વર્ષ 2023નો વર્ડ ઑફ ધ યર ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’

2023ની વિદાય સાથે 2024નું આગમન થઈ રહ્યું છે. નવું વર્ષ નવી યાદો, નવી ઘટનાઓની સાથે નવા સંભારણાં લાવે છે તો વીતેલું વર્ષ તે વર્ષમાં બનેલી ઘટનાઓ અને તેની લોકસમૂહ ઉપર પડતી આર્થિક, રાજકીય, સામાજિક અસરોને કારણે યાદગાર બને છે.

આ ઘટનાઓને કારણે કેટલાક શબ્દો સમગ્ર વર્ષ દરમ્યાન ચર્ચાને પાત્ર રહે છે. આવા જ કેટલાક ચર્ચામાં રહેલા અને લોક સમૂહને અસર કરેલા શબ્દોમાંથી એક શબ્દ પસંદ કરીને વર્ષ 2017થી દર વર્ષે ગુજરાતીલેક્સિકોન દ્વારા એક શબ્દને ‘વર્ડ ઑફ ધ યર’ તરીકે જાહેર કરવામાં આવે છે. વર્ષ 2022થી ગુજરાતીલેક્સિકોન અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ સાથે જોડાયા છે અને આ જોડાણે ‘વર્ડ ઑફ ધ યર’ પહેલને વધુ વેગવંતી બનાવી છે.

વર્ષ 2023માં ઘટેલી કેટલીક ઘટનાઓ ઉપર નજર કરતાં જણાશે કે આર્થિક-સામાજિક અને રાજકીય એમ ત્રણે ક્ષેત્રને જો કોઈ શબ્દ સૌથી વધુ અસર કરી ગયો હોય તો તે છે, ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (એ.આઇ.) (કૃત્રિમ બુદ્ધિમત્તા). આ ટેક્નોલૉજીનું આગમન વર્ષ 2022માં થઈ ગયું હતું, પણ આ તક્નિક પર આધારિત સામાગ્રીનો બહોળો વ્યાપ વર્ષ 2023માં થયો જેમ કે ચેટજીપીટી. આ તક્નિકે દરેક ક્ષેત્રમાં નવી દિશાઓ ખોલી તો કેટલાક અંશે તેનો મર્યાદિત અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવે છે. તે જ રીતે ચંદ્રયાનની સફળતાને કારણે ‘ચંદ્રયાન’ શબ્દ વૈશ્વિક બજારમાં ‘આત્મનિર્ભર’ શબ્દ દ્વારા ભારતનો દબદબો પ્રગટતો રહ્યો.

ભારતની પ્રજા ધાર્મિક માનસિકતા ધરાવે છે અને ‘અયોધ્યા’ અને ‘રામમંદિર’ ઉપરની અખૂટ શ્રદ્ધાને કારણે વર્ષ 2024માં આપણે રામમંદિરના દ્વારે પહોંચી શકીશું. તો બીજી બાજુ  આ વર્ષે ‘શક્તિપ્રદર્શન’ અને ‘પનોતી’ શબ્દનો ઘણો વપરાશ અને પદયાત્રા જેવા શબ્દો રાજકીય બાબતમાં વધુ પ્રયોજાયા છે.

ઉપરની વિવિધ ઘટનાઓની સારી-નરસી વિવિધ બાજુઓને ચકાસતાં ગુજરાતીલેક્સિકોન અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ને વર્ષ 2023નો ‘વર્ડ ઑફ ધ યર’ જાહેર કરતાં આનંદ અનુભવે છે.

 

 

 

 

 

Words, Word of the Year,  GujaratiLexicon, Gujarat, Encyclopaedia, Artificial Intelligence, AI, Vishwakosh,