સ્માર્ટફૉન ખરેખર સ્માર્ટ છે. તેણે ઘણાં સાધનો ખરીદવાનું બંધ કરાવી આપણો ખર્ચ બચાવી લીધો છે અને એટલે ઘણી વાર એમ થાય કે સ્માર્ટફૉન પાંચ હજારથી પાંત્રીસ હજાર સુધીમાં મળે છે તેમાં ખોટું નથી. તેની કિંમત સામે વસૂલ થાય છે કારણકે તમે કેમેરા, ઘડિયાળ, કેલ્ક્યૂલેટર, કંપાસ (હૉકા યંત્ર), નકશો વગેરે અનેક સાધનો-ચીજો જો અલગ લેવા જાવ તો તમને મોટી કિંમત થાય. અને વળી, આ બધાં સાધનો અલગઅલગ આવે. તમે બહાર જાવ ત્યારે જો આ સાધનો તમારે બેગમાં રાખવાના થાય તો એક બેગ તો આ સાધનોથી જ ભરાઈ જાય.પરંતુ સ્માર્ટફૉન એક જ આવે છે જે ખિસ્સામાં સમાઈ જાય છે અને તેમાં આટલાં સાધનો એક સાથે આવે છે. આ રીતે સ્માર્ટફૉન આશીર્વાદરૂપ છે. પરંતુ…પરંતુ
સ્માર્ટફૉનના કેમેરા વિશે કેટલાક લોકો ફરિયાદ કરે છે અને તે એ તેના ફ્લૅશ વિશે. સ્માર્ટફૉનની કંપનીઓ ગમે તેટલી સારીસારી વાતો તેના કેમેરા વિશે કરે કે આટલા મેગાપિક્સેલ કેમેરા છે, પરંતુ ફ્લૅશ વિશે ફરિયાદ રહે જ છે. તેનું ખરું કારણ એ છે કે તેમાં ફ્લૅશ (ઝબકારો) થતો જ નથી.
આના પરિણામે જે ફૉટા આવે છે તેમાં સાચા રંગો પકડાતા નથી. તેમાં તસવીરો સ્પષ્ટ નથી આવતી.
મોટા ભાગના સ્માર્ટફૉનમાં એલઇડી બલ્બનો ઉપયોગ કરાય છે. તેઓ પ્રમાણમાં તેજસ્વી હોય છે. જ્યારે તમે તસવીર ઝડપવા જાવ ત્યારે તે સીધો તમારી આંખમાં ઝબકે છે. તે વીજળી ઓછી વાપરે છે અને પ્રમાણમાં નાનો પણ આવે છે. પરિણામે મોબાઇલ યંત્રમાં તે બંધ પણ સારી રીતે બેસી જાય છે.
જોકે મોટા ભાગની કેમેરાફ્લૅશમાં મોટા ભાગે ઝૅનોનથી ભરેલી સીલ્ડ ટ્યૂબ હોય છે. ઝૅનોન નિષ્ક્રિય વાયુ છે. આ એક જટિલ પ્રક્રિયા છે. તેના માટે ઉચ્ચ વૉલ્ટેજવાળા કેપેસિટરની જરૂર પડે છે જેથી આયોનાઇઝ્ડ વાયુ છૂટે અને તે ઝડપથી પ્લાઝ્મા સ્થિતિમાં આવી જાય.
પરંપરાગત ફ્લૅશ ટ્યૂબમાંથીઆવતો પ્રકાશ સેકન્ડના બહુ નાના ભાગ માટે જ ટકે છે. ખૂબ જ ઉચ્ચ કક્ષાના પ્રકાશ જેમ કે પ્રૉફિટ બી૨નો ઝબકારો સેકન્ડના ૬૩ હજારમા ભાગ પૂરતો જ ટકે છે. કૉમ્પેક્ટ કેમેરાની ફ્લૅશ સેકન્ડના હજારમાભાગથી ઓછા સમય પૂરતી ટકે છે. આ રીતનો ટૂંકા સમય માટે ટકતો પ્રકાશ તમને ચોકઠા (ફ્રૅમ)માં ઝડપી સારું કામ કરે છે અને તમે જ્યારે તસવીર ઝડપો ત્યારે તમારો હાથ હલવાના કારણે જે ગતિ આવે તેના કારણે તસવીર હલી જવાની (બ્લર) શક્યતા રહે છે તે અટકાવે છે.તમારા સ્માર્ટફૉનમાં એલઇડી પ્રકાશ લાંબા સમયાંતરાલ માટે ચાલુ અને બંધ થાય છે. તેના કારણે તમે જેની તસવીર ઝડપતા હો તેના પર તે પ્રમાણમાં સારો એવો સમય રહે છે. તેના કારણે તસવીર ધૂંધળી આવે છે.
આ તબક્કે, મોટા ભાગના સ્માર્ટફૉન તસવીરની ગુણવત્તા સુધારવા માટે તમે જ્યારેજ્યારે તસવીર ઝડપવા જાવ ત્યારે મલ્ટિઍક્સ્પૉઝર મેજિક કરે છે. હાલના આઈફૉન અને ગૂગલપિક્સેલફૉન જ્યારે તમે ફૉટો પાડો ત્યારે અનેક તસવીરો ઝડપે છે અને તે અનેક તસવીરોનો ડેટા ભેગો કરી એક પૂર્ણ કરાયેલી તસવીર બનાવે છે. ઝૅનોન ફ્લૅશ વધુ ગરમી પેદા કરે છે અને તે વધુ વીજળી (અથવા બેટરી) વાપરે છે. આમ, મોબાઇલ ફૉન માટે આ પણ એક સારો વિકલ્પ નથી.
નબળી ઓનકેમેરા ફ્લૅશની વાત કરીએ તો જ્યારે તે છૂટે છે ત્યારે તે મજબૂત અને ઝડપી રીતે તસવીર જેની પાડવાની છે તેના પર પ્રકાશ ફેંકે છે. આમાં પણ ગતિના કારણે તસવીર ધૂંધળી આવે છે.આઈફૉન જેવા સ્માર્ટફૉનમાં ટિપિકલ એલઇડી સાથે આવતા અકુદરતી બ્લુ ટિંગને હટાવવા પ્રયાસો થયા છે. તે પહેલાં કરતાં સારો વિકલ્પ છે અને તે માટે એપલના ટ્રુટૉનનો આભાર માનવો જોઈએ. તસવીર પાડતી વખતે વાતાવરણમાં રહેલા ઓછા પ્રકાશની સાથે મળતા એવા હૂંફાળા અને શીત રંગવાળા પ્રકાશને તે મિશ્ર કરે છે, પરંતુ તે પણ ઉણો તો ઉતરે જ છે.