નોટ આઉટ @ 82 : ‘પદ્મશ્રી’ કુમારપાળભાઈ દેસાઈ

શિરમોર ગુજરાતી લેખક, વિવેચક, કટારલેખક, સંપાદક અને અનુવાદક, ભારતીય સંસ્કૃતિ, જૈનદર્શન અને જૈનસાહિત્યના અભ્યાસી તથા પ્રભાવશાળી વક્તા, અનેક પારિતોષિકથી અલંકૃત અને રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ દ્વારા જેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ એનાયત થયો છે તેવા કુમારપાળભાઈ  દેસાઈની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ બોટાદ જિલ્લાના રાણપુરમાં, વતન સાયલા. માતા જયાબહેન. પિતા બાલાભાઈ દેસાઈ (જયભિખ્ખુ), ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ લેખક. કુમારપાળભાઈએ ૧૯૬૩માં બી.એ.,૧૯૬૫માં એમ.એ. થઈ નવગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ૧૯૮૦માં ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન નીચે ‘આનંદઘન : એક અઘ્યયન’ શોધપ્રબંધ લખી ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. ૧૯૮૩માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં જોડાયા. ગુજરાતી વિભાગના અધ્યક્ષ, ભાષાસાહિત્ય ભવનના નિયામક અને ગુજરાત યુનિવર્સિટીના વિનયન વિદ્યાશાખાના ડીન તરીકે સેવાઓ આપીને નિવૃત્ત થયા. અહિંસા-યુનિવર્સિટીની ઍક્ટ-અને-પ્રૉજેક્ટ સમિતિના ચેરમેન, જૈન વિશ્વભારતી ઇન્સ્ટિટ્યૂટના પ્રૉફેસર-એમરિટ્સ અને ગૂજરાત-વિદ્યાપીઠના એડજન્ક્ટ-પ્રૉફેસર તથા Institute of Jainologyના ચેરમેન છે.

‘પદ્મશ્રી’ ખિતાબ ઉપરાંત તેમને ‘શ્રી હેમચંદ્રાચાર્ય એવૉર્ડ’, ઉત્તર-કૅલિફૉર્નિયા જૈન-કેન્દ્ર દ્વારા ‘ગૌરવ-પુરસ્કાર’, ‘જૈન-જ્યોતિર્ધર-એવૉર્ડ’, ‘ગુજરાત-રત્ન-એવૉર્ડ’, ‘જૈન-ગૌરવ એવૉર્ડ’, ‘હેમચન્દ્રાચાર્ય સુવર્ણચંદ્રક’, આરાધ્ય-સન્માન, આચાર્ય-તુલસી-સન્માન(૨૦૧૭), ભદ્રંકર જ્ઞાન-જ્યોત એવોર્ડ(૨૦૧૯), બાળસાહિત્ય પુરસ્કાર, સાહિત્ય અકાદમી, દિલ્હી(૨૦૧૯) જેવા અનેક ચંદ્રકો/સન્માન  મળ્યાં છે. ‘બેસ્ટ સ્પૉર્ટ્સ-જર્નાલિસ્ટ-એવૉર્ડ’, ગુજરાત દૈનિક અખબાર-સંઘ દ્વારા પત્રકારત્વમાં સત્ત્વશીલ લેખન માટે ‘હરિૐ-આશ્રમ એવૉર્ડ’ તેમજ મૂલ્યલક્ષી લેખન માટે શ્રીમદ્-રાજચંદ્ર-આધ્યાત્મિક-સાધના કેન્દ્ર તરફથી ‘સંસ્કૃતિ-સંવર્ધન-એવૉર્ડ’ એનાયત થયા છે. નડિયાદની હ્યુમન-સોસાયટી-ઑફ-ઇન્ડિયાએ ‘લાઇફ-ટાઇમ-એચીવમેન્ટ-એવૉર્ડ’ એમને એનાયત કર્યો છે.

તેઓ પ્રભાવશાળી વક્તા છે. ગુજરાત, ભારત અને આખા વિશ્વમાં (ઇંગ્લૅન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કૅનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હૉંગકૉંગ, મલેશિયા, ઇન્ડોનેશિયા) ઠેર-ઠેર વ્યાખ્યાનો આપ્યાં છે. પર્યુષણ પ્રસંગે અને પરિસંવાદમાં આપેલાં તેમનાં વ્યાખ્યાનો ખૂબ પ્રશંસા પામ્યાં છે. ગુજરાતીના સમર્થ લેખક હોવાની સાથે-સાથે  તેમણે હિન્દી તથા અંગ્રેજીમાં પણ લેખન કર્યું છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

આખો દિવસ કામ કર્યા બાદ સપના વગરની સરસ ઊંઘ આવે છે! સવારે  સાડા-છ વાગે ઊઠે. થોડું ચાલે. બે કપ ચા પીએ. 9:00 વાગ્યાથી લેખન-કાર્ય શરૂ કરે. લગભગ ચાર કલાક વાંચવાનું-લખવાનું ચાલે. જમ્યા પછી થોડો આરામ. બપોર બાદ વિશ્વકોષ અથવા વિદ્યાસભામાં જાય. સમાજ-સેવા અને લોક-કલ્યાણનાં કામોમાં સાંજ જાય. રવિવારે સૌથી વધુ કામ કરે!

શોખના વિષયો : 

બહુમુખી વ્યક્તિત્વ છે: વાંચવું-લખવું તો જીવન છે! લોકોને મળવું, સમાજ-સેવા કરવી ગમે. પરિવાર સાથે રહેવું બહુ ગમે અને પૌત્રી મોક્ષા સાથે વાત કરવી બહુ ગમે! રમતગમતનો શોખ. ગુજરાતી-હિંદી-અંગ્રેજી-મરાઠીમાંપ્રગટ થયેલા ‘ભારતીય ક્રિકેટ’ અને ‘ક્રિકેટના વિશ્વવિક્રમો’ તેમજ ‘ક્રિકેટ રમતાં શીખો’ ભાગ ૧-૨ની દોઢ લાખ નકલો રમતપ્રેમીઓએ ખરીદી છે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. નાનાં-મોટાં ઓપરેશન થયેલાં છે. શાળા-કોલેજમાં હતા ત્યારે રમત-ગમતમાં સક્રિય હતા એટલે શરીર કસાયેલું છે, પણ નિયમિત કસરત કરતા નથી. કામકાજને લીધે ફરવાનું ઘણું થાય પણ સરસ રીતે હરી-ફરી શકાય છે.

યાદગાર પ્રસંગ: 

પિતાનું અવસાન-સંદેશનું છેલ્લું વાક્ય: “અગરબત્તી જેવું જીવન જીવવું.”

પ્રેમાળ માતાની સલાહ:

“સારું જોવું”, કાંટા નહીં, ગુલાબ જોવાં.

“સૌનું જોવું”, આસપાસના લોકોનું ધ્યાન રાખવું,

“ઊંચું જોવું”, પ્રગતિ કરવી.

આ વખતે લગ્ન-તિથિ પર એક અંધ-કન્યાનું કન્યાદાન કર્યું હતું.

જેલના એક કેદીએ તેમને કાગળ લખ્યો: “હું તમારાં પુસ્તકો વાંચું છું. સારો માણસ બનીશ!” બોટાદમાં ફિઝિયો થેરેપીના સેન્ટર સાથે સંકળાયેલા છે. એક યુવાનને જયપુર-ફૂટ ફીટ કર્યા પછી એ દોડીને પ્રેમથી તેમને ભેટ્યો તે હજુ યાદ છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

સાથીઓની મદદથી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. Youtube/Google સારી રીતે વાપરે છે. ટેકનોલોજીનો ઉપયોગ લોક-કલ્યાણમાં અને માણસને સારો બનાવવામાં થવો જોઈએ. હવે AI આવશે, તેનાથી ફાયદા થશે, પણ ગેરફાયદા નકારી શકાશે નહીં.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પરિવર્તન એટલે પ્રગતિ. ઘણું પરિવર્તન થયું છે. મૂલ્યોને ચિંતાજનક ઘસારો લાગ્યો છે. કુટુંબના સંબંધો ઘસાયા છે. આપણા યુવાનો પોતાની ભાષા ભૂલી રહ્યાં છે. પરિવારમાંથી માતાને કાઢી નાખો તો શું થાયઅત્યારની પરિસ્થિતિમાં સાંસ્કૃતિક-મૂલ્યો અને આંતરિક-વિકાસ રૂંધાય છે. નવા રસ્તા શોધવા પડે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

ઘણા પ્રોગ્રામોમાં યુવાનોને મળવાનું થાય. કુમારપાળભાઈને યુવાનોમાં પૂરેપૂરી આશા છે. સખત કામ કરે તો તેમની પાસે વિકાસને ઘણી શક્યતાઓ છે. કુમારપાળભાઈને બે દીકરા(એક દીકરો યુએસ) અને ચાર પૌત્ર-પૌત્રીઓ છે.

સંદેશો :  

જીવનમાં જે પ્રાપ્ત છે તે પર્યાપ્ત છે! જીવનમાં ભરતી-ઓટ તો આવશે જ. સાક્ષીભાવ રાખી આંતરિક પ્રસન્નતા જાળવવા દરેક વ્યક્તિએ પ્રયાસ કરવો જોઈએ.