નવી દિલ્હીઃ દેશની અગ્રગણ્ય વાહનઉત્પાદક કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કોરોના વાઇરસની સામે જંગ લડી રહેલા યોદ્ધાઓને સન્માનિત કરવા માટે વિશેષ યોજના લઈને આવી છે. કંપનીએ આ કોરોનાયોદ્ધાઓને પોતાના નવા વાહનો પર વિશેષ છૂટ સહિત અન્ય સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ આ પહેલાં સ્વાસ્થ્ય કર્મચારીઓની મદદ માટે વેન્ટિલેટર અને PPE કિટ જેવી મહત્ત્વની ચીજવસ્તુઓ પૂરી પાડી હતી.
છૂટની સાથે વિશેષ ફાઇનાન્સિંગ યોજના
અહેવાલ મુજબ કંપની કોરોનાયોદ્ધાઓ માટે નવાં વાહનો પર રૂ. 66,500 સુધીની છૂટ આપી રહી છે. આની સાથે કંપનીએ અલગ-અલગ પ્રકારથી ફાઇનાન્સ યોજના પણ રજૂ કરી ગઈ છે, જેથી આ લોકો માટે પોતાના માટે નવું વાહન ખરીદવાનો અનુભવ સારો અને સરળ રહે.
બાય નાઉ, પે લેટર
કંપનીની વિશેષ ઓફરોમાં બાય નાઉ, પે લેટર (અત્યારે ખરીદો, ચૂકવણી પછી કરો)ની યોજના પણ છે. આ યોજના હેઠળ અત્યારે વાહન ખરીદવા પર 2021માં એની ચૂકવણી કરી શકાશે. આ સિવાય EMI પર પણ 90 દિવસોની રાહતનો વિકલ્પ રાખવામાં આવ્યો છે.
આ સિવાય આવા કોરોનાયોદ્ધાઓ માટે 100 ટકા ઓન રોડ ફાઇનાન્સિંગની યોજના પણ કંપની દ્વારા શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ ડોક્ટરો માટે પ્રોસેસિંગ ફી પર 50 ટકાની છૂટ રાખવામાં આવી છે. આવા બધા ગ્રાહક કંપનીની કોઈ પણ નજીકની ડીલરશિપમાં જઈને આ યોજનાઓનો લાભ લઈ શકે છે.
સ્વાસ્થ્ય કર્મચારીની સાથે પોલીસ અને મિડિયા કર્મચારીઓને પણ લાભ
કંપનીએ આ યોજના વિશે કહ્યું છે કે વિશ્વની જેમ ભારતમાં પણ ફ્રન્ટલાઇન વર્કર્સ શાનદાર કામ કરી રહ્યા છે અને કંપની આ પ્રકારની યોજનાઓ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવા ઇચ્છે છે. સ્વાસ્થ્ય કર્મચારીઓની સાથે, પોલીસ કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ, રેલવે-એર સ્ટાફ અને મિડિયા કર્મચારીઓ સુધી મહિન્દ્રાની આ વિશેષ યોજનાનો લાભ લઈ શકશે. કંપનીએ બધાં મોડલો પર આ યોજના લાગુ કરી છે.