અહીં હજુ પણ રોજ નૌબત વાગે છે…

અમદાવાદના માણેકચોક વિસ્તારમાં એક તરફ રાણીનો હજીરો અને બીજી તરફ રાજાનો હજીરો આવેલા છે. વિશાળ જામા મસ્જિદની પૂર્વે બાદશાહના હજીરાના નામે ઓળખાતો રોજો એટલે અહમદશાહનો રોજો. તદ્દન નાના ક્ષેત્રફળવાળા વિસ્તારમાં આશરે 26.8 મીટર ચોરસ પીઠ પર આ ઐતિહાસિક સ્થાપત્ય બંધાયેલું છે.

મધ્યમાં મોટો ખંડ અને ચારે ખૂણે ફરતા નાના ચાર ચોરસ ખંડ અને એની વચ્ચે પરસાળ છે. વચલા ખંડ પર સ્થાનિક હિંદુ જૈન શૈલીનો સપ્રમાણ સુંદર અર્ધવર્તુળનો મોટો ઘુમ્મટ છે. રોજાનું મુખ્ય દ્વાર દક્ષિણ તરફ પડે છે. વચલા ખંડમાં અહમદશાહ પહેલા તેમજ તેમના પુત્ર અને પૌત્રની કબરો છે. બાજુના ખંડોમાં શાહી કુટુંબના સભ્યો કે તેમના વંશજોની કબરો છે. આખા સંકુલનો ભવ્ય દરવાજો પૂર્વ તરફ રાણીના હજીરાના એવા જ ભવ્ય દરવાજાની સામે પડે છે. રોજાની દક્ષિણે લંગરખાનું એટલે કે સદાવ્રત ચાલે છે, જ્યાં દરરોજ ગરીબગુરબાંને જમાડવામાંઆવે છે. એની બાંધણી એકદમ કલાત્મક અને બારીકીનો ઉત્તમ નમૂનો છે. રોજાનું સમારકામ સુલતાન મહમૂદશાહ ત્રીજાના સમયમાં ઈ. સ. 1538માં ફર્હતુલ-મુલ્ક નામના અમીરે કરાવ્યું હતું.

બાદશાહના હજીરાની ઉપર હજુ પણ અહમદ શાહની યાદમાં નિયમિત  નૌબત વગાડવામાં આવે છે.  અંદાજે નવમી પેઢીના સંગીતકારો કબરના પ્રવેશદ્વારની ઉપર આવેલા ‘નૌબત ખાના’ (સંગીતખંડ)માં દરરોજ નગારા અને શરણાઇ વગાડે છે. એ જમાનામાં સાંજે નૌબત વગાડીને સૂર્યાસ્ત પછી કિલ્લાના દરવાજા બંધ કરવાની જાહેરાત કરવામાં આવતી હતી…

(પ્રજ્ઞેશ વ્યાસ)