની સભામાં સમાધાનનો પ્રસ્તાવ લઈને દૂત તરીકે ગયા. સુતપુત્ર એટલે સારથિના પુત્ર હોવાથી કર્ણને જીવનભર અપમાન વેઠવું પડ્યું હતું. કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણએ પોતે સારથિ તરીકેની ફરજ નિભાવી. અહીં શ્રીકૃષ્ણએ Dignity of workનો સિદ્ધાંત પુરવાર કર્યો.
કંપનીમાં મેનેજરની પોસ્ટ પર બેઠેલ વ્યક્તિ કોઈપણ નાનમ વગર જો નીચેના લેવલનું કામ પણ કરી શકે તો જ તે અન્ય માટે ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કરી શકે. મોટા માણસનું જોઈ દરેક કર્મચારી નાનું કામ કરવામાં નાનમ નહીં અનુભવે. સમય આવ્યે કોઈપણ કર્મચારી પોતાની પોસ્ટ કરતાં નીચેની પોસ્ટનું કામ કરી શકે અને એ રીતે કોઈ કર્મચારીની ગેરહાજરીમાં પણ કંપનીનું કોઈ કામ રોકાય નહીં તો જ કંપનીની પ્રગતિ કરશે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
