કારકિર્દીના ઘડતરની વાત હોય ત્યારે આજના ખૂબ જ ઝડપથી બદલાતાં ધ્યેયવાળા જમાનામાં પણ રાજકારણને સારો ધંધો માનવામાં આવતો નથી, રાજકારણ અને સેવાના અર્થજોડકાં હવે ભૂલી જાઓ, ન ગમે તો પણ આ કડવી વાસ્તવિકતા થઈ પડી છે.આ સંજોગોમાં કોઇ મોટી વગ વગર સાચેજ લોકશાહી તંત્રમાં લોકો માટે આવવું એ ઘણી ઘણી મોટી વાત છે. યુવા વયના જોશમાં એવું કંઇક હોય છે જે નકારાત્મકતાના વાતાવરણમાં પણ ખીલી શકે છે. એવી આ વાત છે તાજેતરમાં સંપન્ન થયેલી લોકસભા ચૂંટણીમાં બનેલી ઘટનાની.17માં લોકસભાની ચૂંટણીએ અનેક રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે. કોંગ્રેસ સિવાયના ગોત્રની પાર્ટી ભાજપને સ્પષ્ટ બહુમતી મળી. લોકસભામાં બહુમતી માટે 272 બેઠકો જોઈએ, એકલા ભાજપને 303 બેઠકો મળી, આ પણ એક વિક્રમ નોંધાવ્યો છે કે પ્રથમ વાર ભાજપને બહુમતી કરતાં વધુ બેઠકો મળી છે. ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ, નવી સરકારની રચના પણ થઈ ગઈ, અને પ્રધાનોને ખાતાની ફાળવણી પણ થઈ. પણ એક રેકોર્ડ એવો છે કે જે ઉડીને આંખે વળગે તેવો છે.સંસદમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની દરખાસ્ત છે, પણ તે હજી સુધી હકીકત બની ન હતી. પણ 21 લોકસભાની બેઠકો ધરાવતી ઓડિશામાં 33 ટકા મહિલાઓને સંસદમાં મોકલવાનો સંકલ્પ નિભાવ્યો છે. ઓડિશામાંથી 7 મહિલા સાંસદો નવી દિલ્હી ગઈ છે. અને તેમાંય બીજો રેકોર્ડ છૂપાયો છે સૌથી નાની વયના સાંસદ મહિલા અહીથી મળ્યાં છે અને તે મહિલાનું નામ છે ચંદ્રાણી મુર્મૂ… તેમણે 17મી લોકસભામાં સૌથી યુવા સાંસદ મહિલાનું બિરુદ મેળવ્યું છે. ચંદ્રાણી મુર્મૂ કેવી રીતે લોકસભામાં આવ્યાં, તેની પણ એક કહાની છે, ચંદ્રાણીને ખુદને ખબર ન હતી કે તે રાજનીતિમાં આવશે, અને સીધી સંસદમાં પહોંચી જશે. કોણ જાણે પક્ષને અને મતદારોને તેનામાં શું ટેલેન્ટ દેખાઈ?
ચંદ્રાણી મુર્મૂએ બે વર્ષ પહેલાં મિકેનિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કર્યા પછી સરકારી નોકરી મેળવીને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવાનું વિચાર્યું હતું અને તેની તૈયારીઓમાં પડી ગયાં હતાં. તેને ખબર ન હતી કે તેના હાથની રેખામાં ‘રાજનીતિ’ લખી હશે. જે તેને દિલ્હીના વિશાળ સંસદ ભવન સુધી લઈ જશે અને આદિવાસી વિસ્તારના ભવિષ્યને બનાવવાનો રસ્તો બતાવશે.
તાજેતરમાં વાવાઝોડાંને કારણે સતત સમાચારમાં રહેલ ઓડિશા લોકસભાની ચૂંટણીમાં ચંદ્રાણી મુર્મૂને કારણે પણ સમાચારમાં રહ્યું છે. ઓડિશામાં ક્યોંઝર લોકસભા બેઠક પરથી પ્રતિનિધિત્વ કરનારી ચંદ્રાણીએ 25 વર્ષ ને 11 મહિનાની ઉમરમાં તેમણે સાંસદ તરીકે ચૂંટાવાની ઉપલબ્ધિ હાંસલ કરી છે. તે 26 વર્ષની ઉમરના દુષ્યંત ચૌટાલાનો સૌથી નાની વયના યુવા સાંસદનો રેકોર્ડ તોડવામાં પણ સફળ રહ્યાં છે.
ચંદ્રાણીએ 2017માં ભુવનેશ્વરની શિક્ષા અનુસંધાન યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જીનિયરની ડિગ્રી હાંસલ કરી છે, અને તે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં હતાં. ત્યારે એવામાં અચાનક તેમના મામાએ ચૂંટણી લડવાની વાત પૂછી હતી. ચંદ્રાણીનું કહેવું હતું કે તે પોતાના માટે કોઈ સારી કેરિયર બને તેની શોધમાં હતી. સ્પર્ધાત્મક પરીક્ષા આપીને કોઈ સારી જોબની શોધ હતી, તેમનો રાજનીતિમાં આવવાનો કોઈ ઈરાદો ન હતો. પણ ઓડિશાની ક્યોંઝર મહિલા અનામત બેઠક હતી અને બીજુ જનતા દળને કોઈ ભણેલી ગણેલી મહિલા ઉમેદવારની જરૂરિયાત હતી. આ બને વાત ચંદ્રાણીના પક્ષમાં ગઈ, ભણતર તેને કામ લાગ્યું ખરું.
હવે ચંદ્રાણી યુવા આદિવાસી સાંસદ છે, તે તેના વિસ્તારમાં શિક્ષણ માટે કામ કરવા માગે છે. 16 જૂન, 1993ના દિવસે જન્મેલી ચંદ્રાણીના પિતા સંજીવ મુર્મૂ એક સરકારી કર્મચારી છે અને તે પણ પોતાની દીકરી માટે ઉજળું ભવિષ્ય ઈચ્છતાં હતાં. પણ તેમની માતા ઉવર્શી સરકારી આઈસીડીએસ ડિપાર્ટમેન્ટના નિવૃત કર્મચારી છે. ચંદ્રાણીને નાના હરિહરન સોરેનની રાજનીતિ અને સમજણ વારસામાં મળી હતી. જે તેને સંસદ સુધી પહોંચવામાં સહાયક બની છે. ચંદ્રાણીના નાના હરિહરન સોરેન 1980 અને 1984માં કોંગ્રેસના સાંસદના રૂપમાં ક્યોંઝરના પ્રતિનિધિ રહી ચૂક્યાં છે. તેમનો અનુભવ ચંદ્રાણીના લોહીમાં આવ્યો હતો, બસ હવે કાંઈ બાકી રહ્યું ન હતું. ચૂંટણીમાં તેના મત વિસ્તારમાંથી ચંદ્રાણીને ‘ધી ડોટર ઓફ ધ વિલેજ’નું ટેગ મળ્યું હતું. ચંદ્રાણી આપણા દેશની મહિલાઓ માટે એક ઉદાહરણ બની ગયાં છે.લોકસભાની ચૂંટણીમાં જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે તેમાં ઉમેદવારે પોતાની સ્થાયી અને અસ્થાયી સંપત્તિ દર્શાવવાની હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે ચંદ્રાણી પાસે ન કોઈ બંગલો છે, ન કોઈ ગાડી છે, ન કોઈ જમીન મિલકત છે, નથી કોઈ લાંબુ બેંક બેલેન્સ છે. નથી તેની પાસે કોઈ શેર, કે પછી મોટી વીમા પૉલીસી પણ નથી. રોકડ રકમની વાત કરીએ તો તેની પાસે માત્ર વીસ હજાર રૂપિયા અને દસ તોલા સોનાના દાગીના છે. જે દાગીના તેના માતાપિતાએ આપ્યા છે. આવી સાધારણ પરિવારની પુત્રી સંસદ ભવન સુધી પહોંચી છે. અને મતદારોએ પણ ચંદ્રાણીને સ્વીકારી છે. ઓડિશાની ક્યોંઝર બેઠક પરથી ચંદ્રાણી મુર્મૂ 66,203 મતોથી જીત મેળવી છે. હવે તે તેના આદિવાસી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટુ કામ કરીને જનતાની સેવા કરવાની ખેવના રાખે છે અને ખાસ કરીને મહિલાઓ અને યુવાનો માટે તે કામ કરવા માગે છે. તે પોતાના મતક્ષેત્રમાં ફર્યાં છે, તેમના પ્રશ્નો અને મુશ્કેલીઓ તેમણે સાંભળી છે, હવે તે ચૂંટાઈને આવ્યાં છે તો તેઓ પીવાના પાણીની અને બેરોજગારીની સમસ્યા દૂર કરશે.ચંદ્રાણીનું માનવું છે કે હું યુવાઓને યોગ્ય તક આપીશ તે પછી રાજનીતિમાં હોય કે કોઈ બીજા ફિલ્ડમાં હોય. ચંદ્રાણી મુર્મૂની રાજકીય સફર અચાનક શરુ થઈ છે અને સૌની તેના પ્રત્યે આશાઅપેક્ષાઓ છે ત્યારે આ યુવા મહિલાની પ્રતિભા ઝળકી ઉઠશે તેમાં તેમને જાણનારા સૌકોઇને શ્રદ્ધા છે. નાની વયથી સત્તાની ગલીમાં આવેલાં ચંદ્રાણી અનેક એવી મહિલાઓ માટે પથદર્શક છે જેઓ ભણેલાંગણેલાં લોકો માટે રાજકારણએ ભલાઈની વાત નથી એમ માનતાં હોય છે. કાદવમાં કમળ ખીલે તેમ અનેક અનિષ્ટ તત્વો રાજકારણની ઓથે લહેર કરતાં હોય તો આવા નિષ્ઠાવાન યુવા મહિલા સાંસદને કામ કરવાની તક મળી છે તે આવકાર્ય છે.