દર વર્ષે, 8 મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસ ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ થેલેસેમિયા જેવી ગંભીર રક્તવિષયક અનુરાગી બીમારી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો રાખે છે. થેલેસેમિયા એ એક આનુવંશિક રક્તરોગ છે, જેમાં શરીરમાં હિમોગ્લોબીન બનાવવાની પ્રક્રિયા સુચારૂ રીતે થતી નથી.
પરિણામે દર્દીમાં લોહીની ઊણપ રહે છે, અને સતત બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે છે. થેલેસેમિયાથી પીડાતી વ્યક્તિઓ ઘણીવાર શારીરિક રીતે નબળાઈ અનુભવે છે. એમનું જીવન સારવાર વગર મુશ્કેલ બની શકે છે. દર વર્ષે ભારત દેશમાં લગભગ 10,000 બાળકો થેલેસેમિયા મેજર સાથે જન્મે છે.કમનસીબે ભારત વિશ્વની થેલેસેમિયાનું કેપિટલ બની ગયું છે.
થેલેસેમિયા
થેલેસેમિયા મેજર એ જિનેટિક ડિઓર્ડર છે જેમાં બાળકને થેલેસેમિયાની બીમારી સાથે જન્મે છે કારણ કે બંને માતાપિતા થેલેસેમિયા કેરિયર છે. માતાપિતા સામાન્ય રીતે કેરિયર તરીકે એસિમ્પટમેટિક હોય છે અને બાળકોને એ પસાર થવાની 25 ટકા શક્યતા હોય છે. એ શરીરના તમામ અવયવોને અસર કરે છે. બોન મેરો હિમોગ્લોબિન બનાવાનું બંધ કરે છે. યકૃત અને બરોળ પણ ખતરો રહે છે અને વધુ કામ કરે છે. વારંવાર રક્ત બદલવાનું અને આયર્ન ઓવરલોડને કારણે, થાઇરોઇડ, સ્વાદુપિંડ અને કફોત્પાદક ગ્રંથિમાં ખામી સર્જાય છે.
થેલેસેમિયાનાં પ્રકારો
થેલેસેમિયા મુખ્યત્વે બે પ્રકારના હોય છે આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા, જેમાં બીટા થેલેસેમિયા વધુ સામાન્ય છે. જો માતા-પિતા બંને થેલેસેમિયા માઈનોર (કેરિયર) હોય, તો બાળકને થેલેસેમિયા મેજર થવાની 25% શક્યતા હોય છે. આવા દર્દીઓને દર 15-20 દિવસે રક્ત ચઢાવવું પડે છે અને આયર્ન ચેલેશન થેરપીની જરૂર પડે છે. આ રોગનો એકમાત્ર અસરકારક ઉપાય બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ છે, પણ તે ખર્ચાળ અને જટિલ પ્રક્રિયા છે. જ્યારે થેલેસેમિયા માઈનરમાં દર્દી પોતે વધુ લક્ષણો અનુભતો નથી, પણ જો એમને પથોલોજીકલ ટેસ્ટ કરાવવામાં આવે તો લોહી સંબંધિત ફેરફારો જણાય છે. સામાન્ય રીતે એને વિશેષ સારવારની જરૂર નથી પડતી.
વિશ્વમાં અને ભારતમાં સ્થિતિ
આંકડાઓની દુનિયામાં થેલેસેમિયા ગંભીરતા દર્શાવે છે. વિશ્વભરમાં લગભગ 27 કરોડ લોકો થેલેસેમિયા મેજર છે, જેમાંથી 8-9 કરોડ બીટા થેલેસેમિયા કેરિયર છે. દર વર્ષે 40,000થી વધુ બાળકો બીટા થેલેસેમિયા સાથે જન્મે છે, જેમાંથી 25,500 ટ્રાન્સફ્યુઝન-ડિપેન્ડન્ટ હોય છે. ભારતમાં આ સ્થિતિ વધુ ગંભીર છે, જેને “થેલેસેમિયા કેપિટલ ઑફ ધ વર્લ્ડ”નું બિરુદ મળ્યું છે. અહીં 5 કરોડથી વધુ લોકો થેલેસેમિયા કેરિયર છે, અને દર વર્ષે 10,000-12,000 બાળકો થેલેસેમિયા મેજર સાથે જન્મે છે. ગુજરાતની વાત કરીએ તો, રાજ્યમાં અંદાજે 7,000-8,000 થેલેસેમિયા મેજરના દર્દીઓ છે, જેમાંથી અમદાવાદમાં જ 1,150-1,250 દર્દીઓ નોંધાયેલા છે.
ગુજરાતના પાંચ જિલ્લાની સ્થિતિ
ગુજરાતમાં અમુક જિલ્લાઓમાં થેલેસેમિયા વધુ જોવા મળે છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં. તાજેતરના આંકડા દર્શાવે છે કે અમરેલી જિલ્લો રાજ્યના 40% થેલેસેમિયા દર્દીઓનું કેન્દ્ર છે. આ ઉપરાંત, બનાસકાંઠા, સુરત, રાજકોટ અને ભાવનગર પણ ઊંચી સંખ્યા ધરાવે છે. આ જિલ્લાઓમાં બીટા થેલેસેમિયા ટ્રેઈટ (BTM)નું પ્રમાણ 1.95% અને સિકલ સેલ ટ્રેઈટ (SCT)નું પ્રમાણ 6.54% છે. ખાસ કરીને બનાસકાંઠામાં BTMનું પ્રમાણ 4.45% સુધી જોવા મળે છે.
વિશ્વ થેલેસેમિયા દિવસ એ માત્ર એક દિવસ નથી, એ આપણને યાદ અપાવે છે કે આપણે આ બીમારી વિશે વધુ જાણવું, સમજવું અને સમજાવવું જોઈએ, જેથી આવનારી પેઢીને સ્વસ્થ ભવિષ્ય આપી શકીએ.
