બાળકનું નામ રાખવાનો અધિકાર કોને?

મારું નામ મારા ફોઈએ રાખ્યું હતું, પણ એ સારુ ન હતું એ મને અત્યારે સમજાય છે. જો કે શાળામાં પ્રવેશ મેળવવાનો સમય આવ્યો ત્યારે મારી મમ્મીએ મારું નામ બદલી નાંખ્યું. જેનો મને અત્યારે આનંદ છે. પરંતુ ફોઈએ પાડેલા નામને બદલવાની સજા રૂપે મારી માતાને ઘરના દાદરે નવ દિવસ સુધી ભૂખ્યા-તરસ્યા બેસી રહેવું પડ્યું. બે મહિના સુધી ફોઈ ઘરે ના આવ્યાં. માફીનામા શરૂ થયા, અંતે બધુ સારુ થયું, પણ એવુ બધે નથી થતું.

વાત છે નામ અને ફોઈ વચ્ચેના નાજુક બંધનની.

સામાન્ય રીતે વિચારવામાં આવે તો ફોઈ નામ રાખે એ એક રિવાજ છે, પણ પ્રશ્ન એ થાય કે શું ખરેખર પોતાના સંતાનનું નામ રાખવાનો માતાને અધિકાર નથી?

આયુષી લગ્નના ત્રણ વર્ષ પછી માતા બનવાની હતી, એની ખુશીનો તો કોઈ પાર જ ન હતો. ઘરમાં પણ બધા એની આગળ-પાછળ ફરે, આ ખા, પેલું ખા, આમ કર, અહીં બેસ એમ કહીને આખો દિવસ એની સાર સંભાળ લીધા કરે, એની નણંદ સુરેખા પણ અઠવાડિયે એક વાર તો ભાભીની ખબર જોવા આવી જ પહોંચે. પાછી કહેતી પણ જાય કે મારા તો એકના એક વીરાના ઘરે ઘોડિયું બંધાશે. હું તો ખુબ ખુશ છું. અમારા ઘરનો કુળદીપક આવશે. આયુષીને આવી વાતો સાંભળીને સારુ ન લાગતું, કારણ કે આજના આધુનિક સમયમાં દીકરી-દીકરી વચ્ચેની ભેદરેખા તો લગભગ ભૂંસાઇ જવા આવી છે.

આયુષી ડિલીવરી પછી નાનકડી દીકરી સાથે હોસ્પિટલથી ઘરે આવી ત્યારે એનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું. પતિ દિર્ઘાયુ સાથે વાત કરતા એને દીકરીના નામ વિશે ચર્ચા કરી કે છઠ્ઠીના દિવસે આપણી પરીનું નામકરણ થશે ત્યારે એના માટે મે સુંદર નામ વિચાર્યુ છે. પતિ-પત્ની વાતો કરી રહ્યા હતા ત્યાં જ સુરેખા વચ્ચે આવીને બોલી, ભાભી, જો જો નામ વિચારતા, એ તો મારો હક છે અને મે નામ વિચારી પણ લીધુ છે.

સુરેખાના ગયા પછી આયુષીએ પતિ સામે જોયું, પણ ત્યાંથી પણ સહકારની અપેક્ષા ના દેખાઈ. એણે એની મમ્મીને ફોન કરીને પોતાની વેદના કહી તો મમ્મીએ પણ સુરેખાનો પક્ષ લેતા કહ્યું કે, દીકરી, નામ રાખવાનો હક તો ફોઈનો જ હોય. આ બધુ સાંભળી આયુષી નિરાશ થઈ ગઈ. નામકરણના દિવસે સુરેખાએ ભત્રીજીનુ નામ રાખ્યું ગાથા આયુષીને રાખવું હતું સ્વરા. એને મન વાળ્યું અને દીકરીના નામના વધામણાં કર્યા.

આયુષીના કિસ્સામાં પણ એ જ પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે આખરે કેમ માતા પોતાના સંતાનનું નામ રાખી ન શકે? એવા કેવા રિવાજ છે? કયા ગ્રંથોમાં લખાયેલું હશે કે નામ ફોઈ જ રાખે? જન્મ માતા આપે, પીડા માતા સહન કરે, સંતાનનો ઉછેર માતા કરે અને એને નામ આપવાનો પણ હક નહીં?

સંતાનનું નામ રાખવાનો પ્રથમ અને અનિવાર્ય હક માતાને મળવો જોઈએ

આજના યુગમાં પણ અમુક પરિવારોમાં એ માન્યતા છે કે બાળકનું નામ રાખવાનો હક માતા કરતા ઘરના વડીલો અથવા ફોઈને હોવો જોઈએ. ઘણી જગ્યાએ તો માતાને પૂછવામાં પણ આવતું નથી, કે જે બાળકને  એણે નવ મહિના ગર્ભમાં રાખ્યું છે, જે માટે એણે અસહ્ય પીડાઓ સહન કરી છે, એ બાળકનું નામ રાખવામાં એની કોઈ ભૂમિકા નથી.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજીક કાર્યકર વૈશાલીબહેન રાઠોડ કહે છે કે, “આ વિચારધારા ન્યાયસંગત નથી. માતા એ બાળકની પ્રથમ અને પરમ સંભાળક છે, જેણે એનું પોષણ કર્યું છે, એની ભવિષ્યની ઉન્નતિ માટે સપનાઓ જોયાં છે. બાળકનું નામ રાખવાનો પ્રથમ હક માતાનો છે, કેમ કે એ માત્ર નામ નહીં, પણ માતા અને બાળકના આત્માના જોડાણનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ બાબત માત્ર પરંપરાગત માન્યતાઓ નહીં, પરંતુ માતા માટેના સન્માન અને સમાન અધિકારની વાત છે. માતા એ વ્યક્તિ છે જે નવ મહિના સુધી પીડા સહન કરે છે, પ્રસૂતિની વેદનાને માને છે, અને બાળકના ભવિષ્ય માટે એક નવું પ્રભાત સર્જે છે. ત્યારે, એના બાળકનું નામ રાખવાનો અધિકાર માત્ર કુટુંબના અન્ય સભ્યોને આપવામાં આવે અને માતાને અવગણવામાં આવે, એ ન્યાયસંગત ન કહેવાય. આજના સમયમાં માતાઓ વધુ આત્મનિર્ભર બની રહી છે. તેઓ પોતાના સંતાન માટે શ્રેષ્ઠ વિચાર કરી શકે છે, અને એટલે જ સંતાનનું નામ રાખવાનો પ્રથમ અને અનિવાર્ય હક માતાને મળવો જોઈએ.”

મારા નામ પાછળ મારી માતાની ઓળખ છે!

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ધનવી પિયુષ દેસાઈ કહે છે કે, “મારા માટે મારું નામ માત્ર એક ઓળખ નહી, મારી માતાની પૃષ્ઠભૂમિ છે, જે મને એક મજબૂત સ્ત્રી તરીકે ઊભી રાખે છે. હું મારા નામમાં મારી માતાને જોતી, અને એ જ મારી માટે સૌથી મોટું ગૌરવ છે!  જ્યારે હું આજે આ પળે ઘડીને, એક જુદા દેશમાં, એક જુદા સંજોગોમાં બેઠી છું, ત્યારે પણ મારા નામની મીઠાશ અને શક્તિ મને રોજ યાદ અપાવે છે કે હું કોણ છું!

મારા નામની પાછળ મારી માતાની પસંદગી છે, મારી માતાના સંસ્કાર છે, અને સૌથી મહત્વની વાત, મારી માતાની ઓળખ છે!  જ્યારે મારા જન્મની ઘડીઓમા મારા માતા-પિતા માટે આનંદ અને ઉત્સાહ સાથે એક પ્રશ્ન પણ ઊભો થયો – “નાનકીનુ નામ શું રાખવું?” ત્યારે મારી માતાએ મારા માટે એક શબ્દ પસંદ કર્યો – “ધનવી”( Dhanvee).

એ માત્ર એક નામ નથી, એ એક ઓળખ છે, એક આશીર્વાદ છે, એક કથા છે, જે મારી માતાએ મારા માટે ઘડી. આજે હું કેનેડામાં છું અને મારી મા હજી ભારતમાં, છતાં જ્યારે લોકો મને “ધનવી”( Dhanvee) કહીને બોલાવે ત્યારે મને લાગણીભીના સંબંધોની સુગંધ આવી જાય. એ એક શબ્દ નથી, એ મારી માતાની પસંદગી છે, જે આજે પણ મારી સાથે છે!”

અલબત્ત, બદલાતા સમયની સાથે હવે બાળકનું નામ માતા-પિતા પણ પાડતા થયા છે અને ઘણા કિસ્સાઓમાં માતા-પિતા અને ઘરના સભ્યો કહે એ જ નામ ફોઇ વિધિવત પાડે એવું જોવા મળે છે, પણ વાત અહીં સંતાનનું નામ પાડવા પર એની જન્મદાતાના અધિકારની છે.

(હેતલ રાવ)