આ જાળી અમદાવાદની ઓળખ છે…

અમદાવાદ હવે તો હેરિટેજની યાદીમાં સ્થાન મેળવી ચૂક્યું છે. અમદાવાદને આ દરજ્જો અપાવવામાં જે કેટલાક મહત્વના હેરીટેજ સ્મારકોનો ફાળો છે એમાં એક છે વિશ્વપ્રસિધ્ધ સીદી સઇદની જાળી. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિધ્ધ કલાનો આ અદભુત નમૂનાવાળી જાળી શહેરના લાલ દરવાજા પાસે એક મસ્જિદમાં કોતરાયેલી છે.

સીદી સઈદની જાળીનો કુલ વિસ્તાર 1078.25 ચો.મીટર છે. તેનું બાંધકામ અધૂરું રહેલું જણાય છે. એની દક્ષિણ અને પશ્ચિમ તરફની દીવાલોમાં કમાનાકાર મોટી ગવાક્ષાકાર બારીઓમાં સુંદર જાળીકામ કરેલું છે. પશ્ચિમ બાજુના ત્રણ કમાનાકાર ગવાક્ષ ખાલી છે. આ મસ્જિદની રચનાપદ્ધતિ અમદાવાદની સારંગપુરની મસ્જિદ સાથે ઘણી મળતી આવે છે. આ મસ્જિદ 157-273 દરમિયાન શેખ સઈદ સુલતાની નામના ઉમરાવે મુઝફ્ફર ત્રીજા(156-173 A.D.)ના સમયમાં બાંધી હતી. અંદરથી મસ્જિદનો વિસ્તાર 20.73 મી.  10.97 મી.નો છે. લિવાનમાં આઠ સ્તંભો છે. દક્ષિણની દીવાલની જાળીઓમાં ભૌમિતિક આકૃતિઓનું પ્રાધાન્ય છે. જ્યારે પશ્ચિમની દીવાલમાં વનસ્પતિજન્ય (floral) આકૃતિઓ છે. તેમાં ખજૂરીના વૃક્ષ અને ફૂલવેલનું સંયોજન આકર્ષક છે. સાદા રેતિયા પથ્થરમાં સૂક્ષ્મ કોતરકામ પ્રશંસનીય છે. લિવાનની બંને બાજુના મિનારા બુરજ જેવા લાગે છે. કમાનની રચના અને છતની રચના જોતાં તે 16મી સદીના મધ્યની લાગે છે.

એ સમયમાં આ કલાત્મક જાળીનું કામ અધુરું રહેતા એક જગ્યાએ જાળીના સ્થાને પત્થરો મૂકવામાં આવ્યા છે. અમદાવાદ શહેરને આર્કિટેક્ટર, ઐતિહાસિક રીતે જોવા આવેલા લોકો સીદી સઇદની જાળીની મુલાકાત લઇ અવશ્ય અભિભૂત થઇ જાય છે. વિદ્યાવાચસ્પતિ કે. કા. શાસ્ત્રીજીને પણ આ ઐતિહાસિક સ્થળની વારંવાર મુલાકાત લેવાનું ગમતું હતું. જાપાનના વડાપ્રધાન શીંજો આબે અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમને આ જાળી બતાવવા લઇ આવેલા.

શહેરની આઇ.આઇ.એમ સહિત અનેક સંસ્થાઓએ પોતાના લોગો-સિમ્બોલમાં સીદી સઇદની મસ્જિદની જાળીને સ્થાન આપ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)