મોઢેરા સૂર્યમંદિર: કલા, ઉપાસના, ઊર્જાનું મંદિર

સૂર્યનું મહત્વ દર્શાવતું પર્વ ઉત્તરાયણ.. એ સમયગાળામાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બહુચરાજી પંથક વચ્ચે આવેલા ઐતિહાસિક સ્થળ મોઢેરામાં ઉતરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે. કલા કારીગરી, સ્થાપત્યોથી ભરપૂર મોઢેરાનું સૂર્ય મંદિર પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત છે. આ સાથે ગુજરાત પ્રવાસન વિભાગનું ઘરેણું છે. અહીં પૂજા નથી થતી પણ આ મંદિરની દર વર્ષે દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ મુલાકાત લે છે. ગુજરાત સરકાર અને પુરાતત્વ વિભાગ મોઢેરાને સુરક્ષિત વિકસિત અને સુંદર રાખવાના સતત પ્રયાસ કરે છે.

પ્રાચીન ગ્રંથોમાં મોઢેરાને મોહેરક, મોઢેરક,  મોહડવાસક,મોઢેરપુર કહેવામાં આવતું. જ્યાં મોઢ બ્રાહ્મણોનો વસવાટ થયો એ વખતે ભગવદગ્રામ નામે ઓળખાતું હતું. સોલંકી યુગમાં આ મોઢેરા ધર્મારણ્ય તીર્થ ક્ષેત્રનું કેન્દ્ર સ્થાન હતું.

વિશાળ જળાશય કુંડ, સભા મંડપ, ગૂઢ મંડપ સહિત અને બારિક કોતરણી મૂર્તિઓથી ભરપૂર મોઢેરા સૂર્ય મંદિર પ્રવાસન, ઈતિહાસ રસિકોથી ઉભરાઈ રહ્યું છે.

ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાતના પાટણ શહેરથી ૩૦ કિ.મી. અને અમદાવાદથી ૧૦૨ કિ.મી દૂર મહેસાણા જિલ્લાના બેચરાજીથી એકદમ નજીક આવેલું ગામ છે. એક જમાનામાં ખંડેર,  ખંડિત અને ઉપેક્ષિત આ બેનમુન  ઐતિહાસિક સૂર્ય મંદિરની હાલ કાયાપલટ થઈ ગઈ છે. સ્થાપત્યના અભ્યાસ માટે અહીં સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)