અમે એ.સી. લીધું, લ્યોં પેંડા ખાવ!
હવે આવું સાંભળવા નથી મળતું કારણ કે એ.સી. એ ઘણાં લોકો માટે જરૂરિયાત બની ગઈ છે. ગરમી વધતી જાય છે તેથી એ. સી. એટલે કે ઍરકન્ડિશન જરૂરી બની ગયું છે કે પછી ઍરકન્ડિશનોની સંખ્યા વધી રહી છે તેથી ગરમી વધી રહી છે તે કહેવું મુશ્કેલ છે. દિવસે ને દિવસે ગરમી નવા ને નવા રેકૉર્ડ તોડી રહી છે ત્યારે એ. સી.ના ગ્રાહકોની સંખ્યામાં રેકૉર્ડ તૂટી રહ્યાં છે. એ. સી. ના દુકાનદારોને પણ નફો થઈ રહ્યો છે.
જોકે એ વાત પણ સાચી છે કે એ.સી. ઘણી બધી ઊર્જા ખાઈ જાય છે. આથી જ અત્યાર સુધી પર્યાવરણપ્રેમી લોકો માટે એ. સી. ચિંતાનો વિષય હતું. હવે તેમણે ચિંતાની જરૂર નથી. કારણ? એવી આશા જાગી છે કે આ ઊર્જાનો વધુ વપરાશ ઓછો થઈ શકે છે. એટલું જ નહીં, તેનાથી પર્યાવરણને નુકસાનના બદલે ફાયદો થઈ શકે છે.
નવા વિશ્લેષણમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે જો ઍરકન્ડિશનરોનો ઉપયોગ વાતાવરણમાંથી સીધો કાર્બન ડાયૉક્સાઇડ પકડવા માટે કરીને તેને ઈંધણમાં બદલી શકાય છે. આ વિચાર પાછળ હેતુ એ છે કે પુનઃપ્રાપ્ત કરી શકાય તેવી ઊર્જાથી ચાલતાં યંત્રોથી વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડ ઓછો થશે અને પેટ્રૉલ-ડીઝલ, કુદરતી વાયુ અને અન્ય ઈંધણોનો સારો વિકલ્પ મળી શકે છે.
આ રૂપાંતરણ ટૅક્નૉલૉજી વાતાવરણમાંથી કાર્બન ડાયૉક્સાઇડ અને હવામાંથી પાણી ખેંચી લેશે. પછી, વિદ્યુત પ્રવાહથી પાણી હાઇડ્રૉજન અને ઑક્સિજનમાં છૂટું પડશે. છેવટે હાઇડ્રૉજનને પકડેલા કાર્બન ડાયૉક્સાઇડ સાથે મેળવવાથી હાઇડ્રૉકાર્બન ઈંધણ બનાવી શકાશે.
જોકે આ અત્યારે તો સૈદ્ધાંતિક વાત છે પરંતુ કોઈ પણ વાત પહેલાં મગજમાં જ આકાર લેતી હોય છે. તે પછી તેના માટે તેને સાકાર કરવા પ્રયાસો શરૂ થાય છે.
જો આ સિદ્ધાંતની વાત કરીએ તો, તેની પ્રક્રિયાના દરેક પગલાં માટેની ટૅક્નૉલૉજી તો અસ્તિત્વમાં છે જ. એટલે એ નવી બનાવવાની જરૂર નથી. સ્વિત્ઝર્લેન્ડનીક્લાઇમવર્ક્સ, જર્મનીનીસિમેન્સ અને અમેરિકાની ગ્રીન એનર્જી જેવી કંપનીઓ પાસે વ્યાવસાયિકૃત ટૅક્નૉલૉજી છે જે હવામાંથી કાર્બન ડાયૉક્સાઇડ અલગ રીતે ખેંચી શકે છે, પાણીમાંથીહાઇડ્રૉજનને જુદો પાડી શકે છે અને ઈંધણનું નિર્માણ કરી શકે છે. પરંતુ આ બધા ટુકડાઓને એકસાથે મૂકી શકે તે સંપૂર્ણ સિસ્ટમનો અભાવ છે. આ ઘટકો પ્રાપ્ય છે તે હકીકતનો અર્થ થાય છે કે ટૅક્નિકલી એ મુશ્કેલ નહીં હોય કે એ. સી. પ્રણાલિમાં કાર્બન ડાયૉક્સાઇડને પકડવાનું કાર્ય ઉમેરવું.
જો ઍરકન્ડિશનરોને યોગ્ય ટૅક્નૉલૉજીથી સજ્જ કરાય તો સંશોધકોની ગણતરી છે કે જર્મનીમાં નીચાણમાં આવેલા ફ્રેન્કફર્ટ એમ મેઇનમાં આવેલી ફૅર ટાવર નામની જાણીતી ઑફિસ બિલ્ડિંગ દર કલાકે ૫૫૦થી ૧,૧૦૦ પાઉન્ડ પ્રવાહી હાઇડ્રૉકાર્બન ઈંધણ પેદા થઈ શકે અથવા ૨,૨૦૦થી ૪,૪૦૦ ટન દર વર્ષે પેદા થઈ શકે. આ જ ગણતરીને જો આગળ વધારવામાં આવે તો એક અંદાજ પ્રમાણે જર્મનીમાં પાંચ શહેરો સાથે મળીને દર વર્ષે ૨૬ લાખથી ૫૩ લાખ ટન ઈંધણ પેદા થઈ શકે છે. આ ગણતરી આ ટુકડીએ આ વાત જર્નલ નેચર કમ્યૂનિકેશનમાં પ્રકાશિત કરી છે.
લેખકોએ ગણતરી કરી છે કે જર્મનીમાં ત્રણ સૌથી મોટી સુપરમાર્કેટ ચેઇનની કરિયાણાની દુકાનો માટે આવો જ અંદાજ કાઢ્યો છે. તેમણે શોધી કાઢ્યું કે કરિયાણાની દુકાનો વર્ષ દીઠ ૩૮૬ ટન કાર્બન ડાયૉક્સાઇડ પકડી શકે છે અને તેનું રૂપાંતરણ ૩.૩ ટન હાઇડ્રૉકાર્બનમાં કરી શકે છે, જે જર્મનીના ડીઝલના કુલ વપરાશના આઠ ટકા છે.
જ્યારે સંશોધકોએ તેમના અંદાજને એપાર્ટમેન્ટ બિલ્ડિંગ માટે લાગુ કર્યો ત્યારે તેમને જણાયું કે એવું નથી કે મોટી ઈમારતો જ ઈંધણ પેદા કરી શકે છે. નાની ઈમારતો પણ અસરકારક સાબિત થઈ શકે છે. પાંચથી છ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ પ્રતિ કલાક એક પાઉન્ડ કાર્બન ડાયૉક્સાઇડ પકડી શકે છે અને દિવસ દીઠ અંદાજે ૯થી ૧૧ પાઉન્ડમાં રૂપાંતરિત કરી શકે છે.
લેખકોએ સ્વીકાર્યું કે આંકડાઓ એકલ, ખૂબ જ ઔદ્યોગિકરણ પામેલ દેશને દર્શાવે છે અને આ માત્ર સમજવા માટે જ છે. જોકે તેમણે લખ્યું છે કે આ પ્રાથમિક વિશ્લેષણ દર્શાવે છે કે ઍરકન્ડિશનરો હવામાંથી કાર્બન ડાયૉક્સાઇડ પકડીને તેને નોંધપાત્ર માત્રામાં ઈંધણમાં પરિવર્તિત કરી શકે છે.
ભારતના સંશોધકોએ અને ટૅક્નૉલૉજી જાણકારોએ આ બીડું ઝડપી ઈંધણ બનાવી શકે તેવાં ઍરકન્ડિશનરો બનાવવા જોઈએ.