સુરીલી ઓ..સુરીલી સાંભળે છે..? મંદિરથી આવીને સોફા પર બેસતા જાગૃતિબહેને પુત્રવધુને બોલાવી. રસોડાનું કામ પરવારી ઓફિસ જવા તૈયાર થતી સુરીલી સાસુમાનો અવાજ સાંભળી હાંફળીફાંફળી ડ્રોઇંગરૂમમાં આવી. કડક અવાજમાં જાગૃતિબહેને પુત્રવધુને કહ્યું જો રવિવારે મારા કાકાના દીકરાને ત્યાં ઘરનું વાસ્તુ છે આપણે બધાયે જવાનું છે.
ત્યાં જ સુરીલી બોલી ઉઠી પણ મમ્મીજી કાલે જ મારા મામાનો દીકરો અને ભાભી આવીને મારા ભત્રીજાની યજ્ઞોપવિત વિધીનું આમંત્રણ આપી ગયા છે. તમને તો ખબર જ છે કે મોસાળમાં હું એક જ ભાણી છું તો મારે ત્યાં જવું પડશે. આટલું સાંભળતા જ જાગૃતિબહેને રાડ પાડી..ત્યાં જવું પડે એટલે ? હવે તુ આ ઘરની વહુઆરું છે એ ઘરની દીકરી પછી, તારી પહેલી ફરજ અમારા માટે. પણ મમ્મીજી મે તો વેદાંત સાથે વાત પણ કરી છે. અમે બંને જવાના છીએ. મારી સાથે તુ જીભાજોડી ન કર, મારા દીકરાને હું સમજાવી લઈશ. તારે પીયરમાં નહીં સાસરીના પ્રસંગમાં હાજર રહેવાની જરૂર છે સમજી. પણ મમ્મી..સુરીલીને વચ્ચે જ અટકાવતા જાગૃતિબહેને કહ્યું બસ હવે વાત પતી. તારે ત્યાં નથી જવાનું. આંખમાં આંસુ સાથે ભાઈને શું કહેશે એ વિચારતી સુરીલી જોબ પર જવા નીકળી ગઈ.
વાત અહીં એક સુરીલીની નથી. વાત છે હંમેશા પિયર અને સાસરી વચ્ચે પીસાતી દીકરી અને પુત્રવધુની બેવડી ભૂમિકા નિભાવી રહેલી મહિલાઓની. જ્યારે પણ સાસરીમાં અને પીયરમાં એક સાથે પ્રસંગ આવે ત્યારે મહિલાઓને કેવી રીતે મેનેજ કરીશું એ સવાલ સતાવે છે. એમાં પણ મહિલા સંયુક્ત પરિવારમાં રહેતી હોય તો એની વ્યથા વધી જાય છે. આ નાની મગજમારી ક્યારેક મોટી મુશ્કેલીને પણ નોંતરે છે.
પુત્રવધુને સમજવાની જરૂર
ગુજરાતની અનેક એનજીઓ સાથે જોડાયેલા સોશિયલ એક્ટિવિસ્ટ ડો. કાજલ નિર્મલા ભરત રાવ ચિત્રલેખા.કોમને કહે છે, “આપણી ભારતીય પરંપરા પ્રમાણે સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે પીયરના પ્રસંગમાં ન જાઓ તો ચાલે પરંતુ સાસરીમાં તો હાજરી આપવી જ પડે. આવા સમયે મહિલા સામે જટીલ સમસ્યા ઉભી થઈ જાય છે. ખાસ કરીને દીકરી પીયરના પ્રસંગમાં ન આવે તો આજે પણ સમાજમાં એવી વાતો થાય છે કે એના સાસરીવાળા જ એને નથી મોકલતા. જો કે હવે દરેક સમાજમાં એજ્યુકેશન વધ્યું છે. માટે પરિવાર પુત્રવધુની વાતને સમજતા થયા છે. બંને જગ્યાએ એક જ દિવસે પ્રસંગ હોય તો આયોજન કરવામાં પણ આવે છે. આવી કોઈ પણ પરિસ્થિતિ સર્જાય ત્યારે પુત્રવધુને સમજવાની જરૂર છે.”
મહિલાઓની મનોવ્યથા
પસંદગી: ઘણીવાર મહિલાઓ માટે બંને પરિવારને સમાન મહત્વ આપવું મુશ્કેલ બની શકે છે. કઈ જગ્યાએ જવું એ પસંદગીમાં એમને મનોમંથનનો સામનો કરવો પડે છે. માનસિક દબાણ: બંને પરિવારની અપેક્ષાઓ અને લાગણીઓનું ધ્યાન રાખવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જો કોઈ એક પરિવાર નારાજ થાય તો મહિલાઓને ગિલ્ટી ફિલ થાય છે. સમય અને સંકલન: બંને સ્થળે જવા માટે સમય અને સંકલનની મુશ્કેલી આવી શકે છે. એક જ દિવસમાં બે સ્થળે જવું શક્ય ન હોય તો કોઈ એક પરિવારને પ્રાથમિકતા આપવી પડે છે. સામાજિક દબાણ: સમાજ અને પરિવારના સભ્યોની ટીકા અને દબાણનો સામનો કરવો પડે છે. ક્યારેક સમાજમાં એવા વિષય પર આલોચના થતી હોય છે કે “પિયર વધારે મહત્વનું છે કે સાસરી?”. વ્યવહારિક મુશ્કેલી: કેટલાક કિસ્સામાં, પરિવારો વચ્ચે વિસંગતતા અથવા મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે બાબતો વધુ જટિલ બને છે. સંદર્ભિત નિર્ણય: ક્યારેક પરિવારોની નારાજગી ટાળવા માટે મહિલાઓને નિર્ણય લેતી વખતે પોતાની આકાંક્ષાઓ અને સ્વપ્નોનો ત્યાગ કરવો પડે છે. લગ્નજીવનમાં તણાવ: સાસરી અને પિયર બંને પરિવારની વચ્ચે સંબંધો વધુ તણાવગ્રસ્ત બને છે, જે એમના લગ્નજીવન પર નકારાત્મક અસર કરે છે. |
80 ટકા મહિલા સાસરીના પ્રસંગને પ્રાધાન્ય આપે છે
પિયરના પ્રસંગમાં સ્ત્રી મનથી મહાલી શકે
મારા મતે તો પિયરના પ્રસંગને જ પ્રાધાન્ય આપવું વધારે યોગ્ય છે એમ કહેતા એડવોકેટ વૈદેહી મોદી ચિત્રલેખા.કોમને કહે છે, ઘણી પિયર અને સાસરી બંને જગ્યાએ સાથે પ્રસંગ હોય છે. જોકે સામાન્ય રીતે પ્રસંગ આવે એ પહેલાં ઘરમાં ચર્ચા થતી હોય છે. ત્યારે જો પિયર પક્ષનો પ્રસંગ પણ આવતો હોય તો પ્રસંગની તારીખમાં ફેરફાર કરવાની સાનુકૂળતા હોય તો ત્યાં થોડો બદલાવ કરવો જોઈએ. પરંતુ જો તારીખો ન બદલી શકાય એમ હોય તો દીકરીઓએ પિયરનો પ્રસંગ એટેન કરવો જોઈએ. કારણ કે સાસરીમાં તો આપણે રહેતા જ હોઈએ છીએ. ખાસ કરીને પુત્રવધુની હાજરી સારું દેખાડવા માટે હોય છે પણ પિયરના પ્રસંગમાં દીકરી કોઈ પણ ઉંમરની હોય એને પ્રેમથી આવકારવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે પિયરના પ્રસંગમાં સ્ત્રી મનથી મહાલી શકે છે.
મહિલાઓ આ સમસ્યાઓને સુલભ રીતે હલ કરી શકે એ માટે આ પ્રકારની સ્થિતિમાં બંને પરિવારોની સમજ અને સહકાર મહત્વપૂર્ણ છે. જો એ ન હોય ત્યારે મહિલાઓને કેટલીક ગંભીર સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. મહિલાઓ માટે માનસિક અને ભાવનાત્મક સમર્થન ખૂબ મહત્વનું છે.
હેતલ રાવ