ડોક્ટર કનકબહેન ભગત વ્યસ્ત સ્ત્રી-રોગ ચિકિત્સક એટલે ગાયનેકોલોજીસ્ટ. સાથે-સાથે પુષ્ટિમાર્ગી સેવા માટે મહિના પ્રમાણે રોજનો ક્રમ જળવાય તે રીતે પુષ્ટિ-સંગીતના “કીર્તનિયમ” નામનાં 12 પુસ્તકો રચનાર. ડોક્ટર કનકબહેન ભગતની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
તેમનો જન્મ અમદાવાદમાં થયો. છ બહેનોમાં તેઓ સૌથી નાનાં. પિતાને કેમીકલનો બિઝનેસ હતો. સાંકડી-શેરીમાં આવેલી ગર્લ્સ હાઇસ્કુલમાં તેમણે શાળાનો અભ્યાસ કર્યો. બે વર્ષ બીડી કોલેજમાં ભણ્યાં પછી તેઓએ એમબીબીએસ અને એમડી બંને સિવિલ હોસ્પિટલમાંથી કર્યું. શાળા-કોલેજમાં સારા શિક્ષકો હતા એટલે ઈતરપ્રવૃત્તિ ઘણી કરતાં. સંગીત-શિક્ષક મહશ્કરસાહેબ હજુ યાદ છે! માતાને સંગીતનો શોખ હતો. સ્કૂલમાં સ્કોપ મળતા સંગીતનો શોખ સારો વિકસ્યો. તેમણે બાપુનગર ESIS હોસ્પિટલમાં પાંચ વર્ષ કામ કર્યા પછી પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી. જૂના સમયમાં સોનોગ્રાફી કે ઇન્વેસ્ટિગેશન ઓછાં થતાં એટલે ક્લિનિકલ-જજમેન્ટ પર જ વધુ ધ્યાન રાખવું પડે અને એટલે અનુભવ પણ સારો મળે. કનકબહેને ગાયનેકોલોજીસ્ટ તરીકે 25 વર્ષ પ્રેક્ટિસ કરી. ત્યારબાદ તેમણે 2005માં ડોકટરીનાં કામોમાંથી નિવૃત્તિ લીધી.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે 6:30 વાગે ઊઠે. ચા-કોફી પી થોડું ચાલે. નાહી-ધોઈને સેવા કરે. ભગવાનને જગાડે, શૃંગાર, રાજભોગ, સ્તોત્ર, યમુનાષ્ટક વગેરે બે કલાક ચાલે. તેઓ 1:00 વાગે જમે. પછી છાપું અને ધાર્મિક વાંચન-લેખન ચાલે. થોડો આરામ કરે. સાંજે ઘરમાં ચાલે. થોડું રસોડામાં કામકાજ કરે. આર્ટ ઓફ લિવિંગની બ્રીધીંગ ટેકનીક તેમને સારી ફાવે છે. રાત્રે સુતાં પહેલાં બ્રીધીંગની એટલે કે શ્વાસોચ્છવાસની કસરતો કરે.
શોખના વિષયો :
તેમને ટ્રાવેલિંગ કરવું ગમે છે. કુટુંબ કે મિત્રો સાથે વર્ષમાં બે વાર મોટા પ્રવાસે જાય. સંગીત અને તેમાં પણ ખાસ કરીને પુષ્ટિ-સંગીત અને હવેલી-સંગીતનો તેમને ભારે શોખ છે. ગુરુજી બાપોદરાસાહેબ પાસે તેઓ ઘણું શીખ્યાં. વાંચન અને લેખનનો પણ ઘણો શોખ. તેમને ગાર્ડનિંગ કરવું ઘણું ગમે છે. ઘરનો મોટો સુંદર બગીચો તેમના આ શોખની ચાડી ખાય છે! તેઓ પેઇન્ટિંગ અને ચિત્રકામ પણ સારું કરી જાણે છે. ઘરમાં ઠેરઠેર તેમનાં ચિત્રો જોવા મળે છે! જાણે આર્ટ ગેલેરી!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત સારી છે, ઘરમાં છૂટથી હરી-ફરી શકે છે, પણ હવે થોડો થાક લાગે છે. દોઢ વર્ષ પહેલાં તબિયત થોડી બગડી ગઈ હતી. આખા શરીરમાં દુખાવો થતો હતો. રૂમેટોલોજીસ્ટની સારવાર કરી, સ્ટીરોઈડ ચાલુ કર્યા. હવે દુખાવો કંટ્રોલમાં છે, પણ ટેઈલ-બોનમાં હજુ થોડી તકલીફ છે.
યાદગાર પ્રસંગ:
પુષ્ટિમાર્ગનું સાહિત્ય મર્યાદિત છે. પુષ્ટિમાર્ગીઓ જ જાણે અને માણે! સમજી શકાય તેવાં કીર્તનો વ્રજભાષામાં છે. વ્રજભાષામાંથી ગુજરાતીમાં અનુવાદ કરી “કીર્તનિયમ” નામનાં બાર-મહિના પ્રમાણેનાં 12 પુસ્તકોનું વિમોચન બાપોદરા સાહેબની હયાતીમાં કર્યું તે યાદગાર છે. તેઓ દર વર્ષે સ્કૂલ-કોલેજમાં સંગીતના પ્રોગ્રામમાં ભાગ લેતાં તે પણ યાદગાર બની રહ્યું છે. પતિ ડોક્ટર ભરતભાઈ ભગત સમાજ-સેવામાં ખૂબ સક્રિય છે. તેમની સાથે કરેલ સમાજ-સેવાનું દરેક કાર્ય યાદગાર બની રહે છે.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
નવી ટેકનોલોજી સારી રીતે વાપરી જાણે છે, પણ તેની ઘેલછા નથી, તેનો ક્રેઝ નથી.. જરૂર હોય તે બધું કરી શકે છે. સોશિયલ-મીડિયાનો મર્યાદિત ઉપયોગ કરે છે, પણ કુટુંબમાં સંબંધો જાળવવા whatsapp અને facebook નો ઉપયોગ કરે છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
તેમના મતે: સંયુક્ત-કુટુંબો ઓછાં થતાં જાય છે. પણ લોકો તંદુરસ્તી માટે જાગૃત થયાં છે. પરદેશ રહેતાં બાળકો આપણી સંસ્કૃતિ જાળવવાનો પ્રયાસ કરે છે. લંડનમાં મોટું સર્વધર્મ મંદિર છે જ્યાં ધાર્મિક-અભ્યાસ થાય છે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
તેમને એક પુત્ર છે. પુત્ર અને પુત્ર-વધૂ બંને ડોક્ટર છે, લંડન રહે છે. એક પૌત્ર છે. યુવાનોના પરિચયમાં ચોક્કસ આવવાનું થાય. ઘરમાં, કુટુંબમાં અને સંગીતને લીધે ખાસ. મહિને એકવાર કુટુંબની યુવતીઓને પણ મળવાનું થાય છે. કોરોના પછી મળવાનું ઓછું થયું છે, પણ whatsapp ગ્રુપમાં નવું-નવું શેર થાય છે. આજનાં યુવાનોમાં બે એક્સ્ટ્રીમ છે: જે યુવાનો સરસ ભણે છે, કામ કરે છે તે એકદમ સરસ કરે છે અને જે યુવાનો નથી કરતાં તે બિલકુલ નથી કરતાં!
સંદેશો :
પશ્ચિમી-સંસ્કૃતિની ખોટી નકલ આપણે કરી રહ્યાં છીએ, તે ઓછું કરવું જોઈએ. ધર્મ અને ક્રિયાઓ બંને અલગ-અલગ વસ્તુઓ છે. તેનો ફેર સમજવો જોઈએ. આધ્યાત્મ એટલે કે સ્પીરીચ્યુઆલીટી વધારી ક્વોલિટી ઓફ લાઈફ સુધારવી જોઈએ.