અમદાવાદ શહેરના દિલ્હી દરવાજાથી શાહીબાગ નમસ્તે સર્કલ તરફ જાઓ એટલે એક કલાત્મક સ્થંભ પર અવશ્ય નજર પડે. હા, એ જ છે હઠીસિંહના દેરાં. વૃક્ષોથી આચ્છાદિત એવા સુંદર કેમ્પસમાં એક કલાત્મક સ્થંભની સાથે બેનમુન કારીગરીથી તૈયાર થયેલ દેરાસર પણ છે. એનું નિર્માણ ઇ.સ. ૧૮૪૮માં કરાવવામાં આવ્યું હતું. આ જૈન મંદિરમાં ૧૫મા તીર્થંકર ધર્મનાથ મૂળનાયક છે.
શહેરના નગરશેઠ હઠીસિંહ જૈન દ્વારા ઇ.સ. ૧૮૪૮માં આ દેરાંનું બાંધકામ કરવાની યોજના કરવામાં આવેલી, પણ એ દરમિયાન એમનું ૪૯ વર્ષે અવસાન થયું. ત્યારબાદ એમનાં પત્ની શેઠાણી હરકુંવરબાઈ દ્વારા એનું બાંધકામ પૂરું કરવામાં આવ્યું. એ સમયે આ બાંધકામનો ખર્ચ અંદાજે ૮ લાખ રૂપિયા થયો હતો.
દેરાંનું નિર્માણ ગુજરાતના દુષ્કાળ વખતે કરવામાં આવ્યું હોવાથી બાંધકામના બે વર્ષ દરમિયાન કારીગરોને રોજગાર મળી રહી હતી.
ઇ.સ. ૧૮૮૦ના સમયગાળામાં હઠીસિંહનાં દેરાંના સ્થપતિ પ્રેમચંદ સલાત હતા. મુખ્ય સ્થાપત્ય બે માળનું છે. એમાં મૂળનાયકની પ્રતિમા જૈન ધર્મના ૧૫મા તીર્થંકર ધર્મનાથની છે. મંદિરનું મૂળ સ્થાપત્ય ૧૧ ભગવાનની પ્રતિમા ધરાવે છે. જે પૈકી ૬ પ્રતિમા ભોંયરામાં અને ૫ પ્રતિમા ત્રણ અટારીમાં છે. મુખ્ય શિખર પૂર્વ દિશામાં છે અને મંદિરમાં કલાત્મક કોતરણીવાળા ૧૨ સ્તંભોના ટેકા પર રહેલ ગુંબજથી ઢંકાયેલું છે. આ ઐતિહાસિક સ્થાપત્યમાં દેવલકુલિકાઓ આવેલી છે, જેમાં પ્રત્યેકમાં એક તીર્થંકરની પ્રતિમા છે. મંદિરના પરિસરમાં ચિતૌડના કિર્તિસ્તંભ અને જૈન માનસ્તંભથી પ્રેરિત એક વિશિષ્ટ માનસ્તંભ આવેલો છે, જે ૬ માળ ઊંચો છે, એમાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમા છે.
આ દેરાં વરસાદી પાણીના સંગ્રહ માટેના બાંધકામ માટે પણ જાણીતાં છે. અમદાવાદની ઐતિહાસિક ધરોહર એવાં બનમુન કારીગરી સાથેના સ્થાપત્ય અને કોતરણી માટે આ સ્થળ જાણીતું છે. હેરિટેજ સિટી અમદાવાદમાં હિંદુ મુસ્લિમ અને જૈન ત્રણેય ધર્મના મોટી સંખ્યામાં કલાત્મક સ્થાપત્યો આવેલા છે. જેમાં આ હેરિટેજ સ્થળની મુલાકાત પ્રવાસીઓ અવશ્ય લેતાં હોય છે. અત્યારે દેરાંની સારસંભાળ હઠીસિંહ ફેમિલી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)