ચંદ્ર ગ્રહ પર ભારત તેના દ્વિતીય અવકાશી સંશોધન સાહસના રૂપમાં ‘ચંદ્રયાન-2’ સ્પેસક્રાફ્ટને સોમવાર, 15 જુલાઈએ વહેલી સવારે અવકાશમાં લોન્ચ કરવાનું હતું, પરંતુ લોન્ચ વેહિકલ અથવા રોકેટમાં છેલ્લી ઘડીએ કોઈક ખરાબી ઊભી થવાથી રોકેટનું અને તે સાથે ચંદ્રયાન-2નું લોન્ચ સસ્પેન્ડ રાખવામાં આવ્યું છે. નવી તારીખની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
તે છતાં ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના મહત્ત્વાકાંક્ષી મૂન-મિશન એવા ચંદ્રયાન-2 વિશે જાણકારી મેળવી લઈએ.
આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં આવેલા શ્રીહરિકોટાસ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરમાંથી 15 જુલાઈ, સોમવારે વહેલી સવારે 2.51 વાગ્યે જીએસએલવી રોકેટ દ્વારા ‘ચંદ્રયાન-2’ને અવકાશમાં મોકલવામાં આવનાર હતું. હવે એ મિશન નવી તારીખે પાર પાડવામાં આવશે. 2008માં ભારતે ચંદ્રમાની ધરતીના સંશોધન માટે તેની પર ‘ચંદ્રયાન-1’ મોકલ્યું હતું. હવે એના 10 વર્ષ બાદ ભારત ચંદ્ર પર પાછું ફરવા માટે સજ્જ થયું છે. આ વખતે ભારતનું યાન ‘ચંદ્રયાન-2’ ચંદ્રની એ સપાટી પર ઉતરશે જ્યાં ખૂબ હોવાની અને કાતિલ ઠંડી હોવાની ધારણા છે, એટલે કે દક્ષિણી ધ્રુવ.
ચંદ્રમા પર ‘ચંદ્રયાન-2’ જ્યાં લેન્ડ કરવાનું છે તે સ્થળ પર પ્રાચીન ખડકો હોવાની ધારણા છે. ‘ચંદ્રયાન-2’ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર લગભગ બે મહિનામાં પૂરું કરશે. તે ચંદ્રની ધરતી પર ઉતરશે અને છ-પૈડાંવાળા રોવરને ત્યાં તહેનાત કરશે.
‘ચંદ્રયાન-2’ને બાહુબલી નામથી જાણીતા એવા શક્તિશાળી રોકેટ GSLV-MK3 દ્વારા ચંદ્ર પર રવાના કરવામાં આવશે.
આ મિશન દ્વારા ભારત દેશ દુનિયાના દેશોને અવકાશવિજ્ઞાન અને અવકાશ સંશોધન ક્ષેત્રમાં પોતાની શક્તિ, સામર્થ્ય અને આવડતનો પરચો બતાવી દેશે.
‘ચંદ્રયાન-2’ ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં ઉતરશે. એ જગ્યાએ દુનિયાનો એકેય દેશ હજી સુધી પહોંચી શક્યો નથી, ત્યાં ભારત પહોંચશે. એ જગ્યાએથી ચંદ્રની ધરતી વિશે માનવજાતના સમજ અને જ્ઞાનને સુધારવામાં મદદરૂપ થવાનો ભારતનો ઉદ્દેશ્ય રહેશે. એને પગલે ચંદ્ર પર કંઈક નવી શોધ કરી શકાશે જેનો લાભ ભારત ઉપરાંત સમગ્ર વિશ્વના માનવજીવનને મળશે.
‘ચંદ્રયાન-2’ ત્રણ તબક્કામાં બનાવવામાં આવ્યું છે. આ યાનનું સમગ્ર વજન 3,850 કિલોગ્રામ છે. આ યાનમાં ઓર્બિટર, લેન્ડર અને રોવર સામેલ છે.
ચંદ્રયાન-2 સાથેનું રોકેટ GSLV-MK III સતીષ ધવન સેન્ટર ખાતેથી અવકાશ ભણી રવાના થયા બાદ લગભગ 16 મિનિટ બાદ ચંદ્રયાન-2ને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરી દેશે.
ભારતનું ચંદ્રયાન-1 મિશન સફળ રહ્યું હતું. એના 11 વર્ષ બાદ ઈસરો સંસ્થા હવે રૂ. 978 કરોડના ખર્ચે બનાવેલા ‘ચંદ્રયાન-2’ને મોકલશે. આ યાન સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત છે. એને ચંદ્રમા પર પહોંચતા 54 દિવસ લાગશે. ‘ચંદ્રયાન-2’ને અવકાશમાં મોકલવા માટેનું કાઉન્ટડાઉન રવિવારે સવારે 6.51 મિનિટે શરૂ કરવામાં આવ્યું હતું.
ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત ચોથો દેશ બનશે
‘ચંદ્રયાન-2’ને ઈસરો સંસ્થાના અત્યાર સુધીના સૌથી જટિલ અને સૌથી પ્રતિષ્ઠિત મિશન તરીકે ગણવામાં આવે છે. ચંદ્ર પર લેન્ડિંગ કરવામાં અમેરિકા પહેલો દેશ બન્યો હતો, પરંતુ ચંદ્રની દક્ષિણી બાજુએ સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બનશે.
‘ચંદ્રયાન-2’ની સફળતા સાથે જ ભારત ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર દુનિયાનો માત્ર ચોથો જ દેશ બનશે. અન્ય ત્રણ દેશ છે – રશિયા, અમેરિકા અને ચીન.
ઈસરોના ચેરમેન કે. સિવને ‘ચંદ્રયાન-2’ની સફળતા માટે શનિવારે તિરુમાલા સ્થિત તિરુપતિ મંદિરમાં જઈને ભગવાન વેંકટેશ્વરનાં દર્શન કર્યા હતા અને એમના આશીર્વાદ માગ્યા હતા.
સોફ્ટ લેન્ડિંગ બહુ જટિલ હોય છે
ભારતના અવકાશ સંશોધન કાર્યક્રમમાં ‘ચંદ્રયાન-2’ મિશન સૌથી મોટી છલાંગ સમાન છે, કારણ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડિંગ આ પહેલાં કોઈ પણ દેશે કર્યું નથી. ભારત પહેલો દેશ બનશે. સોફ્ટ લેન્ડિંગ અત્યંત જટિલ હોય છે અને એ વખતે આશરે 15 મિનિટનો સમય ખૂબ જોખમી રહે છે.
ભારતે 2008માં ચંદ્રયાન-1 મિશન સાથે ચંદ્ર ગ્રહ પર સંશોધનનો શુભારંભ કર્યો હતો. અવકાશ સંશોધન ક્ષેત્રમાં ભારતની એ પહેલી મોટી છલાંગ હતી. ચંદ્રયાન-1 યાને ચંદ્રમાનું પરિભ્રમણ કર્યું હતું અને ચંદ્રની ધરતી પર અને તેની નીચે પાણી હોવાનો પુરાવો ઈસરો સંસ્થા ખાતે બીમ્ડ કર્યો હતો. ચંદ્રયાન-1ની તે શોધે ખગોળવિજ્ઞાનની ઉત્સૂક્તાને નવું જીવન મળ્યું હતું.
ચંદ્રયાન-1 બે વર્ષના મિશન પર હતું, પરંતુ ચંદ્ર પર ઉતર્યાના 10 મહિના બાદ એ અચાનક શાંત પડી ગયું હતું. એ સાથે જ તે દ્વારા ચંદ્રની ધરતી પરના સંશોધનકાર્યનો અંત આવી ગયો હતો. ઈસરોના તે વખતના ચેરમેન જી. માધવન નાયરે ત્યારે એવો દાવો કર્યો હતો કે મિશન 95 ટકા સફળ રહ્યું છે, બાદમાં સંસ્થાએ સફળતાની ટકાવારી વધારીને 110 કરી હતી.