વરસાદની સીઝન આવે એટલે પહેલાંપહેલાં પલળવાની ખૂબ મજા આવે. બહાર ન હોય છતાં પણ વરસાદ જોઇને હાથે કરીને પલળીએ. પરંતુ કહેવાય છે ને કે નવા નવા નવ દિવસ..જી હા, પહેલાં તો વરસાદ આવતાં પલળી લઇએ પણ ધીમેધીમે કંટાળી જઇએ છીએ. આખો દિવસ કામ કરીને ઘરે પહોંચવાનુ હોય અને રસ્તામાં વરસાદ આવે ત્યારે એમ થાય કે અરે ક્યાં અત્યારે વરસાદ આવ્યો, આની પહેલાં ઘરે પહોંચી જઈએ તો સારું. એવું પણ થાય કે જે દિવસે છત્રી અને રેઇનકોટ લઇને નીકળ્યા હોવ ત્યારે વરસાદ ન આવે અને જે દિવસે ભૂલી જાવ ત્યારે અનરાધાર વરસાદ વરસી પડે. જો રેઇનકોટ અને છત્રી થકી તમે વરસાદથી બચી પણ ગયા છતાં પણ આજુબાજુવાળા તો તમને પાણી ઉડાડીને જ જવાના છે. અનરાધાર વરસાદ હોય અને એમાં પણ ઘરે પહોંચતા કલાકો થઇ જતાં હોય આવામાં પલળેલી હાલતમાં ઘરે પહોંચવું મુશ્કેલ થઇ જાય છે. વરસાદનાં પાણીથી ખંજવાળ ઉપડે છે અને તાવ પણ આવી શકે છે. આ સમયે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હિતાવહ બની જાય છે.
પલળ્યાં પછી ઘરે આવો એટલે શરદી થઇ જાય છે, છીંકો શરૂ થઇ જાય છે, વરસાદના પાણીના કારણે શરીર પર ખંજવાળ પણ આવવા લાગે છે. અને બહારથી પલળીને આવો એટલે કકડીને ભૂખ લાગવા લાગે છે. વરસાદમાં યુવતીઓને ખૂબ મુશ્કેલી થાય છે. વરસાદમાં પલળ્યા હોય અને એમાં પણ બહાર જવાનું હોય ત્યારે મુશ્કેલી થાય છે. ત્યારે વરસાદમાં પલળો ત્યારે સૌથી પહેલાં આવીને ગરમ પાણીએ નાહી લો અને જો નાહવું ન હોય તો એન્ટિ-બેક્ટેરિયલ સાબુથી હાથપગ ઘસીને સાફ કરો. જો વાળ પણ ભીના થયા હોય તો એને હૂંફાળા પાણીથી સાફ કરી લો. શરીર અને વાળ બંને એકદમ ડ્રાય કરી દો. કપડાં થોડા પણ ભીના હોય તો ચલાવી ન લેવું, ભીના કપડા પહેરવાનું ટાળો. ખાસ કરીને તમારા પગની કાળજી લો. જે લોકોને રોજ પાણીમાં વધુ પડતું રહેવુ પડે છે, વરસાદમાં વધુ ચાલવું પડતુ હોય છે એના પગ ઠંડા પડી જતાં હોય છે. આવા લોકો એવરેજમાં વધુ થાકી જાય છે. આવી પરિસ્થિતિમાં ઘરે આવી હૂંફાળા પાણીમાં મીઠું નાખીને થોડીવાર માટે પગ બોળી રાખો. આનાથી બેક્ટેરિયા પણ દૂર થશે અને પગને પણ રાહત થશે.
વરસાદમાં પલળીને ઠંડી ચડી જતી હોય ત્યારે શરીર ઠંડુ થઇ જાય છે ત્યારે તાપમાન જાળવવા માટે ગરમ કરવું પણ જરૂરી છે. શરીરનું તાપમાન જળવાય નહીં તો બીમાર પડવાની સંભાવના વધી જાય છે. ત્યારે શરીરને ગરમ કરવા માટે ઉકાળો, ચા પીવો અથવા તો ગરમાગરમ ભજીયાનો પણ લ્હાવો લઇ શકો છો. આ સિવાય નૉર્મલ ચાને બદલે હર્બલ ટી પી શકાય. ફુદીનો, આદુ, લીલી ચા, તુલસી, અને લીંબુ નાખીને પાણી બે મિનિટ ઉકાળી લેવું. ગાળીને એમનેએમ અથવા તો ગોળ કે મધ નાખીને પી શકાય. ગરમાગરમ સૂપ પણ તમે પી શકો છો જે બજારમાં રેડીમેડ પેકેટ્સ પણ મળી રહે છે. આ ઉપરાંત લોકો મકાઇ ખાવાનું વધુ પસંદ કરે છે પરંતુ ખાવી હોય તો સફેદ દાણાવાળી જ ખાવી કારણ કે સ્વીટ કોર્ન સ્વાસ્થ્ય માટે એટલી સારી નથી હોતી. ઘણાં લોકોને ભીના થતા જ શરદી-ઉધરસ અને છીંકો ચાલુ થઇ જતી હોય છે. આવું ન થાય એ માટે ઘરે આવતાં જ તમે તુલસી, ફુદીનો, આદુ, મધ, ગરમ પાણીમાં ઉકાળીને પીવું. આ તમે તમારા બાળકોને પણ પીવડાવી શકો છો.
વરસાદમાં યુવતીઓએ કપડાં પહેરવામાં ખાસ ધ્યાન રાખવુ પડતું હોય છે. વરસાદની સીઝનમાં ડાર્ક કલરના, જલદીથી સૂકાઇ જાય એવા કપડા પહેરશો તો તમને પણ સહેલાઇ રહેશે. વરસાદમાં જીન્સ ખૂબ ઓછા પહેરવા અથવા તો ટાળવું. સફેદ, ગુલાબી, પીળો આવા લાઇટ કલરના ટોપ પણ વરસાદમાં ન પહેરશો કારણ કે વરસાદમાં પલળશો તો કાપડ ખૂબ જ પાતળું લાગશે. આવી ઘણી બધી બાબતો છે જેનુ તમે વરસાદમાં ધ્યાન રાખશો તો બીમાર પડવાની કોઇ શક્યતા નથી.