
ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના ભિલોડાની એકદમ નજીક અંદાજે છ કિલોમીટરના અંતરે એક અદભુત દેવસ્થાન આવેલું છે. હાલના સમયમાં દેવસ્થાનની સાથે પર્યટન સ્થળ તરીકે પણ પ્રચલિત થઇ રહ્યું છે. ચારેતરફ અરવલ્લીના ડુંગરા એની વચ્ચે જળાશય એ જળાશયમાં બિરાજમાન ભવનાથ મહાદેવ આવેલું છે.
ભવનાથ મંદિર એ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના માઉ ગામમાં શિવને સમર્પિત એક પ્રાચીન મંદિર છે. અહીંના એક શિલાલેખ મુજબ આ ભવનાથ મહાદેવ મંદિર લગભગ 1300 વર્ષ જૂનું છે. અહીં ભૃગુકુંડ નામનો એક જળાશય છે. જેનું પાણી સ્નાન કરવાથી રક્તપિત્ત મટી જાય છે એવી માન્યતા પણ છે. શિવને સમર્પિત એક મંદિર અને ભૃગુના પુત્ર અવન ઋષિને સમર્પિત મંદિર છે. આ સ્થળ હાથમતી નદીના બંધના કિનારે આવેલું છે. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે અને મહાશિવરાત્રીના દિવસે આ સ્થળે મેળો ભરાય છે. ભગવાન શિવજીની સાથે ક઼ષ્ણ મંદિર , હનુમાનજી મંદિર અને એક યજ્ઞશાળા સાથે વિશાળ જળાશયની વચ્ચે આવેલું આ સ્થળ ઉત્તર ગુજરાતના અરવલ્લીનું અનોખું સ્થળ છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)




