અર્જુનના મગજમાં પણ કુરુક્ષેત્રના મેદાનમાં કંફ્યૂઝનના વાદળો ઘેરાયેલા છે. તે શ્રીકૃષ્ણને પ્રશ્નો પૂછે છે. ‘જ્ઞાન પ્રતિક્રિયા (action) કરતા મોટું છે તો પછી તમે મને આ ભયાનક યુદ્ધ કરવા કેમ પ્રેરો છો? તમે મને સ્પષ્ટ સલાહ આપો કે કયો રસ્તો સૌથી સારો છે?’
અહીં અર્જુન શ્રીકૃષ્ણ પાસે સ્પષ્ટ સલાહ માંગે છે. મેનેજમેન્ટનો પાયો આમાં છુપાયેલો છે. એ છે ‘clarity of advice’. કોઈપણ કંપનીમાં વરિષ્ઠ અધિકારીઓએ દ્વારા અન્ય કર્મચારીઓ સ્પષ્ટ સલાહ મળે તે ખૂબ જરૂરી છે. અને એ કર્મચારીઓ પણ જે-તે સલાહને પચાવે તે પણ એટલું જ જરૂરી છે.
‘સ્પષ્ટ સલાહ’ એટલે સરળ શબ્દોમાં સામેવાળાને સમજાય તે રીતે જે-તે પરિસ્થિતિનો સામનો કરવા અપાતું માર્ગદર્શન. ભાષા એ વાતચીતનું માધ્યમ છે. તે અભિવ્યક્તિને બીજા સમક્ષ મૂકવામાં સરળતાથી ઉપયોગ થઈ શકે તેવું સાધન છે. તે કંપનીમાં સૌથી નીચેની કક્ષાથી મેનેજર લેવલ સુધીની બધી જ વ્યક્તિઓને સમજાય એ રીતનું હોવું હોઈએ. કંપનીરૂપી કુરુક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓ જ અન્ય કર્મચારીઓના કૃષ્ણ, માર્ગદર્શક, સલાહકાર હોય છે. જો તેઓ સ્પષ્ટ શબ્દોમાં માર્ગદર્શન આપશે તો કર્મચારીઓ તેને કાર્યમાં ઉતારી પ્રોડક્ટિવ આઉટપુટ પણ આપી શકશે જે ક્યાંક ને ક્યાંક કંપની માટે જ ફાયદાકારક અને યુદ્ધ જીતી આપનારું બનશે. ખરું ને?
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
