ઓણમનો તહેવાર હતો,12 વર્ષના કમલને, તેના પિતાની હરકતો થોડી ડંખી રહી હતી કે તે ટેબલ પર મહેમાનોને પાયસમ વગેરે પીરસતા હતાં,જેનાથી બધા ખૂબ ખુશ હતાં. થોડી વારમાં કમલે પોતાનો કાબુ ગુમાવ્યો અને મહેમાનોની સામે તેમને તેમના પિતાને ‘બીટા મેન’ થી સંબોઘી કહ્યું કે “તમે જે કરો છો એ કંઈ મોટી વાત નથી.”આ કામ તમારું નથી.
આવી શરમજનક ટિપ્પણી માટે તેને થોડી વારમાં તેના પિતા સામે માફી માંગી. મહેમાનો વધુ સમજી ના શક્યા, પણ તેના માતા પિતા માટે આ રીતની ઘટના અપમાન નહીં પણ ચિંતાનો વિષય હતો. તેના માતાપિતાની નજર હવેથી કમલના બિહેવિયર પર હતી. તેની મા સાથે વાતચિતમાં, ઘણી વખત બધી ‘સ્ત્રીઓ એક જેવી’, ‘સ્ત્રી મગજ’ જેવા ઉચ્ચારણ કરતો. સ્કૂલમાં પણ અભદ્ર વર્તનને કારણે તેમની ફરિયાદો વધવા લાગી.
થોડું એવુ કંઈ જેના મૂળ વધુ ઊંડા અને તીવ્ર હતાં, જે આસપાસના વાતાવરણથી કઇ અલગ હતું. કમલના માતાપિતા એ તેમની પર નજર રાખવાનું શરૂ કર્યું. એક વખત તેમના ઈન્ટરનેટ બ્રાઉસરની હિસ્ટ્રી ચેક કરતાં તેના માબાપ ચિંતામાં મુકાય ગયાં. એમનો પુત્ર એક ખતરનાક કોમ્યુનિટીનો એક ભાગ બનવા જઈ રહ્યો હતો. જ્યાં બાળકોમાં, ખાસ કરીને 10 થી 14 વર્ષના છોકરાઓને ટાર્ગેટ કરવામાં આવે છે. મોનોસ્પિયર નામની કોમ્યુનિટી આ રીતે છોકરાઓના માનસ પર મહિલાઓ વિરુદ્ધ, ઝેર ભરવામાં જાણીતા છે.
મેનોસ્ફિયર શું છે?
મેનોસ્ફિયર એ ઈન્ટરનેટ પર પેદા થયેલો એક એવો સમુદાય છે, જે પુરુષોની સ્વતંત્રતા, સ્ત્રીઓથી બચવું, આધુનિક સંબંધોને નકારવું, જેવી વાત પર ભાર મૂકે છે. જ્યાં Alpha Male એ, હંમેશા જીતવા લાયક અને Beta Male એ કિચનમાં કામ કરતો પુરુષ, થોડો પ્રેમાળ પુરુષ કે એક હારેલો માણસ. જ્યાં સ્ત્રીઓ માટે ફોઇડ કે ફમોઈડ જેવા શબ્દો વપરાય છે જેને સ્ત્રી તો ઠીક, પણ માણસ પણ નથી માનવામાં આવતી, જે માત્ર પુરુષોનો ફાયદો ઉઠાવે છે. જેઓ 80/20 ના નિયમને માને છે જેમાં એવુ શીખડાવવામાં આવે છે કે, 80 % સ્ત્રીઓ પુરુષોના બેન્ક બેલેન્સ માટે લગ્ન કરે છે. જે હકીકતથી ઘણા દૂર છે. એક એવી ભ્રમિત દુનિયા જેમાં, ઘર સંસાર, લગ્ન જેવી બાબતોને તુચ્છ ગણવામાં આવે છે.
મોનોગેમી અને મનોવિજ્ઞાન
યુવાનો વર્ગમાં એક માનસિકતા ફેલાવવામાં આવે છે કે મોનોગેમી એટલે એક પ્રકારનું સોશિયલ ટ્રેપ,જયારે મોનોગેમી એટલે પ્રેમ અને ભરોસાનો સંબંધ હોય છે જેમાં બંને પાર્ટનર એકબીજાની સાથે વિકાસ કરે છે, પણ આ સમુદાય તેને પુરુષો માટેની ગુલામી તરીકે રજૂ કરે છે.
જે બાળકો અત્યારથી “સ્ત્રીઓ વિશ્વાસપાત્ર નથી”, “લગ્ન પોઈઝન છે”, “પ્રેમ એક પાંજર છે” જેવા વિચારોમાં ફસાઈ જાય છે, તેઓ આગળ જઇને પ્રેમ, સંવેદના અને સહયોગ જેવા ભાવો ગુમાવી દે છે. અને આગળ જતાં કોઈની પણ સાથે સબંધો વિકસાવી શકતા નથી. જે અમુક સ્થિતિમાં ભયંકર એકલતા, કે ડિપ્રેસનનો શિકાર બની શકે છે.
ઇન્ટરનેટની ઊંડી દુનિયામાં એન્ડુ ટેટ, જેવા ઇન્ફલુએન્સર્સનો રાફડો ફાટેલો છે. જેઓ લાખોની સંખ્યામાં ફોલોવર્સ ધરાવે છે. ભારતમાં પણ તેના ઘણા જ ફોલોવર્સ છે. જેનો ટાર્ગેટ ટીનેજ અને યુવાન છોકરાઓ હોય છે. જે ફિટનેસ, વેલનેસ ટિપ્સ, જેવી બાબતોના સહારે તેઓને આકર્ષિત કરે છે. મેટ્રોમોનિયલ સાઈટ પર યુવાઓને ભડકાવાની કોશિશ કરે છે. જયારે હકીકતમાં એન્દ્રુ ટેટ પર રેપ જેવા અનેક ગુનાઓની તપાસ ચાલી રહી છે જે રોમાનિયામાં જેલમાં છે.
ઇન્ટરનેટની એકાદ અદ્રશ્ય ગલી પણ તમારા બાળકોના ભવિષ્ય બગાડવા માટે કાફી છે. જે માનસ, આ રસ્તે જઈ ચુક્યા છે, કદાચ એમની માનસિકતા બદલવી શક્ય નથી પણ નવી પેઢીને ચોક્કસ માર્ગદર્શન દ્વારા જરૂર વાળી શકાય છે. આવી બાબતો સ્કૂલ કે ક્લાસીસમાં ભણાવવામાં આવતી નથી. આ કેળવણી માતાપિતા દ્વારા ઘરમાં જ મળી શકે છે. બાકી મોનોગેમી માત્ર સંબંધ નથી, તે વ્યક્તિના માનસિક સંતુલન, સામાજિક સહઅસ્તિત્વ અને ભવિષ્યની પેઢી માટે નમ્રતા શીખવાનો માર્ગ છે. જે ઘરમાં બાળક માતા-પિતાના પ્રેમાળ જીવનના જીવંત ઉદાહરણ જોઈને મોટું થાય છે, તે સાચા જીવનમૂલ્યો તરફ વળી શકે છે.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)
