ગુજરાતની આ પાંચ અનોખી શરદ પૂર્ણિમા!

જ્યારે આકાશમાં વાદળો વિખેરાઈ જાય અને ચંદ્ર પોતાની સોળે કળાઓ સાથે ખીલી ઉઠે છે, ત્યારે માનવજીવન પ્રકૃતિના આ વૈભવને વધાવવા ઉત્સવમાં લીન થઈ જાય છે. શરદ પૂર્ણિમા (Sharad Purnima) એટલે માત્ર રાસ-ગરબા રમવા કે અગાસીમાં બેસીને દૂધ-પૌંઆ ખાવા એટલું જ નહીં. ભારતીય પ્રજાએ પ્રકૃતિના આ બદલાવને પોતાના આરોગ્ય, ભક્તિ અને લોકજીવન સાથે જોડીને અનેક કલ્પનાતીત અને અનોખી પરંપરાઓ સર્જી છે. જ્યારે ઋતુસંધિનો સમય હોય ત્યારે પ્રકૃતિ અને સંસ્કૃતિનો સમન્વય કેવા નયનરમ્ય સ્વરૂપે પ્રગટ થઈ શકે છે એનો ઇતિહાસ સાક્ષી છે. આજકાલ જ્યારે ઉત્સવો માત્ર વ્યાવસાયિક બની રહ્યા છે, ત્યારે વાત કરીએ ગુજરાતમાં ઉજવાતી શરદ પૂર્ણિમાની અનોખી પરંપરાઓ અને સ્થળો વિશે..

ડાકોરની માણેકઠારી પૂનમ

શરદ પૂર્ણિમાં ડાકોરની માણેકઠારી પૂનમ

ભગવાન અને ભક્ત વચ્ચેના અતૂટ નાતાની આ સૌથી ભવ્ય રજૂઆત છે. વર્ષોથી ખેડા જિલ્લાના ડાકોરમાં શરદ પૂર્ણિમાની (Sharad Purnima) મધ્યરાત્રિએ ભગવાન રણછોડરાયના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. લોકવાયકા મુજબ, ભક્ત બોડાણાની અનોખી ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન દ્વારકાથી ડાકોર આવ્યા હતા. આ ખાસ દિવસે ભગવાનને સવા લાખ રૂપિયાનો અમૂલ્ય ‘માણેકઠારી મુગટ’ પહેરાવવામાં આવે છે. ચાંદની રાતમાં હીરા-માણેકનો ઝગમગાટ અને ખુલ્લા પગે માઈલો ચાલીને આવતા ભક્તોનો પ્રવાહ શ્રદ્ધાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.

કચ્છના ધોળા રણમાં શરદ ઉત્સવ

શરદ પૂર્ણિમા કચ્છના ધોળા રણમાં શરદ ઉત્સવ

કુદરતના આશ્ચર્ય અને સૌંદર્યને માણવા માટેનો આ અત્યંત વિહંગમ નજારો છે. કચ્છના રણમાં જ્યારે મીઠાની સફેદ ચાદર પર શરદ પૂર્ણિમાના (Sharad Purnima) ચંદ્રના સીધા કિરણો પડે છે, ત્યારે આખું રણ જાણે ચાંદીથી મઢી લીધું હોય એવું ઝગમગી ઉઠે છે. આ રાત્રે પ્રવાસીઓ માટે ખાસ ‘શરદ ઉત્સવ’નું આયોજન થાય છે. અફાટ શાંતિ, માથા પર તેજસ્વી ચંદ્ર અને નીચે દૂર સુધી ફેલાયેલું સફેદ રણ એ સાબિત કરે છે કે પ્રકૃતિ પોતે જ એક ઉત્સવ છે, જેને કોઈ કૃત્રિમ રોશનીની જરૂર નથી.

આયુર્વેદિક પરંપરાનો દૂધ–પૌંઆ ઉત્સવ

ઋતુસંધિના સમયે બીમારીઓથી બચવા માટે આપણા પૂર્વજોએ અપનાવેલો આ અત્યંત વૈજ્ઞાનિક રસ્તો છે. ભાદરવા મહિનાના આકરા તાપ પછી શરીરમાં જમા થયેલો ‘પિત્ત’ દોષ શરદ ઋતુમાં રોગ પેદા કરે છે. આ પિત્તને શાંત કરવા માટે લોકો શરદ પૂનમની રાત્રે ચાંદીના વાસણમાં દૂધ અને પૌંઆ ખુલ્લા આકાશ નીચે મૂકે છે. ચંદ્રના શીતળ કિરણો દૂધમાં ભળ્યા બાદ મધ્યરાત્રિએ આ પ્રસાદ ગ્રહણ કરવાની પરંપરા માત્ર ધાર્મિક વિધિ નહીં, પણ પ્રજાના સ્વાસ્થ્યને જાળવવાનો એક અદભુત સામાજિક કીમિયો છે.

દ્વારકાના જગતમંદિરે મહારાસની સ્મૃતિ

ભક્તિ અને સંગીતના સમન્વયથી ગોપીભાવને જાગૃત કરતી આ રાત છે. શ્રીમદ ભાગવત મુજબ, ભગવાન કૃષ્ણએ શરદ પૂનમની (Sharad Purnima)રાત્રે જ યમુના કાંઠે ગોપીઓ સાથે મહારાસ રચ્યો હતો, જ્યાં દરેક ગોપીને કૃષ્ણ પોતાની સાથે જ રમી રહ્યા હોવાનો અહેસાસ થયો હતો. દ્વારકામાં આ દિવસે રાત્રે વિશેષ ઉત્સવ ઉજવાય છે. ગોમતી ઘાટ પર ચાંદની રાતનો માહોલ અને રસ્તાઓ પર રમાતા પારંપરિક રાસ-ગરબા આજે પણ એ પ્રાચીન મહારાસની સ્મૃતિને જીવંત રાખે છે.

સોમનાથમાં શિવ અને સોમનો સંગમ

આધ્યાત્મિકતા અને ખગોળીય ઘટનાઓના સમન્વયની આ એક અસાધારણ પૌરાણિક કથા છે. શિવપુરાણ મુજબ, દક્ષ પ્રજાપતિના શ્રાપને કારણે ક્ષય રોગથી પીડાતા ચંદ્ર (સોમ) એ પ્રભાસ પાટણના દરિયાકિનારે શિવજીની આરાધના કરી અને શરદ પૂનમની રાત્રે શિવજીએ એને શ્રાપમુક્ત કરી ફરીથી ખીલવાનું વરદાન આપ્યું હતું. આજે પણ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં, ઘૂઘવતા અરબી સમુદ્ર પર પડતું ચંદ્રનું સોનેરી પ્રતિબિંબ જોઈને એવું લાગે છે જાણે ચંદ્ર આજે પણ પોતાના ઈષ્ટદેવની આરાધના કરી રહ્યો છે.

હેતલ રાવ