વૈજ્ઞાનિક એને પણ કહેવાય જે સંશોધન થઈ ગયા પછી આગળનું વિચારે. અત્યારે ચહેરા દ્વારા ઓળખની ટૅક્નૉલૉજી હજુ પૂરેપૂરી અમલમાં પણ નથી આવી ત્યાં વૈજ્ઞાનિકોએ નવી ઓળખ ટૅક્નૉલૉજી શોધ્યાનો દાવો પણ કરી દીધો છે. ના, આ કામ કોઈ પશ્ચિમી દુનિયાના વૈજ્ઞાનિકોનું કામ નથી, પરંતુ ચીનના વૈજ્ઞાનિકોનું કામ છે.
ચીનની મેલુક્સ કંપનીએ દાવો કર્યો છે કે તેણે એક નવી ઓળખ ટૅક્નૉલૉજી શોધી છે. (ચીનમાં એક સરખા દેખાતાં ચહેરાવાળા વ્યક્તિ વધુ હોય એટલે ત્યાં અમસ્તીય આ ટૅક્નૉલૉજી વધુ જરૂર પડે. ?)
આ કંપનીનો દાવો છે કે હવે વ્યક્તિની ઓળખ ચહેરાથી નહીં પરંતુ હાથ વડે થઈ શકશે. તમે કહેશો કે આમાં નવું શું છે? આપણે ત્યાં આધાર કાર્ડ માટે અંગૂઠાથી આ કામ થાય જ છે. પરંતુ ચીનની કંપનીનો દાવો કંઈક અલગ જ છે.
ચીનની કંપનીનો દાવો છે કે વ્યક્તિની ઓળખ માત્ર ૦.૩ સેકન્ડમાં જ થઈ શકશે. એટલે એમ કહો ને કે તમે આંખની પાંપણ પટપટાવો ત્યાં સુધીમાં તો કામ પતી જાય. અને ખાસ વાત એ છે કે આ કામ માટે ચહેરાની જરૂરિયાત જ નથી.
હા, આ કામ માટે જરૂરી છે હાથની નસો. મેલુક્સે એવો દાવો કર્યો છે કે તેણે એક એવી ટૅક્નૉલૉજી વિકસાવી છે જે ચહેરા દ્વારા ઓળખની ટૅક્નૉલૉજીથી લાખ ગણી વધુ ચોક્કસ છે. કંપનીએ તેને ઍરવેવ નામ આપ્યું છે.
કંપનીનું કહેવું છે કે આપણાં ચહેરા પર ૮૦થી ૨૮૯ ફીચર બિંદુ છે. તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઍક્સેસ કરે છે. આજની મોટા ભાગની કંપનીઓ તો ફેસ રિકગ્નિશનને વધુ આધારભૂત અને ચોકસાઈવાળી માને છે.
મેલુક્સની આ ટૅક્નૉલૉજી માત્ર ૦.૩ સેકન્ડમાં જ હાથના લાખો માઇક્રી ફીચર બિંદુઓને માપી લે છે. અલ્ટ્રા ઍક્યુરેટ ઑથેન્ટિકેશન અને રીયલ ટાઇમ ઑથરાઇઝેશન માટે સ્કેનર પર હાથ અડાડીને લઈ લો ત્યાં જ તેને સ્કેન કરી લેવામાં આવે છે.
આવી જ એક ટૅક્નૉલૉજી એનઇસી નામની કંપનીએ વિકસાવી છે. તેમાં વિડીયો અને તસવીરોમાં જે વ્યક્તિની પૂર્ણ કદની છબી કેદ થઈ હોય તેને પુનઃ ઓળખે (રીઆઇડેન્ટિફિકેશન) છે. અને તે માત્ર વ્યક્તિની આગળથી જ નહીં, પાછળથી પડાયેલી તસવીર પરથી પણ ઓળખ કરે છે.
ફેસ રિકગ્નિશન ટૅક્નૉલૉજીમાં વ્યક્તિની તસવીર આગળથી પડાયેલી હોવી જરૂરી છે, કારણ કે ચહેરો આગળ છે.
પરંતુ કેટલાંક ગઠીયા એવા હોય છે જે ટૅક્નૉલૉજી જાણતાં હોય છે. તેથી તેઓ પોતાનો ચહેરો સંતાડી દે છે, કે કેમેરામાં આવવા દેતાં નથી. આવા સમયે મદદ આવે છે ઉપરોક્ત ટૅક્નૉલૉજી.
આ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને ઑપરેટરો કોઈ પરિસરમાં કેમેરામાં ઝડપાયેલી તસવીરોમાંથી એ જ વ્યક્તિને શોધી શકે છે. અને આ બહુ ઓછા સમયમાં થાય છે.
આ જ રીતે એક ટૅક્નૉલૉજી, નવાઈ લાગશે કે એવી છે જેમાં કાનની ઓળખનો ઉપયોગ થાય છે. જેમ વ્યક્તિના હાથની આંગળીઓની છાપ અલગઅલગ હોય છે તેમ કાન પણ અલગઅલગ પ્રકારના હોય છે. કહેવાય છે કે એક જ વ્યક્તિના બે કાન પણ સરખાં ન હોઈ શકે. સ્ટાર્ટ અપ ડેસ્કાર્ટેસ બાયૉમેટ્રિક્સે એવી પદ્ધતિ શોધી છે જેમાં વ્યક્તિ સ્માર્ટફૉન પર વાત કરતો હોય ત્યારે સ્વાભાવિક જ તેના કાન ફૉન પર આવે. ગાલ પણ અડે. આ છાપ પરથી તે વ્યક્તિને ઓળખી શકે છે.
હવે આ ન્યામી તો એવી ટૅક્નૉલૉજી શોધી રહી છે જેમાં હૃદયના ધબકારા દ્વારા વ્યક્તિને ઓળખી કાઢે છે. કહેવાય છે કે હૃદય ક્યારેય ખોટું ન બોલે. તો પછી વ્યક્તિની ઓળખ પણ કેવી રીતે છુપાવી શકે? ન્યામી એક એવો રિસ્ટબૅન્ડ વિકસાવી રહી છે જે ઇલેક્ટ્રૉ કાર્ડિયોગ્રામ કાઢે છે. તેનો ઉપયોગ કરીને વ્યક્તિની ઓળખ કરવામાં આવે છે.
હવે આ ટૅક્નૉલૉજીની વાત સાંભળીને હસતાં નહીં. તમારી તશરીફ એટલે કે તમારા નિતંબથી પણ તમારી ઓળખ થઈ શકે છે. તમે કઈ રીતે બેસો છો તે પણ તમારી ઓળખ આપે છે. જાપાનના એન્જિનિયરોની એક ટીમ એવી સંરચના વિકસાવી રહી છે જે વ્યક્તિના નિતંબ પરથી વ્યક્તિને ઓળખી કાઢી શકે. આ સિવાય વ્યક્તિની ગંધ પરથી પણ ઓળખી શકાય તે જાણીતી વાત છે. શ્વાન ટીમ આ રીતે જ અપરાધીઓને પકડતી હોય છે.