જયારે કારકિર્દી કે વ્યવસાયમાં બધું જ વ્યવસ્થિત ચાલતું હોય, સફળતા તમારાથી ફક્ત એક કદમ જ દૂર હોય ત્યારે કોઈને કોઈ છૂપો ભય કે શંકા તમારું બધું જ કામ બગાડી શકે એવું પણ બને. મોટાભાગના લોકો, આપણામાંના 70% લોકો કામકાજના સ્થળે કે કારકિર્દીમાં એક કે એકથી વધારે વખત આ પરિસ્થિતિનો ભોગ બને જ છે, જેમાં તેઓ એવો અનુભવ કરે છે કે તેઓએ જે કંઈ મેળવ્યું છે તેને તે લાયક નથી અથવા તેઓ ખોટી જગ્યાએ છે. આ પ્રકારની ભાવના કે એક છૂપો ડર તેમને સતત હેરાન કરે છે.
આ મનોસ્થિતિને ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ કહેવાય છે. હાલ એજ્યુકેશન અને કોર્પોરેટ વર્લ્ડમાં કાંઇક અંશે આ શબ્દ બઝવર્ડ બની ગયો છે એટલે કે ગણગણાટમાં છે.
શું છે આ ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ?
યાદ રહે, આ કોઈ બીમારી નથી કે નથી કોઈ ભયાવહ પરિસ્થિતિ. આ માત્ર એક મનોદશા છે, જે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક અનુભવ કરે છે. સાદી ભાષામાં સમજીએ તો જયારે તમે પ્લેનમાં ઉપર જાઓ છો ત્યારે તમે અસ્વસ્થતા અનુભવો છો. એ અસ્વસ્થતા બીજું કંઈ નહિ પણ શરીરમાનાં એક હોર્મોન એડ્રિનાલીનનો વધુ સ્ત્રાવ છે. બસ, આ જ રીતે સફળતાની ટોચ સુધી પહોંચતા લોકોનો પોતાના પર આત્મવિશ્વાસ ડગમગવા લાગે ત્યારે તેઓ પોતાની જ સિદ્ધિઓ વિશે અતિ શંકાશીલ બની જાય છે. ઘણીવાર પોતાને આ બધા માટે ફ્રોડ માની બેસે છે. નીલ આર્મસ્ટ્રોંગથી લઈને લેડી ગાગા સુધી ઘણી ફેમસ વ્યક્તિઓ પણ આ મનોવ્યથાનો સામનો કરી ચુકી છે. આ લોકો કોઈને કોઈ રીતે પોતાની પાસેથી વધુ પડતી આશા રાખે છે, જે આગળ જતાં એમને માનસિક તણાવમાં ધકેલી દે છે.
ઈમ્પોસ્ટર સિન્ડ્રોમ એ કોઈ ખાસ લક્ષણો ધરાવતી કે કોઈ ટેસ્ટ દ્વારા નિદાન કરી શકાતી બીમારી નથી, પરંતુ એની અસર ઘણી વખત ઘાતક બની શકે છે. એવું નથી કે તે દરેક માટે અસલામત જ હોય પરંતુ અમુક ફિલ્ડના લોકો માટે ક્યારેક મુશ્કેલ બની જાય છે. જેમ કે, આ પરિસ્થિતિમાં શેરબજાર કે નાણાંકીય વહીવટ સંભાળતા લોકો નિર્ણય લેતી વખતે ઘણી વાર ખોટા નિર્ણયો લઈ શકે છે. વિદ્યાર્થીઓ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ વખતે ઈમ્પોસ્ટરનો ભોગ બને તો તેમની કારકિર્દી ખરાબ થઇ શકે છે. તેઓનો ઘટતો કોન્ફિડન્સ લેવલ ઘણું બધુ કામ બગાડી શકે છે.
અહીં મહત્વના 5 ‘p’ સમજવા જેવા છે.
1.પ્રદર્શન
આ લોકો સતત પોતાની જાત પર મોનીટરીંગ કરે છે કે પોતાનું પ્રેઝન્ટેશન કેવું છે. જો તે બરોબર નહીં હોય તો લોકો શું વિચારશે વગેરે. એટલે તેઓ સતત દબાણમાં રહે છે.
2. પરફેકશનિઝમ (સંપૂર્ણતા)
ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ ધરાવનાર વ્યક્તિઓ એક બીબામાં ફીટ થવા ઝઝૂમે છે. ચોક્કસાઈની આ ટેવ જ એમની સફળતાનું કારણ હોય છે, પણ ઘણીવાર અમુક કામોમાં પરિસ્થિતિ અને સમય સાથે બદલાવું પડતું હોય છે. એ સમયે પ્રેક્ટિકલ અભિગમ અપનાવવો એ ચોકસાઈથી વધુ જરૂરી છે. પણ આ પ્રકારના લોકો માટે આટલી સામાન્ય વાત સમજવી પણ અઘરી હોય છે. સરવાળે તેઓ મુશ્કેલીમાં મુકાય છે. તેઓને એમ લાગે છે કે દરેક કામમાં 100% સંપૂર્ણતા હોવી જ જોઈએ, નહીં તો લોકો એમને ખરાબ માનશે. ઉદાહરણ તરીકે, કોઈ વિદ્યાર્થીને 99% માર્ક્સ આવે તો પણ તે દુ:ખી થાય કે 100% કેમ નથી આવ્યા!
3. પીપલ પ્લીઝિંગ (લોકોને ખુશ કરવું)
ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ ધરાવનાર વ્યક્તિઓ ઘણીવાર બીજા લોકોના મત વિશે વધુ ચિંતા કરે છે અને એમને ખુશ કરવા માટે પોતાના સિદ્ધાંતોને ગાળે છે. જેમ કે, ઓફિસમાં કોઈને નકારાત્મક વાત કરવી હોય તો તે ન કરે કારણ કે તે લોકોને સારું નહિ લાગે તો એવા વિચારોમાં સાચા નિર્ણય લેતાં અટકે છે.
4. પર્સનલાઇઝેશન (વ્યક્તિગત બનાવવું)
લોકો દરેક નાની નાની નિષ્ફળતાને અંગત રીતે જોવાનું શરૂં કરે છે. જેમ કે, જો પ્રોજેક્ટમાં ભૂલ થઈ જાય તો તેઓ માને છે કે એ તેમની સંપૂર્ણ જવાબદારી છે.
5. પ્રોક્રાષ્ટિનેશન (ટાળવું)
ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ ધરાવનાર લોકો ઘણીવાર કામ ટાળતા રહે છે. તેમને ડર હોય છે કે કામ દરમ્યાન તેમની અસલિયત સામે આવી જશે એટલે તેઓ સતત સુધારા કર્યે રાખે છે. દરેક નાની નાની બાબતમાં સુધારો કરવાથી કામમાં આગળ વધી શકતા નથી.
એવું નથી કે આ મનોસ્થિતિ હંમેશા ઘાતક કે નુકસાનકર્તા જ હોય. ઘણીવાર એ દશા જ તમારી સફળતાનો સૌથી મોટો આધાર પણ હોઇ શકે છે. પરંતુ એ પહેલા એ પરિસ્થિતિ આપણા માટે નુકસાનકર્તા નથી એ જાણવું ખૂબ જ જરૂરી છે.
એ જાણી લો કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ પૈકીના એક અને હાલમાં ખૂબ ચર્ચામાં રહેતા સોશિયલ મિડીયા પ્લેટફોર્મ X ના માલિક ઇલોન મસ્ક એક અજીબોગરીબ માનસિક વ્યથા-એસ્પર્જરથી પીડાય છે, જેમાં સહાનુભૂતિ કે સામાજિકતાનો સંપૂર્ણ અભાવ હોય છે. પણ બીજી રીતે જોઇએ તો કદાચ આ જ ખામીને લીધે તેઓ ટેક્નોલોજી જગતમાં ક્રાંતિ સર્જી શક્યા. એ જ ખામીને તેમણે પોતાની તાકાત બનાવી!
આના માટે આપણે આપણી અંદર રહેલા વિવેચકને સમજવો જરૂરી હોય છે. ક્યારે એના નિર્ણયો માનવા અને ક્યારે ના માનવા એનો આધાર આપણા પર હોય છે. અંદર બેઠેલો વિવેચક જયારે જિંદગીના રસ્તા બતાવે તે સંપૂર્ણ ખોટા હોતા નથી. બસ, ત્યાં ચાલવા માટે સાવચેતી જરૂરી હોય છે. આંતરિક દબાણ ભયાનક રૂપ લે એ પહેલા મિત્રો કે નિષ્ણાંતોની મદદ લેવી જરૂરી હોય છે. કોઈ ચોક્કસ દવા કે ઈલાજ ના હોવા છતાં આ પરિસ્થિતિમાંથી બહાર જરૂર નીકળી શકાય છે.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)