
અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીના બંને તટ પર અનેક પ્રાચીન અને ઐતિહાસિક મંદિરો બિરાજમાન છે, જેમાં દેવાધિદેવ મહાદેવનાં પૌરાણિક ધામોનું સ્થાન અદકેરું છે. ઐતિહાસિક ગાંધી આશ્રમ અને દાંડી પુલની સમીપે, સાબરમતી રિવરફ્રન્ટના કાંઠે સ્થિત દૂધાધારી મહાદેવ મંદિર આવું જ એક અલૌકિક અને શ્રદ્ધાસ્પદ તીર્થસ્થાન છે.
પૌરાણિક માન્યતા પ્રમાણે આ સમગ્ર પરિસર મહર્ષિ દધીચિની પવિત્ર તપોભૂમિ તરીકે પ્રખ્યાત છે. મંદિરનું સ્થાપત્ય અને એનું પ્રાચીન સ્વરૂપ સદીઓ જૂના ભવ્ય ઇતિહાસ અને લોકવાયકાઓની સાક્ષી પૂરે છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીં ભોળાનાથના દર્શન અને આરાધના માટે શ્રદ્ધાળુઓનું વિશાળ મહેરામણ ઊમટી પડે છે. મંદિર સંકુલમાં મહાદેવ ઉપરાંત અન્ય દેવી-દેવતાઓનાં દિવ્ય સ્થાનો પણ આવેલાં છે, જે પૈકી અઘોરી બાબાનું સ્થાનક શ્રદ્ધાળુઓમાં વિશેષ આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર છે. અહીં બાબાને સિગારેટ અર્પણ કરવાની એક અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ભક્તો આમ તો કોઈપણ દિવસે આવીને સિગારેટ ચઢાવી શકે છે, પરંતુ ખાસ કરીને દર ગુરુવારે અઘોરી બાબાના આશીર્વાદ મેળવવા અને એમને સિગારેટ અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)






