રિપબ્લિકન ઉમેદવાર અને અગાઉ અમેરિકાના પ્રમુખ રહી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પ 292 ઈલેક્ટોરલ વોટ સાથે ફરી એક વખત પ્રમુખપદની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. અમેરિકાની જનતાના વણકલ્પ્યા જન ચુકાદા બાદ પ્રેસિડેન્ટ ટ્રમ્પે પોતાના સંબોધનમાં આ વિજયને એક ચળવળ કહી હતી. રાજકીય દૃષ્ટિએ પણ આ વિજયને મહાન ચળવળ ગણાવી હતી. આ તમામ બાબતો વચ્ચે પ્રશ્ન એ થાય કે, અમેરિકામાં ફરી એક વખત ટ્રમ્પ સરકાર આવવાથી ભારતને શું ફાયદો થાય?
આ વખતે ઓપિનિયન વિભાગમાં આ વિશે જાણો અલગ-અલગ વર્ગના લોકોનો શું છે અભિપ્રાય..
ડો.મયુર પરીખ, જાણીતા રાજકીય વિશ્લેશક
સાર્વજનિક રીતે એવું જોવામાં આવે છે કે ટ્રમ્પના પ્રધાનમંત્રી મોદી સાથે સારા સંબંધ છે. જ્યારે જો બાઈડન સમયે ઘણા ભૌગોલિક તણાવમાં અમેરિકાએ ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું. પબ્લિક ઓપિનિયન એવો બન્યો કે, કમલા હેરિસ ભારતીય રાજનીતિમાં અશાંતિ ઈચ્છે છે. ટ્રમ્પ કરિશ્માઈ નેતૃત્વ પ્રકારની વ્યક્તિ છે, જેના કારણે તે લોકોને ગમે છે. ટ્રમ્પ એવુ ઈચ્છે છે કે યુક્રેન અને રશિયા યુદ્ધ પૂર્ણ થાય, ત્યારે શાંતિપ્રિય ભારતે હંમેશા રશિયાનો સાથ આપ્યો. હા, એ વાત છે કે ભારતના PM બે વખત અમેરિકાના દબાણ હેઠળ યુક્રેનના PMને મળવા ગયા હતા. છેલ્લે રશિયાએ ચીનને ડિશ-એન્ગેજ કરવા ભાગ પડાવ્યા હતા અને ભારતે પોતાની સરહદ પર પોતાનું પ્રભુત્વ બનાવી લીધું. હવે પ્રશ્ન એ બને છે કે ટ્રમ્પ ભારતને પોતાનું સ્ટેન્ડ બદલવાની વાત કરે, ત્યારે ભારત શું કરે? રાજનીતિમાં મુદ્દાઓ અને વિષય વસ્તુ સતત ફરતા રહેતા હોય છે. ટ્રમ્પના ફરી પ્રેસિડેન્ટ બનવાથી ભારત માટે ફાયદારૂપ બનશે, કેમ કે જ્યારે ભારતની ક્ષેત્રિય સુરક્ષાની વાત થાય ત્યારે ટ્રમ્પ ભારતની મદદે આગળ આવે છે. આ ઉપરાંત ભૌગોલિક રીતે ભારત થોડું નબળું પડતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ટ્રમ્પ સરકાર હોવું ભારત માટે ફાયદાકારક છે.
રિપબ્લીકન ટ્રમ્પ પાર્ટી જે ફરી વિજય મેળવી સત્તા પર આવી છે, તેમનું બે વસ્તુ પર ફોક્સ હતું. એક તો, ટેક્સીસ કટ કરવા પર અને બીજુ શેર રેટમાં વધારો કરવો. આ બંને વસ્તુથી USમાં રૂપિયાના સ્પેડિંગમાં વધારો થાય. જેનાથી ઈનફ્લેશનમાં વધારો થાય અને તેની અસર આખા વિશ્વ પર પડી શકે છે. આપણે જોયું કે ડોલર ઈન્ડેક્સ 105ને વટાવી ગયો હતો. આ સાથે US ટ્રેઝરીમાં વધારો જોવા મળ્યો હતો. ટ્રમ્પ સરકાર એમ્પ્લોયમેન્ટ પોલીસી નવી લાવી શકે છે, જેનાથી આપણા સ્ટુડન્ટને ફાયદો થઈ શકે. મારા મત અનુસાર ટ્રમ્પ એમ્પ્લોયમેન્ટ પ્રોત્સાહન આપવામાં માને છે. જ્યારે માર્કેટની વાત કરીએ તો, રૂપિયો થોડા પ્રેશરમાં રહી શકે. જો આપણે ઓઈલ ઈમ્પોર્ટ કરતા દેશ તરીકે જોઈએ તો, રૂપિયાનું પ્રેશરમાં રહેવું અને ડોલરમાં થતો વધારો આપણા માટે નથી સારો. ડોલર વધવાથી પણ ટ્રેડ ડેફિસિટ નંબર અને કરંટ ડેફિસિટ નંબર વધશે. નવી સરકાર આવવાથી બે મહિના સુધી આઉટફ્લો વધુ રહી શકે છે. પરંતુ RBIની પોલિસીને લઈ થોડું ડેફિસિયન્સી જોવા મળી શકે છે. હવે આગામી USની મોનેટરી પોલિસી પર વિશ્વની નજર રહેશે, કેમકે આ પોલિસી આખા વિશ્વને અસર કરી શકે છે.
પુનિત દુબે, સેક્રેટરી, અમદાવાદ એક્સપોર્ટ ઈમ્પોર્ટ ડેવલપમેન્ટ એસોસિએશન
અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સારા સંબંધ ધરાવે છે. આ સારા સંબંધોને કારણે ઘણા ખરા સેક્ટરમાં વિકાસ જોવા મળ્યો હતો. જેમ કે, ફાર્માસ્યુટીકલ અને ડિફેન્સ સેક્ટર. આપણે ટ્રમ્પ સરકારની આ પહેલાની ટર્મ જોઈ હતી, જેમાં ટ્રમ્પ સરકારે બીજા કન્ટ્રીથી વધુ ભારત સાથે સંબંધ બનાવી રાખ્યા હતા. જ્યારે ફરી એક વખત ટ્રમ્પ સરકાર આવવાથી એક્સપોર્ટ બિઝનેસ વધુ ગ્રોથ મળવાની આશા છે. જો અત્યાર સુધીની વાત કરીએ તો, US ભારતનું લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર બન્યું છે. જ્યાં US ચાઈનાની તોલે ભારતને ફાર્માસિટીકલ વસ્તુના ઈમ્પોર્ટ એક્સપોર્ટ માટે વધુ પ્રોત્સાહન આપે છે. હાલના સમયમાં ભારતમાંથી ઓર્ગેનિક કેમિકલ, ટેક્સટાઈલ, જેમ્સ જ્વેલરી અને મશીનરી જેવી વસ્તુ અમેરીકામાં એક્સપોર્ટ થાય છે.
મિતલ ગોસ્વામી, MD, ડાયનેમિક કન્સલ્ટન્ટ્સ, અમદાવાદ
અમેરિકાના નવા પ્રેસિડેન્ટ તરીકે ટ્રમ્પના આવવાથી વધારે ફરક નહીં પડે. સામાન્ય ફેરફાર જોવા મળી શકે છે. ટ્રમ્પસરકાર દ્વારાઇમિગ્રન્ટ્સને આવકારવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા અને કાયદેસર રીતે યુએસમાં સ્થાયી થવાનો માર્ગ મોકળો બનશે. આ સાથે ટ્રમ્પ સરકાર ગેરકાયદે ઇમિગ્રેશન મેળવનાર લોકો પર કડક પગલાં લેવાની પણ વાત પણ કરી હતી. જે ભારતીય વિદ્યાર્થીઓ માટે વધુ સારી તક બની શકે છે. કેમ કે ગેરકાયદે જનારા લોકો હંમેશા કાયદેસર જનારા લોકોને ડિસ્ટર્બ કરે છે. કોઈ પણ દેશ લોકોને ત્યારે જ બોલાવે છે. જ્યારે તમારી સ્કિલ કે મેન પાવર એ દેશના વિકાસમાં મદદ રૂપ બને. પરંતુ ગેરકાયદે જનારા લોકો પાસે સ્કિલ્સ ન હોય, જેના કારણે ઇમિગ્રેશન પોલીસી અમુક અંશે કડક કરવાની વાત કરવામાં આવી છે. જે કાયદાકીય રીતે જનારા લોકોને નડતર રૂપ બનશે નહીં.