વિંછીયામાં હત્યાના કેસમાં રીકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પર પથ્થરમારો

રાજકોટ: વિંછીયા તાલુકાના થોરિયાળી ગામે થોડા દિવસ પહેલા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ હતી. જે  બાદ તે યુવાનની હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યાના મામલામાં આઠ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાંથી છ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી અને આજે બપોરે તેઓને ઘટના સ્થળ પર રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને આરોપીઓની જાહેરમાં સરભરા કરીને સરઘસ કાઢવાની માંગણી કરી હતી. પરંતુ પોલીસે ઈન્કાર કરતા જતા ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.

વિંછીયાના થોરીયાળી ગામના ઘનશ્યામભાઈ રાજપરા નામના યુવાનની 8 શખ્સો દ્વારા હત્યા નીપજાવવામાં આવી હતી. આ હત્યાના મુખ્ય 6 આરોપીની ધરપકડ કરી લીઘી હતી, જ્યારે અન્ય બે આરોપીઓ દેવરાજ પોલાભાઈ સાંબડ અને કનુ ધીરૃભાઈ કરપડા નામના શખ્સો હજુ ફરાર હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. આ ધટના બાદ કોળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળો અને ન્યાયન મળે ત્યા સુધી ધરણા પર બેઠા હતા. જેના પાંચમાં દિવસે રાજકોટ જિલ્લા કલેકટરે ન્યાયની ખાતરી આપતા બે દિવસ પહેલા મૃતદેહ સ્વીકારીને અંતિમવિધિ કરવામાં આવી હતી. જેના બીજા જ દિવસે મુખ્ય આરોપી શેખા સાંબડને પોલીસે ઝડપી લીધો હતો અને આજે શેખા સાંબડ ઉપરાંત અગાઉ પકડાયેલા અન્ય પાંચ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. જો કે, આ અંગેની ખબર પડતા થોરીયાળી ગામ સહિત વિંછીયા-જસદણ તાલુકામાંથી મોટી સંખ્યામાં કોળી સમાજ ઉમટી પડયો હતો અને આરોપીઓનું સરઘસ કાઢીને જાહેરમાં સરભરા કરવાની માંગ કરવામાં આવી હતી.

આજે બપોરે વિંછીયા પોલીસ સ્ટેશન સામે ત્રણ હજારથી વધુ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢવાની ના પાડતા લોકો વધું રોષે ભરાયા હતા. આ દરમિયાન લોકોના ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. વિફરેલા ટોળાને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આમ છતાં મામલો શાંત ન પડતા પોલીસ દ્વારા 12 જેટલા ટીયરગેસ સેલ છોડવામાં આવ્યા હતા. પોલીસ પર પથ્થરમારો કરનારા 52 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં રાજકોટ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતેથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો વિંછીયા ખાતે ઉતારી દેવામાં આવ્યો હતો. આ પથ્થરમારાની ઘટનામાં 5 જેટલા પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જે મામલે ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ કરાઈ હતી.