અમેરિકન રાજનેતા અને વિદ્વાન લેખક અબ્રાહમ લિંકને કહ્યું છે કે “તમે એકલાં કશું જ કરી શકો નહીં, એ વાત સાચી છે. પરંતુ તમારે એકલાંએ કોઈ પણ કાર્યની શરુઆત તો કરવાની જ છે. જો હાથ જોડીને બેસી રહેશો તો સમાજ અને રાષ્ટ્ર માટે કશું નહીં કરી શકો.”આપણાં દેશમાં મહત્વની સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય, ધાર્મિક ચળવળો અને દરેક ક્ષેત્રના વિકાસના પાયામાં મહિલા સંસ્થાઓનો ફાળો ઐતિહાસિક છે.
અમદાવાદમાં હાલના પાલડી ખાતે કોચરબ વિસ્તારમાં 25 મે, 1915ના રોજ ગાંધીજીએ હરિજન આશ્રમની સ્થાપના કરી, એ ઐતિહાસિક ઘટનાને 100 વર્ષ પૂર્ણ થયાં. દેશને આઝાદી અપાવવામાં હરિજન આશ્રમ (કોચરબ આશ્રમ) અને ત્યાર બાદ સ્થાપવામાં આવેલા સાબરમતી આશ્રમની સંસ્થાકીય પ્રવૃત્તિઓ અને પ્રદાનથી તો સૌ કોઈ વાકેફ છે. કસ્તુરબાએ ગાંધીજી સાથે ખભેખભો મિલાવીને આઝાદીની ચળવળ તથા મહિલાલક્ષી પ્રવૃત્તિઓમાં યોગદાન આપ્યું હતું.
દેશને આઝાદી અપાવવા માટે અંગ્રેજ યુવાન એલન હ્યુમ દાદાભાઈ નવરોજી અને દિનશા વાચ્છાએ સાથે મળીને અખિલ ભારતીય કોંગ્રેસ મહાસભાની તા.28 ડિસેમ્બર 1885ના રોજસ્થાપના કરી ત્યારે આ સમયે પણ સંખ્યાબંધ મહિલા કાર્યકરો સામેલ થઈ હતી.(સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ તો ઈસ્ટ ઈન્ડિયા કંપનીના તાબામાંથી ભારતીય દેશી રાજા-રજવાડાઓને મુક્ત કરાવવાનો જ હતો. જો કે આઝાદી પછી આ સંસ્થા એક રાજકીય પાર્ટીમાં ફેરવાઈ ગઈ.)
ગુજરાતની લોખંડી મહિલા તરીકે જાણીતાં શ્રીમતી ચારુમતીબહેન યોદ્ધાએ મહિલાઓના કલ્યાણ અને ઉત્કર્ષ માટે જ્યોતિસંઘ સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા આજે પણ કાર્યરત છે, એની પ્રવૃત્તિઓથી આપણે સૌ વાકેફ છીએ.કવિવર રવીન્દ્રનાથ ટાગોરે સેવા, શિક્ષણ, સંસ્કાર, કલા અને સંસ્કૃતિના બહુવિધ ઉદ્દેશોને મૂર્તિમંત કરવા શાંતિનિકેતન સંસ્થાની સ્થાપના કરી, જે આજે એક યુનિવર્સિટી તરીકે પશ્ચિમ બંગાળમાં કોલકાતા નજીક કાર્યરત છે.
કોલકાતાની જ વાત કરીએ તો શાંતિની દેવી તરીકે નોબેલ પુરસ્કારથી સન્માનિત મધર ટેરેસાએ મિશનરીઝ ઓફ ચેરિટી સંસ્થાની સ્થાપના પણ કોલકાતામાં જ કરી. આજે તો આ સંસ્થાની દેશ-વિદેશમાં સંખ્યાબંધ શાખાઓ કાર્યરત છે. જે નિરાધાર અને લાચાર મહિલાઓ તથા બાળકોના ઉત્કર્ષ-ઉત્થાન અને સમાજમાં તેમનાં પુનઃસ્થાપન માટે કાર્યરત છે.
મુંબઈમાં શ્રી મહિલા ગૃહઉદ્યોગ સહકારી સંસ્થા અને તેની બ્રાન્ડ પ્રોડક્ટ લિજજ્ત પાપડ તો એકમેકનો પર્યાય બની ગયાં છે.શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ સંરક્ષણ, રોજગાર ક્ષેત્રે તથા ગરીબી અને બેકારી દૂર કરવાના ક્ષેત્રે મહિલાઓનું પ્રદાન સરાહનીય છે. સામાજિક વિકાસ તથા લોકકલ્યાણના કાર્યો કરતી સંસ્થાઓનું સંચાલન મહિલાઓએ કરીને સમાજ અને રાષ્ટ્ર સમક્ષ અનેક ઉદાહરણ પ્રસ્તુત કર્યાં છે. ઉત્પાદનના સાધનોનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી સમાજના જરુરિયાતમંદ લોકો સુધી વિકાસના ફળ પહોંચે એ જરુરી પણ છે.
આજે મહિલાઓ માટે સ્વૈચ્છિક સેવા કરતી સંસ્થાઓ અને મહિલા સંગઠનોની ભૂમિકા વધતી ગઈ છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી પણ સમાજકલ્યાણ અને લોકવિકાસના કાર્યો માટે વિવિધ યોજનાઓ અને સંખ્યાબંધ ગ્રાન્ટ ઉપલબ્ધ છે. જ્યાં સરકાર કે સરકારની એજન્સીઓ સમાજના ઉત્કર્ષ માટે સીધી કામગીરી ન કરી શકે ત્યાં સરકાર માન્ય નૉડલ એજન્સીઓ અથવા સામાજિક મહિલા સંસ્થાઓ મહિલા-વિકાસ માટે કાર્ય કરે એ આજની જરુરીયાત છે. આવી સંસ્થાઓ સરકારની પૂરક ભૂમિકા પણ ભજવે છે.
મહિલાવર્ગની સેવા અને ઉત્કર્ષ માટે સરકારની નૉડલ એજન્સીઓ, સ્વૈચ્છિક સેવા સંસ્થાઓ અને મહિલા કાર્યકરો-સમાજસેવકો તો ખરા અર્થમાં સમાજના પ્રહરીઓ છે.“દીપ સે દીપ જલે…” અથવા “જ્યોત સે જ્યોત જલે…” એ પંક્તિ મુજબ એક વાર પહેલ કરવી જરુરી બને છે. એકવાર માર્ગ કંડાર્યા પછી હજારો અને લાખો લોકો એ માર્ગ ઉપર ચાલવા તૈયાર જ હોય છે.
મહિલા સંસ્થાઓનું કાર્ય રાહ કંડારવાનું અને સમાજને રાહ બતાવવાનું છે.મહિલાઓના હિત માટે સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે એ ઈચ્છનીય પણ છે. કયાંક કયાંક આવી પ્રવૃત્તિઓની વિશ્વસનીયતાના પ્રશ્નો પણ સર્જાતાં હોય છે.આ સંજોગોમાં પ્રતિષ્ઠા અને વિશ્વસનિયતા સાથે મહિલા સંસ્થાઓ ભૂમિકા ભજવતી હોય છે.
જયારે સ્ત્રી સશકિતકરણ માટે આપણો સમાજ કટિબદ્ધ હોય ત્યારે સારાં પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય છે. સમાજની દરેક મહિલાઓને સમાન અધિકાર અને હકક મળે તે માટે સરકારના અલગઅલગ વિભાગો પણ વિવિધ યોજનાઓ અમલમાં મૂકતા હોય છે. મહિલાઓ માટેની યોજનાઓનો લાભ મહિલાઓ સુધી પહોંચે એ જરુરી છે.
મહિલાઓનો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ થાય તે માટે વિવિધ તાલીમ કાર્યક્રમો પણ મહિલા સંસ્થાઓ સફળતાપૂર્વક કરી શકે છે. મહિલાઓમાં પડેલી શકિતઓને ઓળખવાની જરૂર છે. સમાજ નિર્માણમાં મહિલાઓની ખૂબ મોટી જવાબદારી પણ છે અને યોગદાન પણ છે એ વાતની અવગણના થઈ શકે નહીં.
સમાજના દરેક વર્ગની મહિલાઓએ એકમત થઈને મહિલા સશકિતકરણની દિશામાં આગળ વધવાની જરુર છે. મહિલાઓને સરકારની યોજનાઓનો બહોળા પ્રમાણમાં લાભ મળે તેમ જ સમાજમાં મહિલાઓને વધુને વધુ સન્માન મળે, મહિલાઓમાં જાગૃતિ આવે તે માટે પણ યોગદાન મહત્વનું છે. મહિલાઓને મળવાપાત્ર હક્કો અને લાભ તેમના સુધી પહોંચે એ આજના સમયની માગ છે.
મહિલાઓ માટે કાર્યરત સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ વિકાસનો જ હોવો જોઈએ. સમાજના આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને સ્વરોજગારીની તકો ઉપલબ્ધ કરાવવી જરુરી છે. સમાજમાં નવામહિલા ઉદ્યોગકાર-સાહસકર્તાઓ આગળ આવે તે માટે યોગ્ય માર્કેટિંગ અને નેટવર્ક દ્વારા પીઠબળ પૂરું પાડવામાં આવે. જેથી સમાજના લોકો આર્થિક રીતે સંપન્ન બને અને તેઓ તેમના ઉન્નત જીવનના દ્વાર ખોલી શકે.
મહિલા સંસ્થાઓ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થિનીઓને નોંધપાત્ર પ્રગતિની રાહ ઉપર લઈ જઈ જવા માટે પણ પ્રદાન કરી શકે છે. શૈક્ષણિક પ્રગતિના અભિયાનમાં બાળકોની મહેનત, વાલીઓનું આર્થિક યોગદાન તથા કેટલાક કિસ્સામાં સામાજિક સંસ્થાઓનું વિશિષ્ટ યોગદાન પણ હોય છે. સંઘશક્તિ વિના કોઈ કાર્ય સફળ બની શકે નહીં.
આચમનઃ-
“નાગરિક-સમાજ અને સરકાર વચ્ચે સેતુ બનાવવાનું કાર્ય સમાજના શ્રેષ્ઠીઓએ કરવાનું હોય છે.” – ગાંધીજી
દિનેશ દેસાઈ