આઈઆઈટી ગાંધીનગર સંસ્થા ખાતે લીલીછમ હરિયાળી વચ્ચે આવેલી છે 2 ડિગ્રી કેફે. આનું સંચાલન કરે છે સુમિતાભ તિવારી. આ કેફે પર્યાવરણ રક્ષણ અંગે જનજાગૃતિના ફેલાવાને અને સાથોસાથ કાર્બન ગેસના વપરાશમાં ઘટાડાને પ્રોત્સાહન આપે છે.
આ કેફેનો અનોખો અભિગમ તેના ઊર્જાના સ્રોત છે. સોલર થર્મલ, બાયોગેસ અને સોલર ફોટોવોલ્ટેક સિસ્ટમ્સનો ઉપયોગ કેફેની રસોઈ બનાવવા અને હીટિંગ જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવે છે. આને લીધે અન્ય ઈંધણ પરની નિર્ભરતા ઓછી થઈ ગઈ છે. તદુપરાંત ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટી ગયું છે.
2 ડિગ્રી કેફે એના નામ મુજબ ગ્લોબલ વોર્મિંગને મહત્તમ બે ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવાના સિદ્ધાંતને અનુસરીને કાર્ય કરે છે.
2 ડિગ્રી કેફેની સસ્ટેનેબલ એનર્જી સિસ્ટમના મુખ્ય ઘટક તરીકે છે સોલર થર્મલ ટેક્નોલોજી. આ કેફે સોલર કલેક્ટર્સનો ઉપયોગ કરે છે જે સૂર્યની ઊર્જાને સીધી ઉષ્ણતામાં જ પરિવર્તિત કરે છે, જ્યારબાદ તેનો ઉપયોગ જુદી જુદી રસોઈ રાંધવા માટે તેમજ હીટિંગની જરૂરિયાત માટે કરવામાં આવે છે. આને કારણે પરંપરાગત ઊર્જા પર કેફેની નિર્ભરતા ઘટી ગઈ છે એટલું જ નહીં, પરંતુ ઊર્જા માટેનો એનો ખર્ચ પણ ઘટી ગયો છે. આમ, આ આર્થિક રીતે અનુકૂળ ઉપાય સાબિત થયો છે.
કેફે હળદર, કાંદા અને ટમેટાંને સૂકવવા માટે સોલર ડ્રાયરનો ઉપયોગ કરે છે, જેથી તેનો ઉપયોગ સેન્ડવિચ અને બર્ગર બનાવવા માટે કરી શકાય. આ રીતે સૂકી કરેલી ચીજોનો વધારે લાંબો સમય સુધી સંગ્રહ કરી શકાય છે. હાલ, અંદાજે 10-15 ટકા જેટલી રસોઈ સોલર કૂકર પર કરવામાં આવે છે. તેઓ દાળ, ચોખા, શાકભાજી, ઈંડા, દૂધ વગેરે જેવી ચીજોને બાફવા માટે સોલર કૂકરનો ઉપયોગ કરે છે. આ કૂકર પર તેલમાં કંઈ તળવાનું હોય તો એ પણ બહુ જ સક્ષમ રીતે અને આસાનીપૂર્વક થાય છે.
2 ડિગ્રી કેફેમાં રીન્યુએબલ ઊર્જાના બીજા સ્રોત તરીકે બાયોગેસનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આઈઆઈટી ગાંધીનગર કેમ્પસમાં જ બાયોગેસ પ્લાન્ટ આવેલો છે જે રસોડામાંથી નીકળતા ઓર્ગેનિક કચરા અને ખોરાકના અવશેષોનું એનેરોબિક ડાઈજેશન નામની પ્રક્રિયા દ્વારા બાયોગેસમાં રૂપાંતર કરે છે. આ બાયોગેસનો ઉપયોગ બાદમાં રસોઈ બનાવવા માટે સ્વચ્છ બળતણ રૂપે કરવામાં આવે છે. આમ તે, પરંપરાગત રાંધણ ગેસનું સ્થાન લે છે અને ઓર્ગેનિક કચરાના વિઘટનથી ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ઘટાડો કરે છે.
કેફે માટે દરરોજ અંદાજે 25 કિલોગ્રામ ખોરાકના અવશેષોનો ઉપયોગ બાયોગેસ ઉત્પાદન માટે કરાય છે. આનાથી આશરે 4 ક્યૂબિક મીટર બાયોગેસ ઉત્પન્ન કરી શકાય છે, જે આશરે બે કિ.ગ્રા. એલપીજી જેટલું થાય. આમ દર મહિને બે એલપીજી સિલિન્ડર અને દર મહિને આશરે 4000 રૂપિયાની બચત થાય છે.
સસ્ટેનેબિલિટી માટે 2 ડિગ્રી કેફની પ્રતિબદ્ધતા તેની ઊર્જા પહેલ સાથે અટકી જતી નથી. કેફે પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓને પણ અપનાવે છે, જેમ કે, બાયોડીગ્રેડેબલ પેકેજિંગનો ઉપયોગ કરે છે, કચરાનું વર્ગીકરણ અને પુનઃવપરાશને પ્રોત્સાહન આપે છે અને સ્થાનિક ખેડૂતોને સહાયરૂપ બનવા સ્થાનિક, ઓર્ગેનિક ઘટકોનું સોર્સિંગ કરે છે. કેફે તેના ગ્રાહકોને સસ્ટેનેબિલિટી વિશે માહિતગાર કરે છે અને એમને પર્યાવરણને અનુકૂળ ટેવો પાડવા પ્રોત્સાહિત કરે છે.
2 ડિગ્રી કેફે ભવિષ્યમાં વીજળી ઉત્પન્ન કરવા માટે સોલર ફોટોવોલ્ટેક ટેક્નોલોજી ઈન્સ્ટોલ કરવાની છે. કેફેની નજીકમાં ઈન્સ્ટોલ કરેલી સૌર પેનલ્સ વિપુલ પ્રમાણમાં મળતા સૂર્યપ્રકાશમાંથી સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરે છે. આ રીન્યુએબલ વીજળીનો ઉપયોગ આશરે 700 વોટના ડીસી ઈન્ડક્શન કૂકરને પાવર પૂરો પાડવા માટે કરાય છે. આનાથી દરરોજ બેથી ત્રણ યુનિટ વીજળીની બચત થાય છે.
ભાત રાંધવા માટે સોલર કૂકરમાં એક કિલોગ્રામ ચોખા બાફવા મૂકવાથી આશરે 200 ગ્રામ કાર્બનનો બચાવ થાય છે. કેફે દરરોજ સોલર કૂકરમાં આશરે 4-5 કિલોગ્રામ ચોખા, એક કિલોગ્રામ દાળ અને બેથી ત્રણ કિલોગ્રામ શાકભાજી રાંધે છે. ટૂંક સમયમાં જ તેઓ સોલર કૂકરનો વધારે ઉપયોગ કરવાના છે અને 50 ટકા જેટલી રસોઈ રીન્યૂએબલ એનર્જી સાધનો વડે રાંધશે.