લોકડાઉન ડાયરીઃ ખમીરથી છલોછલ છે પાનાં…

લૉકડાઉન છે… ખમીર ડાઉન નથી!

દેશભરમાં કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા 24 માર્ચ, 2020ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના પહેલા લૉકડાઉનની જાહેરાત કરી એના છ મહિના નિમિત્તે સદા અગ્રસર સાપ્તાહિક ‘ચિત્રલેખા’એ એક પહેલ કરી- લૉકડાઉનમાં થયેલા સકારાત્મક અનુભવો, લાગણીનીતરતા પ્રસંગો શૅર કરવાનું વાચકોને ઈજન દીધું…

અને ગણતરીના સમયમાં જ ‘ચિત્રલેખા’ના વૉટ્સઍપનંબર તથા ઈ-મેલના ઈનબૉક્સમાં લખાણનાં ઘોડાપૂર ઊમટ્યાં. હવે, ‘ચિત્રલેખા’ના અંકોમાં આ ચૂંટેલાં લખાણ પ્રસિદ્ધ થઇ રહયા છે ત્યારે અમુક કારણસર ‘ચિત્રલેખા’ સામયિકમાં જેનો સમાવેશ કરી શકાયો નથી એવાં કેટલાંક ચૂંટેલાં લખાણને અહીં પ્રકાશિત કરી રહયા છીએ. 

-અને હા, ‘ચિત્રલેખા’ ને એટલી બધી અધધધ સંખ્યામાં લખાણો મળ્યાં છે કે એ બધાનો સમાવેશ એક જ સાથે કરવાનું થોડું અઘરૂં છે એટલે આવતા અઠવાડિયે ફરી મળીશું બીજાં કેટલાંક ચૂંટેલા લખાણો સાથે. ત્યાં સુધી વાંચો…

(1) આપત્તિ કે નવસર્જનની ઘડી?
(અજય મો. નાયક)2020નો પ્રારંભ અત્યાર સુધીનાં વર્ષો કરતાં અલગ રીતે થયો. 2020 માટે ઘણાએ જાતજાતનાં સપનાં જોયા હશે, તેને સાકાર કરવાનાં આયોજન કર્યાં હશે, પણ વર્ષનો પ્રથમ ત્રૈમાસિક ગાળો પૂરો થાય એ પહેલાં જ તેની પર પાણી ફરી વળ્યું. કોરોના નામના રોગે વિશ્વ ભરમાં ભરડો લીધો. કહેવાતા વિકસિત દેશોની પોલ ખૂલી ગઈ. ભારત આટલો મોટો દેશ અને વિકસિત દેશોની સરખામણીએ તદ્દન ગમાર દેશ. છતાં અહીં પરિસ્થિતિ ઘણી કાબૂમાં છે. ટીકા કરનારા તો ટીકા જ કરશે, પણ જમીની હકીકતનો કોઈ ઈનકાર કરી શકે નહીં.મૂળ તો આપણે આસ્થાળુ પ્રજા છીએ. ઈશ્વર કે અન્ય કોઈ શક્તિ પર આપણને ભરોસો હોય છે. આ એક પ્રકારનું બળ છે. બીજું,  આપણા પૌરાણિક ગ્રંથો. દરેક ભારતીય તેના જીવન દરમિયાન ગમે ત્યારે તેનો અભ્યાસ કરે છે, જે સમય આવે કામ લાગે છે. ત્રીજું,  આપણી કૌટુંબિક ભાવના. આનાથી વ્યક્તિને પોતાની સમસ્યાનો સામનો કરવામાં મદદ મળે છે. યુરોપ-અમેરિકાની વાત કરીએ તો ત્યાં વ્યક્તિ પોતાની રીતે પોતાની લડાઈ લડે છે એટલે ત્યાં સ્થિતિ વધુ વિકટ છે.કોરોનાને કારણે હવે પછી દરેકના જીવનમાં થોડાઘણા અંશે પરિવર્તન આવવાનું છે. જીવન પ્રત્યેનો અભિગમ પણ બદલાઈ જશે, બદલાઈ ગયો છે. આપણા પૌરાણિક ગ્રંથોમાં સમુદ્રમંથનની ઘટનાનો ઉલ્લેખ છે. બસ, આ આધુનિક સમુદ્રમંથન છે, જેની અસર વર્ષો સુધી રહેશે. આ મંથનમાંથી સારી વસ્તુ સ્વીકારીને અનિષ્ટનો ત્યાગ કરવો એ શીખ છે. ઈશ્વરે આ એક તક આપી છે. હવે આપણા પર છે કે તેને કેવી રીતે ઝડપી લઈએ.

 


(2) અદ્શ્ય વાઈરસે માણસાઈ ઉજાગર કરી….
(કલ્પના ત્રિવેદી, સુરેન્દ્રનગર) લૉકડાઉનની શરૂઆતમાં ગમતું હતું કે પરિવાર સાથે ખાઈ-પી ને આનંદ કરીએ છીએ, પણ બે અઠવાડિયાં બાદ એક માનસિક પ્રવાસ શરૂ થયો કે જે લોકો રોજનું લાવી રોજ ખાય છે એના કોળિયા છીનવાઈ ગયા છે… અને મનમાં એક ઝણઝણાટી થઈ કે આવા પરિવારનું શું? ઘણી સેવાભાવી સંસ્થા એમની ફરજ બજાવતી હતી. અમારા ઘરની બાજુમાં જ રોજ રસોઈની સુગંધ આવે. તપાસ કરી તો છ યુવાનો પોતાની આવકમાંથી રોજ સવારસાંજ જાતે રસોઈ બનાવી, પૅકેટ તૈયાર કરી આવા નિરાધાર પરિવારને પહોંચાડે છે. હૈયું ગદગદ થઈ ગયું. હું નિવૃત્ત પ્રિન્સિપાલ છું. શારીરિક રીતે ખાસ કામ ન આવી શકું એટલે મેં એ યુવાનોને આર્થિક સહાય કરી. પછી તો જાતે જ વૃદ્ધ મહિલાઓ માટે રાશન કિટ બનાવી ઘેર ઘેર પહોંચાડી. આવનારા દિવસોમાં હજુ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડશે એ વિચારી અન્ય એન.જી.ઓ.સાથે સહકારથી કામ કર્યું. એક માજીને દરરોજ કૂતરાને ખવડાવતાં જોયાં એમની સાથે વાત કરી તો એ કહેઃ ‘આપણે એકાદ ટંક ન ખાઈએ તો ચાલશે, પણ આ અબોલ પશુ કોને કહેવા જાશે? હું રોટલા ઉઘરાવી એમને ખવડાવું છું…’ અને મારાં અંતરમાં ઝણઝણાટી થઈ કે આવી અનુકંપાથી જ દુનિયા ટકી રહી છે.ખરો કપરો કાળ મારા માટે શરૂ થયો કે મારા પતિનો જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, આટલું ઓછું હોય એમ અમારી આખી સોસાઈટી ને કંટેન્ટમેન્ટ ઝોનમાં મૂકી. ન બહાર જઈ શકાય કે ન કોઈ ઘરે આવી શકે. રડીને દિવસ પસાર કરવાના, પણ આવા વિપરીત સંજોગોમાં મૈત્રીનું ઉદાહરણ મારી સખી મમતા દવે, સોનલ દવે, અલકાબેન દેવમોરારીએ પૂરું પાડ્યું. સાથે ડૉક્ટર નરેન્દ્રભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ સારવાર શરૂ કરી. ભૂતપૂર્વ વિધાનસભ્ય વર્ષાબેન દોશીએ પણ ખૂબ સહકાર અને હિંમત પૂરાં પાડ્યાં. છ જ દિવસમાં સારું થઈ ગયું. અકળાવી દેનારા દિવસોમાં કોરોના વૉરિયર્સ ભાઈ નરેન્દ્ર, પુત્ર નિકીત, બહેન નિકીતા, ઘરના સર્વેએ અચાનક આવી પડેલી આપદામાં મારું જોમ તૂટવા ન દીધું, એક અનેરી હૂંફ આપી.
ઘણા બાળકોને મદદ કરી એમના સ્મિત માં ઇશ્વર ના દર્શન કર્યા. કેટલો વિષાદ અનુભવ્યો, પણ સાથે સાથે એક આસ્થા નો પ્રકાશ પણ મળ્યો. સકારાત્મક અભિગમની જીત થશે જ. બાપદાદા કરકસરના પાઠ ભણાવતા, પણ આ અદ્શ્ય વાઈરસે માણસને સાચવવાની રીત સમજાવી.

 


(3) ઑલ ઈઝ વેલ
(જયસુખ ઓઝા, વડોદરા) હું 88 વર્ષનો યુવાન છું. જણાવતાં આનંદ થાય છે કે લૉકડાઉનમાં નાની નાની તકલીફમાં ડૉક્ટર પાસે જવાની આદત હતી, પણ સંજોગોએ ઘરગથ્થુ ઉપાય કર્યા તો ફરી તાજામાજા થઈ ગયાં. જેમ કે, 1. છાતીમાં કફ ભરાયો. તો તાવડી પર ગરમ ગોટાનો શેક કર્યો અને ચમત્કારિક ફાયદો થયો. 2. કાનમાં દુખાવો થયો તો લસણને કકડાવી તેલનાં ટીપાં નાખી દુખાવો મટાડી દીધો. 3. ઘરમાં રહેવાથી અને હલનચલન ઓછું થવાથી પગ જકડાઈ ગયા. નબળાઇ વર્તાવા લાગી, ચાલતાં થાક લાગવા માંડ્યો. આનો પણ ઉપાય મળ્યોઃ બે પગ ભેગા કરી તેના પર તકિયો મૂકી, પગને ઉપર નીચે કરવાની કસરત દિવસમાં બે વાર કરી તો થોડા જ દિવસમાં પગ છૂટા થઈ ગયા, ખૂબ રાહત મળી. હવે ઘરમાં છૂટથી હરફર કરું છું. બલકે ચાલવાનું ગમવા લાગ્યું. 4. રોજ સવારે ગરમ પાણીમાં મીઠું નાંખી કોગળા કરવાનો નિયમ બનાવ્યો. ગોળ-સૂંઠ-ઘીનાં સૂંઠાલુની એક ગોળી રોજ ખાવાનું રાખ્યું. આમ, થોડા ઘરગથ્થુ ઉપાયથી તંદુરસ્ત રહેવાનો પ્રયત્ન કર્યો.કોરોનાકાળે એક વાત યાદ કરાવી ને નવી પેઢીને શીખડાવી કે પહેલું સુખ તે જાતે નર્યા. અમારી પેઢીએ તો જાતમહેનત કરી શરીર કેળવ્યું તો ખત્તા ઓછી પડે છે. મન અને તન ને ગાઢ સંબંધ છે. મનથી સ્વસ્થ રહી હકારાત્મક અભિગમ અને વલણ કેળવી ખોટા તણાવ ને દૂર કરવો.ખોટી દોડાદોડી, દેખાદેખી ને છોડવી, દ્વેષભાવથી મુક્ત થવાથી ખૂબ રાહત રહે છે. કોરોનાથી ડરવાની જરૂર નથી. થોડી સાવચેતી લેવાથી જાતને બચાવી શકાશે.બસ તો, ઘરના સભ્યો સાથે ઇસ્ટો અને પત્તાં રમી સમય સારો પસાર થાય છે. નાનાં બાળકો સાથે સાપસીડીની રમત સાથે દાદાની વાતો અને જ્ઞાન તો ખરાં જ. ભગવાનની મહેર છેઃ ઑલ ઈઝ વેલ.

 


(4) સરસ્વતીની અવિરત આરાધના…
(ઐલેશ શુક્લ, સુરત)લૉકડાઉન શરૂ થયું ત્યારે પ્રાથમિકતા ઘરમાં રોજીંદો સામાન ભરવાની હતી, કારણ કે વર્ષો પહેલાં ચિત્રલેખામાં પત્રકાર હતો ત્યારે હુલ્લડ, કરફ્યુ, પ્લેગ, ૧૯૯૮, ૨૦૦૬નાં તાપીમાં આવેલાં પૂરને કારણે સમયે સૂમસામ શહેરમાં ચૂપ થઈ ગયેલી દુકાનોને કારણે હાડમારીનો અનુભવ થઈ ગયો હતો. થોડા નિયમોનું પાલન કરીને બધું ભેગું કરી લીધું.હવે શું? ત્યાં જ ઝબકારો થયો. સરસ્વતીની ઉપાસના કરીએ તો? મારું 500 પાનાંનું, તાપી નદીની પરિક્રમા કરીને લખેલું પુસ્તક ‘તાપી પુરાણ’ જુલાઈ ૨૦૧૯માં પ્રસિદ્ધ થયું હતું. બીજાં રાજ્યના વાચકો, ખાસ તો મધ્ય પ્રદેશ ને મહારાષ્ટ્રમાંથી વહીને આવતી તાપી-ભક્તો માટે તેનું હિન્દી કરવાનું બાકી હતું. લૉકડાઉનમાં એક પરપ્રાંતી યુવતી સુરતમાં અટકી પડેલી. એણે હિન્દી આવૃત્તિ ટાઈપ કરી પ્રૂફ તપાસી આપ્યાં. બે મહિનામાં એ કામ પૂરું થયું.-પણ લૉકડાઉન લંબાતું જતું હતું. હવે શું કરવું ? વળી એક બીજું પુસ્તક. ગુજરાત – રાજસ્થાનમાં એક હત્યાકાંડ થયેલો. તેનું ફેબ્રુઆરી 2020 માં જ રિપોર્ટિંગ કરી આવેલો. તે કામ શરૂ કર્યું. 250 પાનાનું એ પુસ્તક પૂરું કર્યું. એ પછી, વરસ પહેલા જ આખું UK ફરી આવેલો. તો એ પ્રવાસકથાનું પુસ્તક લખી નાખ્યું. આમ છ મહિનામાં ત્રણ પુસ્તક તૈયાર કર્યાં. 200 દિવસમાં 1000 કરતાં થોડાં વધુ પાનાંનાં ત્રણ પુસ્તક પ્રસિદ્ધિ માટે તૈયાર છે.
આભાર કોરોના, આભાર લૉકડાઉન.

 

(5) રામ રાખે તેમ રહીએ ઓધવજી…
(ડૉ. વિનોદ શાહ, સુરત)અમારે મે મહિનામાં અમેરિકા દીકરાને ત્યાં જવાનું હતું – ૬ મહિના પહેલાં ટિકિટ લેવાઈ હતી. અલાસ્કા જવાનો પ્લાન બનાવેલો. દીકરી પણ અમેરિકા છે એટલે સાથે દોહીત્રને મળવાના વિચારે ખૂબ જ આનંદ હતો. પરંતુ એકાએક આનંદ પર રોક લાગી.કોરોનાને લીધે શુભેચ્છકોની બહાર જવાની સ્પષ્ટના હોવા છતાં તબીબ માંહ્યલો ૪ મહિના કલિનિક પર સવાર-સાંજ જતો. જોખમ હતું, છતાં વિઝિટે જતો. તબીબી ક્ષેત્રમાં હેવાથી ફરજનો સંતોષ રહેતો, પણ સ્વાસ્થ્ય માટે એક નિયમ બનાવ્યોઃ દરરોજ થોડું ચાલવાનું રાખવું. લગભગ ૩૩૫ દિવસ થવા આવ્યા છે, પણ જણાવતાં આનંદ થાય છે કે નિયમ પાળ્યો ને ચાલતાં ચાલતાં જાત સાથે વાત કરવાનો દરરોજનો મોકો મળ્યો. વિચારતો રહ્યો, જાત સાથે વાત કરતો રહ્યો. દર્દી તપાસવા એ મારી ફરજ છે એ ભાવનાએ મને સતત જાગ્રત રાખ્યો, આ વૈશ્વિક મહામારીમાં ૩ મહિના જરૂરિયાતમંદોને વિનામૂલ્યે દવા આપી.આ દરમિયાન એવો પણ સવાલ થયો, નિરીક્ષણ કર્યું કે કોરોનાથી ખરેખર તો લોકો ખોટી રીતે મરી રહ્યા છે. આ વાસ્તવિકતાએ સૌને ખરેખર વિચારતા કરી દીધા. વિચારમાં ને વિચારમાં મને એક સૂત્ર મળી ગયું, જેણે મારો ડર, ભય ઓછો કરી દીધોઃ રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ. ઢોળાયેલા દૂધ પર અફસોસ કરવાનો છોડી, જાત સાથે વાત કરવાનું ચાલુ કર્યું. આમ જિંદગી પ્રત્યે સતત સકારાત્મક અભિગમ- સમાજ અને દેશ તરફ ફરજની તબીબ ભાવનાની સાથે લોકોના અઢળક પ્રેમે મને કોરોનાની મહામારીમાં સતત દોડતો રાખ્યો.

 


(6) ધોળા વસ્ત્રમાં દેવદૂત…
(દિલીપ વી. ઘાસવાળા, સુરત) જૅનીબહેન જેવા સોસાયટીમાં દાખલ થયાં કે તરત જ લોકોએ ગુસપુસ કરવા માંડી. જૅનીબહેનને આશ્ચર્ય થયું કે લોકો કેમ એમને આવી વિચિત્ર નજરે જુએ છે? માસ્ક હટાવી એ ચૂપચાપ દાદર ચડવા લાગ્યાં ત્યાં એમના કાને ગણગણાટ સાંભળ્યોઃ
“તમે કહો, જગદીશભાઈ…”
“ના…ના, તમે જ કહો વિનોદભાઈ. તમે પ્રમુખ છો. આખા એપાર્ટમેન્ટમાં ચેપ લગાવશે…”
એટલે જૅનીબહેને સવાલ કર્યોઃ “કેમ કોઈ કોઈ માંદું છે? દવાની જરૂર છે?”
એમનો સવાલ સાંભળી સોસાયટીના પ્રમુખ વિનોદભાઈએ કહ્યુઃ “જુઓ જૅનીબહેન, તમે નર્સ છો અને સિવિલમાં ચેપી રોગના વોર્ડમાં કામ કરો છો. તો બધાં એવું કહે છે કે તમે થોડા દિવસ બીજે રહેવા જતાં રહો. માફ કરજો, પણ  અમે આ નિર્ણય લીધો છે.”જૅનીબહેને ગુસ્સાને માંડ કાબૂમાં રાખ્યોઃ ‘આ શું કહો છો તમે? તમારા જાન માટે હું સોળ કલાક કામ કરું છું ને તમે મને કાઢી મૂકો છો? હજી ગયા એઠવાડિયે તો તમે થાળી-ઘંટ વગાડી અમારો આભાર માન્યો…’અરે આ શું કહો છો તમે? હું બીજે જાઉં? અરે તમે ઘરમાં શાંતિથી સલામત રહો એટલે હું સોળ કલાક તમારા ભલા માટે કામ કરું છું અને તમે મને બહાર જવાનું કહો છો. અરે ગયા રવિવારે તો તમે થાળી ઘંટડી વગાડી અમારો આભાર માન્યો અને આજે? પણ જવા દો આ બધું મારે તમને ન કહેવું જોઈએ. હું મારા દીકરા સાથે નર્સ ક્વાર્ટરમાં ચાલી જઈશ.’

ત્યાં તો જગદીશભાઈના ઘરેથી જ ચીસ પડીઃ જલદી આવો, બાને હાંફ ચડી છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, ડોકટર ને બોલાવો. આ સાંભળી જૅનીબહેને પહેલાં તો કૉલ કરી 108 બોલાવી. પછી ટોળાને ચીરતાં એ જગદીશભાઈને ત્યાં ધસી ગયાં. બાને કૃત્રિમ શ્વાસ આપવાનું અને હૃદયને પંપિંગ કરવાનું ચાલુ કર્યું. ત્યાં તો એમ્બ્યુલન્સ આવી એમને હૉસ્પિટલ લઈ ગઈ. સિવિલના ડૉકટરે કહ્યું કે પ્રાથમિક સારવારે જ એમનો જીવ બચાવ્યો છે. આભાર સિસ્ટર જૅનીબહેન તમે આજે વધુ એક જિંદગી બચાવી.”

જૅનીબહેને કહ્યું, આભાર તો ઈશ્વરનો માનો, હું તો કેવળ એમના આદેશનું પાલન કરું છું, અને હા, ડૉકટર, મારે આજથી અહીં જ રહેવું છે. લોકોને મારો ડર લાગે છે કે ક્યાંક એમને
કોરોના ન થઈ જાય… એટલે હવે મારે અહીં રહીને જ સેવા કરવી છે.” તરત જગદીશભાઈએ કહ્યુઃ “અમારી મોટી ભૂલ થઈ ગઈ. મેં જ લોકોને ઉશ્કેરેલા કે તમે અમારી

સાથે રહેશો તો બધાને કોરોના થશે. મને માફ કરો. તમે તો દેવદૂત છો. તમે અમારી સાથે પાછાં ચાલો. -અને જૅનીબહેન પરત સોસાયટીમાં ફર્યાં એટલે ફ્લૅટવાસીઓએ ફરીથી તાળી પાડીને એમને વધાવી લીધાં.

 


(7) આત્મસંતોષનો ઓડકાર…
(દેવશી મોઢવાડિયા, પોરબંદર) પહેલા અને બીજા લોકડાઉનમાં વહીવટી તંત્રની કડકાઈ અને કોરોનાગ્રસ્ત બની જવાના ભયને કારણે ગરીબથી લઈને તવંગર સુધી સુધી સૌ પોતપોતાનાં ઘરમાં કેદ થઇ ગયા હતા. એ વખતે અમે ભૂખ્યા જનોને રાશન કિટ પહોચાડતાં તથા કોરોના વૉરિયર્સ તરીકે ફરજ બજાવતા વહીવટી તંત્ર અને પોલીસને ચા-પાણી પહોચાડવાનું કામ કરતાં. હતા. એક સાંજે અજાણ્યાં બહેનનો ફોન આવ્યો કે અમારા પડોશમાં અમુક પરિવારોનાં ઘરમાં રાશન ખૂટી ગયું છે અને ભૂખ્યા સૂવાની નોબત આવી છે. અત્યાર સુધી અમે મદદ કરી પણ અમારી પણ મર્યાદા છે. તમે એમને રાશનની કિટ પહોચાડો તો તમારી મહેરબાની.અમારી પાસે બહાર જવાનો પાસ હતો એટલે એ જ સમયે આપેલા સરનામે જઈ તપાસ કરી તો સાચે જ રેંકડી લઈને ભંગાર લે-વેચનો ધંધો કરતા ચાર-પાંચ પરિવારોના ઘરમાં ૨-૩ દિવસ ચાલે તેટલું અનાજ સુદ્ધાં નહોતું. અમે મોડી સાંજે ગયા ત્યારે દીવાના અજવાળે પાણી સાથે રોટલી ખાઈ ને બધા સૂઈ જવાની તૈયારી કરતા હતા. એનું ઝૂપડું દરીદ્રતાની સાક્ષી પૂરતું હતું. અમે એ જ રાત્રે એમને મહિનો ચાલે તેટલી રાશનની કિટ, જે અમને દાતાઓએ આપી હતી તે પાંચેય પરિવારને પહોચાડી ત્યારે તેમની આંખમાંથી નજરે પડતો અહોભાવ અને જઠરાગ્નિ ઠારવાની ઉપાધિ હળવી થઇ ગયાનો આત્મસંતોષ આછા અંજવાળામાં નજરે પડ્યો એ જીવનભર નહિ ભુલાય. કોરોનાએ એક બોધપાઠ આપ્યો કે અન્નનું મહત્વ શું છે જીવનમાં… હવે અન્નનો એક દાણો પણ બગાડતાં કાળજું ચિરાઈ જશે.

 


(8) હ્રદયને ઝંકૃત કરતી અંતરમનની યાત્રા…
(નીતિન એચ. સાવડિયા, ભાવનગર) સ્વભાવે હું વર્કોહોલિક. ઘરકામ હોય, ઑફિસવર્ક હોય કે પછી હોય સમાજસેવા. દરેક કાર્ય પૂરી નિષ્ઠાથી નિભાવવાનો ભાવ. એ હદે કે ખુદ પરેશાની વેઠવી પડે કે અંગત સ્વજન ને કે પરિવારને તકલીફ ભલે પડે, પણ અન્યના ભલાનો પહેલા વિચાર.લૉક્ડાઉનની શરૂઆત. બે-પાંચ દિવસો તો આરામમાં જ ગયા, પણ પછી સતત કાર્યરત રહેવાની ટેવ લૉકડાઉન જેલની સજા જેવું લાગવા માંડ્યું. દિવસો વીતતા ગયા. આખો દિવસ પરિવારના સભ્યો સાથે ને સાથે. એ હળવી પળોનો આનંદ ગમવા લાગ્યો. કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિ વગર, નિરાંત મને, પરિવાર સાથે સમય વિતાવવો- જાણે રોજ પિકનિક. સાથે રહ્યાનો સૌને આનંદ મારા અંતરમનને પરિતૃપ્ત કરી રહ્યો હતો. ઘરના દરેક સભ્યોની પસંદ-નાપસંદની સૌને પરવા, અન્યોન્યની ખુશીની ચાહ જીવનને નવાં કલેવર આપી રહ્યું હતું. પરિવારની આત્મીયતા મને ભીતરથી ભીંજવી રહી હતી. પરિવારે મને પ્રતીતી કરાવી કે મારી હાજરી, મેં તેમને આપેલો સમય તેઓ માટે કેટલો મૂલ્યવાન છે…!!મને થયું, આ ખુશી, સંતોષ એમને પહેલાં કેમ ન આપી શક્યો? પરિવારને ખુશ રાખવાની મારી પ્રાથમિક ફરજ હું ચૂક્યો હતો. તેમની ઈચ્છા, તેમનાં સપનાં, તેમના હિસ્સાના સમયના ભોગે અન્ય જગ્યાએ નિષ્ઠાપૂર્વક કામ કરી આત્મગૌરવ પામવાના મારા સ્વાર્થનું મને ભાન થયું. અન્યો પ્રત્યેની નિશ્વાર્થ સેવાઓ ખરી, પણ પરિવાર પ્રત્યેની પ્રાથમિક જવાબદારીઓની ઉપેક્ષાનો દ્રોહ મને અંદરથી કોરે છે.

-પણ હવે નહી. લૉકડાઉને મને શિક્ષિત કર્યો, મારી ફરજોનું મને ભાન કરાવ્યું. આ નવું સમયપત્રક મારા અંતરમનને અને મારા પરિવારને અનન્ય ખુશી આપે છે. આ આનંદ આહ્લાદક છે.! થેંક્યુ લૉકડાઉન.

 


(9) લૉકડાઉને માનસિક તાળાં ખોલી નાખ્યાં…
(બિંદિયા ભોજક, અમદાવાદ) લૉકડાઉનમાં સેવાસંસ્થાઓ દ્વારા ગરીબોને આપવામાં આવતાં ભોજનમાં સવાર-સાંજ રોટલી વણી, પૅકને પહોંચતી કરવાનો આત્મીય આનંદ મળ્યો. ઘરની આજુબાજુ જીવતાં પ્રાણીઓ, પક્ષીઓ માટે ખોરાક અને પાણી મળે એની કાળજી રાખવામાં પણ અદભુત આત્મીય આનંદ મળ્યો. કામવાળાં બહેનને કામ પર ન આવાનું હોવા છતાં જ્યારે 3 મહિનાનો પગાર તથા ઘર માટે જરૂરી અનાજ, તેલ, નાસ્તા વગેરે આપ્યાં ત્યારે એમની ભીની આંખો ને ચહેરા પરના સ્મિતે સંતોષ આપ્યો.તાળાબંધીમાં અમારા ઘરઆંગણે એક ગૌમાતાએ વાછરડાંને જન્મ આપ્યો, સદનસીબે એ પળની સાક્ષી બની, ઘડીભર બધું ભૂલી એની એ પ્રસવપીડામાં એને રાહત આપવાની કામગીરી કરી ફરી મા બનવા જેટલી જ ખુશી મળી..દીકરી મારી શાળાની રજામાં નાનીમાના ઘરે ગયેલી ને ત્યાં જ રહેવું પડ્યું એટલે પૂરું લૉકડાઉન એનાથી વિડિયો કૉલિંગ મારફત જોડાયેલી રહી..એ અફસોસ રહી ગયો કે સાથે હોત તો એની આ વર્કિંગ મૉમ પાસે આજે એને આપવા સમય જ સમય હતો. જિંદગીમાં આવેલા આ લૉકએ લાઈફના બીજા ઘણા માનસિક લૉક ખોલી આપ્યાં. હા, ગાડી હવે ફરી પાટા પર ચડાવવી અઘરી જરૂર છે, એક બાજુ જીવનો ડર, બીજી બાજુ પડેલી આર્થિક અસર માનસિક ઝંઝોળે છે દરરોજ, પણ હિંમત ખૂબ છે, આ સમય પણ વીતી જશે.

 


(10) એમની ખુમારીને સલામ…
(બીના સંજય ચીતલિયા, મુંબઈ) મારા ઘરની સામે શ્યામ સત્સંગ ભવન નામનું એક મંદિર છે. મંદિરની બહાર શ્યામનાથ નામનો એક ફૂલહારવાળો નાનકડો બાંકડો લગાવી ફૂલહાર વેચે છે. મારા ઘરે પણ ફૂલહાર શ્યામનાથ જ પહોંચાડે. લૉકડાઉન દરમિયાન બે-ત્રણ મહિના સુધી તેની હાટડી બંધ હતી. ધીમે ધીમે ધીમે બધું શરૂ થયું એટલે તેમણે પણ કામકાજ શરૂ કર્યું.એક દિવસ હું તેમને મળવા ગઈ અને પૂછ્યું કે એક સંસ્થા તરફથી જરૂરિયાતમંદોને અનાજની કીટ મળે છે. તમારું નામ અને આધારકાર્ડ, વગેરે વિગત આપો તો તમને અનાજ મળી જશે. ત્યારે તેમણે કહ્યું કે મારું ગુજરાન ચાલી જાય છે. બીજા કોઈ જરૂરિયાતવાળા હોય તેને આપી દો.
કોરોનાને કારણે બધાની રોજગારી,રોજી-રોટી બધું જ બંધ હતું છતાં રોજ કમાઈને રોજ ખાવાવાળા આ ફૂલવાળા એ કોઈની મદદ ન લીધી અને પોતાના કરતાં વધુ જરૂરિયાતમંદને મદદ કરવાની વાત કરી. મેં તેમને મારી ફૂલહારની પડીના પૈસા બાકી હતા તે આપ્યા. તેણે પંદર દિવસ સુધી હાર આપ્યો હતો, પણ મેં તેમને પૂરાં એક મહિનાના પૈસા આપ્યા તો તરત જ તેણે પંદર દિવસના પૈસા પાછા આપી દીધા અને કહ્યું કે હું મારા હકના જ પૈસા લઈશ. આવી વિષમ પરિસ્થિતિમાં પણ મને એમની ખુમારી સ્પર્શી ગઈ.