થેક્સ ગિવીંગ- અમેરિકામાં આ દિવસે થેક્સ ગિવીંગ ડીનરનો મહિમા રહેલો છે, જ્યાં આખું ફેમેલી એક સાથે ડીનર ટેબલ ઉપર બેસી પ્રાર્થના કરી સહુ પ્રથમ ગોડનો આભાર માને છે .
એક બીજાને તેમના હેલ્પ અને કાઈન્ડનેશ માટે થેક્યું કહે છે. ઘરમાં અંદર અને બહાર સુંદર સજાવટકરે છે ટુંકમાં આભાર વ્યક્ત કરવાનો આ દિવસ અનોખી રીતે ઉજવાય છે.
થેક્સ ગિવીંગના દિવસે ટર્કી નામના પક્ષીનું માંસ રાંધીને ખાવાની પ્રથા પડી ગઈ છે. દર વર્ષે આશરે 46 મિલિયન ટર્કીનો વધ થાય છે.
આ દિવસ પાછળ ઐતિહાસિક વાત જોડાયેલી છે. 1620માં 100 જેટલા પિલગ્રેમ્સ એટલાન્ટીક ઓશન પાર કરીને મેસેચ્યુસેટ્સ સ્ટેટના કિનારે ઉતર્યા,ત્યારે અહીવિન્ટરની કડકડતી ઠંડી હતી જ્યાં ભૂખ અને ઠંડીના કારણે કેટલાક મૃત્યુ પામ્યા તેવા વખતે અમેરિકામાં રહેતા નેટીવ અમેરિકનો એ તેમને બચાવી લીધા અને તેમને અહીંની ખેતી કરવાની જુદીજુદી રીતો શીખવી, અહીંની ભૌગોલિક સ્થિતિ વિષે જ્ઞાન આપ્યું. પરસ્પર સાથ અને સહકાર થી તેઓ અવનવા પાક મેળવતા થયા.
છેવટે મજબુત સબંધો અને આભાર વ્યક્ત કરવાના ઈરાદા થી એક પાર્ટીનું આયોજન કરાવ્યું જ્યાં નેટીવ અમેરીકન ટર્કી, અને ડીયરનું માંસ અને કોર્ન લાવ્યા સામે પિલગ્રેમ્સ પણ તેમણે પકવેલી ચીજવસ્તુઓ લાવ્યા.
પિલગ્રેમ્સ એટલે યુરોપ તરફથી આવેલા યાત્રાળુઓ જે અહીં અમેરિકામાં રોકાઈ અમેરિકન થઈ અહીંજ વસીને રહી ગયા. જોકે તેઓએ પાછળથી નેટિવ અમેરિકનને છેતરી તેમની જમીનો અને વસાહતો છીનવી લીધા એ અમેરિકાનો એક કાળો ઇતિહાસ પણ છે.
આમ સહુ પ્રથમ થેક્સ ગિવીંગ ડીનરની શરૂઆત થઇ. ત્યાર બાર 1776 માં અમેરિકા આઝાદ થયો અને 1789 માં આ દિવસ નેશનલ હોલીડે જાહેર થયો.
આ દિવસને હાર્વેસ્ટ દિવસ તરીકે પણ ઉજવાય છે. શિયાળાની શરૂવાત થતા પહેલા બધા પાકની લણણી કરી લેવાની હોય છે. તો તેને યાદગાર બનાવવા અહીંના ખેડૂતો આ દિવસને માનભેર ઉજવે છે.
થેક્સ ગિવીંગ ગુરુવારે હોય છે જેના બીજા દિવસને બ્લેક ફ્રાયડે કહેવામાં આવે છે. આ દિવસ શોપિંગ સ્પેશ્યલ દિવસ તરીકે ઓળખાય છે. આ દિવસે જુદીજુદી વસ્તુઓ ઉપર આખા વર્ષનો બેસ્ટ સેલ રહેતો હોય છે. “અર્લી બર્ડ ” નામના સેલમાં લોકો બહુ ઉત્સાહ થી શોપિંગ કરવા જતા હોય છે. કેટલાક સ્ટોર્સ વહેલી સવાર ચાર કે પાંચ વાગ્યાથી શરું થઇ જતા હોય છે. વહેલા તે પહેલાના ધોરણે વસ્તુઓ હોવાથી લોકો આગલી રાતથી લાઈન લગાવી ઉભા રહી જાય છે.
કોવિડ પછી ઘણું બદલાઈ ગયું છે. ઘણા સ્ટોર ઓનલાઇન થઈ ગયા છે આથી લોકો હવે ઓનલાઈન શોપિંગ વધુ કરે છે. આ દિવસથી શરુ થઇ છેક ક્રિસમસ સુધી અમેરિકામાં ઉત્સવ જેવો માહોલ રહેતો હોય છે.
પ્રભુએ જે પણ આપ્યું છે તેનો આભાર માનીએ તેટલો ઓછો છે. એમ કહી શકાય કે માનવા માટે આપણે સમર્થ નથી. છતાંય આજે એ દરેકનો આભાર જેમના કારણે જીંદગી ખુબસુરત બની છે.
– રેખા પટેલ ( ડેલાવર-યુએસએ)