ગુજરાતમાં ૩૫.૬૪ ટકા બાળકો કુપોષિત: સ્ટડી

ગુજરાતને આર્થિક રીતે સમૃદ્ધ રાજ્ય માનવામાં આવે છે. ગુજરાતના વિકાસની દેશભરમાં ચર્ચા પણ કરવામાં આવે છે. જો કે ગુજરાતમાં કુપોષણની વાત આવે તો વાસ્તવિક ચિંતા ઉપજાવે તેવી છે. લોકસભામાં તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં 5 વર્ષથી ઓછી વયના 39.73 ટકા બાળકો કુપોષિત છે. એટલે કે, રાજ્યમાં પ્રત્યેક ચોથું બાળક કુપોષણની સમસ્યા ધરાવે છે. આ ઉપરાંત 21.39 ટકા બાળકોને નિર્ધારિત માપદંડ કરતાં ઓછું વજન ધરાવે છે. સમગ્ર દેશની વાત કરીએ તો જૂન 2024માં કુપોષણની સૌથી વધુ સમસ્યા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને હતું.

ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 46.36 ટકા, મહારાષ્ટ્રમાં 44.59 ટકા, આસામમાં 41.98 ટકા બાળકો કુપોષિત છે. બાળકોમાં કુપોષણને મામલે ત્રિપુરા, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ જેવા રાજ્યો કરતાં  પણ ગુજરાતની સ્થિતિ બદતર છે. બાળકોમાં કુપોષણમાં ગુજરાતની સ્થિતિ જોઈએ તો વર્ષ 2022માં 51.92 ટકા અને વર્ષ 2023માં 43.78 બાળકો કુપોષિત હતા. જ્યારે ચાલુ વર્ષ એટલે કે 2024ના જૂન મહિના સુધીની વાત કરીએ તો 35.64% કુપોષિત બાળકો છે.

કુપોષણ એટલે શું?

કુપોષણ એ પોષક તત્વો અને કેલેરીની કમી અથવા વધારે પૂર્તિને કારણે થતી આરોગ્ય સંબંધી સમસ્યાઓ કહેવામાં આવે છે. શરીરમાં જરૂરી પોષક તત્વોનો અભાવ થાય છે, જેના કારણે બાળકના શારીરિક અને માનસિક વિકાસ પર અસર થાય છે.

બાળકોમાં થતા કુપોષણ માટે જવાબદાર કારણો

અપોષક આહાર: બાળકોને પૂરતા પોષક તત્વો, વિટામિન્સ અને મિનરલ્સ ધરાવતો આહાર ન મળવો ઉપરાંત અનાજ, પ્રોટીન, ફળો અને શાકભાજીનો અભાવવાળો આહાર.

આર્થિક ગરીબી: ગરીબીના કારણે પરિવારો સારી ગુણવત્તાનો અને પોષણયુક્ત આહાર પૂરો પાડી શકતા નથી. જેના કારણે મોટાભાગે સગર્ભા મહિલાઓ પૂરતો આહાર નથી લઇ શકતી અને બાળકો જન્મજાત કુપોષણથી પીડાય છે.

જાગૃતિનો અભાવ: ઘણીવાર પોષણ અને આરોગ્ય વિશે માતા-પિતા અને પરિવારમાં જાગૃતિ અને જાણકારીનો અભાવ હોય છે. જેના કારણે બાળકના પોષણ અને વિકાસ માટેના યોગ્ય આહાર અને સંભાળ વિશેની માહિતી મેળવી શકતા નથી.

જાતિ ભેદભાવઃ કેટલાક સમુદાયોમાં આજે પણ છોકરીઓને પોષણયુક્ત આહાર અને આરોગ્ય સેવાને ઓછી પ્રાધાન્યતા આપવામાં આવે છે. આ કારણે છોકરીઓમાં કુપોષણની સમસ્યા વધારે જોવા મળે છે.

અપોષણ અને બિમારીઓ: અપોષણના કારણે બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે, જેનાથી બાળકો વારંવાર બીમાર પડે છે. ઈન્ફેક્શન અને પરઝાઇટિક રોગોથી પોષણની ક્ષતિ થાય છે.

માતાનું પોષણ અને આરોગ્ય: ગર્ભાવસ્થામાં માતાનું ઓછું પોષણ અને બીમારીને કારણે બાળક પર પ્રભાવ પડે છે. ઉપરાંત સ્તનપાન કરાવતી વખતે પોષણની કમી હોય તો પણ માતા અને બાળકના આરોગ્ય પર અસર થાય છે.

આ ઉપરાંત ગંદકી અને અસ્વચ્છ પાણી પીવાથી ઉત્પન્ન થતી બીમારીઓ,પોષણ વિટામિન્સ અને મિનરલ્સના અભાવ અને તત્વોની ક્ષતિ, મિશ્રિત આહાર, ખૂબ જ ફાસ્ટ ફુડ, જંક ફૂડ અને પોષક તત્વોની ક્ષતિ ધરાવતી વસ્તુઓનું સેવન. આ તમામ કારણો કુપોષણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. કુપોષણ અટકાવવા માટે સંતુલિત આહાર, સારી આરોગ્ય સેવા અને જાગૃતિ ખૂબ જ જરૂરી છે.

 

 

કુપોષણનું પ્રમાણ ઘટ્યું છે

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદના RCHO (રિપ્રોડક્ટિવ એન્ડ ચાઈલ્ડ હેલ્થ ઓફિસર)  ડો. આર.બી કાપડીયા કહે છેઃ કુપોષણનું પ્રમાણ ઘટ્યું છે. સરકાર દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. પહેલા પેટ ગાગરડી જેવું અને હાથ દોરડી જેવા જે અતિ કુપોષિત કહેવાતા બાળકો હવે જોવા નથી મળતા. છેવાડાના ગામ સુધી આરોગ્ય સેવા પહોંચી છે આશા વર્કર બહેનો અને એફ એસ ડબ્લ્યુ બહેનો સર્ગભા મહિલાનું પૂરતું ધ્યાન રાખે છે. આરોગ્ય વિભાગ દ્વારા ઉંમર પ્રમાણે વજન ઉંચાઈ બરાબર છે બધુ ચેક કરીએ છીએ કુપોષિત હોય એવા બાળકોને CMTC ચાઈલ્ડ માઇન્ડ્રેટિસ ટ્રીટમેન્ટ સેન્ટરમાં દાખલ કરી એની સારવાર આપવામાં આવે છે. એને કુપોષિત માંથી મુક્ત કરવામાં આવે છે સરકાર દ્વારા સારામાં સારી સેવા આપવામાં આવે છે.

 

ગુજરાત અને કેન્દ્ર સરકારની કુપોષણ નિવારણ યોજનાઓ

મમતા અભિયાન: ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય અને પોષણને લગતી પ્રોત્સાહન સેવાઓ ઉપલબ્ધ કરાવવી. આ યોજના મહિલા અને બાળક વિકાસ ખાતા સાથે સંકલનમાં ચલાવવામાં આવે છે. આશાબહેનો આ માટે સતત કામ કરે છે. આંગણવાડી અને આરોગ્ય વિભાગના સંકલન દ્ધારા કુપોષણ ઘટાડવા માટે આ અભિયાન ચાલી રહ્યું છે.

માઈક્રોન્યુટ્રીયન્ટ પ્રોગ્રામ:એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ, વિટામિન Aની ઉણપ દૂર કરવા માટેની યોજના, National Iodine Deficiency Disorder Control Program (NIDDCP), વર્ષમાં બે વખત ડી-વોર્મિંગની યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ આંગણવાડી અથવા નજીકના હેલ્થ સેન્ટરની મદદ લેવાની હોય છે.

કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન:ગુજરાત રાજ્યના છેલ્લા સોસીયો-ઇકોનોમિક સર્વે પ્રમાણે સ્વાસ્થ્ય વિભાગ હાલમાં કુપોષણ મુક્ત ગુજરાત મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

મધર્સ એબ્સોલ્યુટ અફેક્શન:એક સંકલ્પ (MAA-Ek Sankalp) – રાજ્ય સરકારની આ યોજના અંતર્ગત ધાત્રી માતાઓને બાળકોને બ્રેસ્ટ ફીડિંગ કરવા માટેનું પ્રોત્સાહન અને તે માટેનો યોગ્ય આહાર મળે તે રીતે એમની સાથે સંવાદ કરવામાં આવે છે. ખાસ કરીને બાળકનો જન્મ થાય પછી છ મહિના સુધી માત્રને માત્ર માતાનું ધાવણ જ બાળકને આપવાનું હોય છે. ઉપરનું દુધ કે અન્ય કશુ પણ આપી શકાય નહીં. માતાના ધાવણ જ બાળક માટે સર્વ શ્રેષ્ઠ છે એ પણ સમજ આપવામાં આવે છે.

નમો શ્રી યોજના: આ યોજના અંતર્ગત સગર્ભા બહેનો તેમજ માતાઓને 12000 રૂપિયાની આર્થિક સહાય પહોંચાડવામાં આવશે. જેથી કરીને સગર્ભા બહેનો એમનું સ્વાસ્થ્ય જાળવી શકે અને માતાઓ નવજાત શિશુનું પોષણ કરી શકે.

જનની સુરક્ષા યોજનાઃ આ યોજના હેઠળ બાળકનો જન્મ હોસ્પિટલ કે હેલ્થ સેન્ટરમાં થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાઓને ડિલિવરીના 8થી 12 અઠવાડિયા પહેલાં 700ની રોકડ સહાય કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી સુરક્ષીત માતૃત્વ અભિયાનઃ મહિલાને સર્ગભાવસ્થા સમયે વિવિધ ટેસ્ટ કરવા માટેની આ યોજના છે. એમાં ગાયનેક ડોકટરને દર મહિનાની 9 તારીખે બતાવીને સેવાઓ સર્ગભાને આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના: સગર્ભા મહિલાઓનો મૃત્યુદર (MMR) ઓછો કરવા માટે અને ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ ઓછો કરવા માટે 5000ની સહાય ત્રણ ભાગમાં આપવામાં આવે છે. ICDS- આંગણવાડી હેઠળ છ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહાર આપવા માટેની આ યોજના છે.

આ યોજનાઓ ઉપરાંત ટેક હોમ રાશન, બાલસખા યોજના, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, સુરક્ષિત માતૃત્વ આશ્વાસન યોજના સહિત 17 જેટલી વિવિધ યોજનાઓ આ બે ખાતા અંતર્ગત કાર્યરત છે.

ગુજરાત સરકાર અને વિવિધ સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા કુપોષણ ઘટાડવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ છે. આમાં મલ્ટીવિટામિન સપ્લિમેન્ટ્સ, પોષણયુક્ત ભોજન અને આરોગ્ય સેવાનો સમાવેશ થાય છે. તેમ છતાં, કુપોષણની સમસ્યા હજી પણ જટિલ અને સુલભ નથી.

હેતલ રાવ