નોટ આઉટ @ 82 અતુલભાઈ ભટ્ટ

છેલ્લાં 16-16 વર્ષથી યુનિક-ચિલ્ડ્રન-ક્લબના માધ્યમથી દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર અને આત્મ સન્માનિત કરવાના અથાગ પ્રયત્નોમાં પ્રવૃત્ત અતુલભાઈ ભટ્ટની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ અમદાવાદમાં, વતન સુરત પાસે મોતા. પિતાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 43 વર્ષ નોકરી કરી. માતા સાત-ચોપડી ભણ્યાં હતાં, પણ પતિના ડગલે પગલું માંડનાર તેજસ્વી નારી હતાં. અમદાવાદમાં મોન્ટેસરીનો કોર્સ કરી બાળકોને(બે દીકરા-બે દીકરી) સારી રીતે માસ્ટર્સ ડિગ્રી ભણાવ્યાં. ભાડાના બે રૂમમાં આઠ જણ (નાની અને મામા સાથે) મજાથી રહેતાં હતાં. અતુલભાઈનો શાળાનો અભ્યાસ શારદા-મંદિરમાં, કોલેજ એમ.જી.સાયન્સ અને એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ, મિકેનિકલ-ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. અતુલભાઈએ પ્રોફેશનલ કેરિયરમાં સૈદ્ધાંતિક ચડભડને કારણે છ જોબ બદલી, પણ ઈશ્વર કૃપાળુ, ક્યારેય હેરાન નથી થયા.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

60 વર્ષે નોકરી ત્યાગી સમાજને પરત કરવાનું કામ શરૂ કર્યું. શરૂઆતમાં આઠ વર્ષ દિવ્યાંગો માટે કામ કરતા એનજીઓ નાસીઓ ગુજરાતમાં કામ કર્યું. હવે સ્વતંત્ર રીતે યુનિક-ચિલ્ડ્રન-ક્લબના માધ્યમથી કામ કરે છે. દીકરાઓ કેનેડા- યુએસએમાં વર્ષો કામ કરી ભારતમાં સેટલ થયેલ છે.

સવારે 5:00 વાગે ઊઠે, કલાક યોગ-આસન, સુદર્શન-ક્રિયા વગેરે કરે. છ વાગ્યે ચા-નાસ્તો કરે. દીકરો ચા બનાવે!સવારથી દિવ્યાંગ બાળકોનાં માતા-પિતા સાથે તેમની ફાઈલો જોઈ તેના માટે ડિસ્કશન કરે. સાત વાગ્યે whatsapp અને ક્લબના મિત્રો સાથે જોડાય જાય. આખો દિવસ દિવ્યાંગોના ઉત્થાનનું કામ પત્ની જ્યોતિકાબહેનના સાથ- સહકારથી ચાલુ હોય! સાંજે થોડું ચાલે અને ટીવી જુએ.

શોખના વિષયો : 

સંગીત સાંભળવું ગમે. તેમણે “શ્રદ્ધાંજલિ”ના 100 પ્રોગ્રામ કર્યા છે. સ્ક્રીપ્ટ જાતે લખે. માણસ ગુમાવ્યાના દુઃખદ વાતાવરણને બદલે તેઓ સુંદર માહોલ રચે! ફરવાનો, ચાલવાનો શોખ. હવે ઓછું ચલાય છે. તેઓ ઇઝરાયેલ-જાપાન સહિત આખી દુનિયા ફર્યા છે, પણ ભારતમાં ઓછું ફર્યા છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. હરતા-ફરતા છે. ચાલવાનું જરૂરી છે. શ્વાસોશ્વાસની ક્રિયા જબરજસ્ત તાકાત વાળી છે. રોજ સવારે ઊઠીને 10 ઓમકાર કરો એટલે તમારું આખું જીવન બદલાઈ જશે!

યાદગાર પ્રસંગ: 

તેઓ વ્યાવાસિક કામે પહેલીવાર જાપાન ગયા ત્યારે ત્યાંની ઠંડીનો ખ્યાલ નહીં, એટલે તેને પહોંચી વળે તેવાં વસ્ત્રો તેમની પાસે હતાં નહીં. તેમને એરપોર્ટ પર લેવા આવેલ યજમાને જોયું કે અતુલભાઈ પાસે યોગ્ય કપડાં નથી. તેઓ તેમને સીધા દુકાને લઈ ગયા અને એક સરસ પૂલઓવર અપાવ્યું, જેનાથી તેમની જાપાનની ટુરમાં સારી હેલ્પ થઈ. તેમણે તે હજી સુધી સાચવી રાખ્યું છે. જાપાનના બધા એક્ઝિક્યુટિવ બે ડાયરી રાખે, એક ડાયરી પેન્સિલથી લખે, બીજી ફાઇનલ ડાયરી પેનથી લખે. અતુલભાઈએ પણ ભારત પાછા આવીને ડાયરી લખવાનું શરૂ કર્યું. રાતના વિચારીને ડાયરીમાં લખતા કે આજે મેં કોઈનું અહિત તો નથી કર્યુંને? તેને કેવી રીતે મિટાવી શકાય?

રીકો કંપનીના ઝેરોક્ષ મશીનમાં રોલર પર ટેફલોન કોટિંગ કરાવવાનું શ્રેય તેમને જાય છે. આજે વિશ્વના કોઈપણ ઝેરોક્ષ મશીનમાં ટેફલોન રોલર જ વપરાય છે.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

પોતે એન્જિનિયર એટલે ટેકનોલોજી ફાવે, પણ હવે મોબાઈલનો ઓછો ઉપયોગ કરે છે. નાનીબહેન અમેરિકા રહે છે. રોજ રાત્રે ફોનથી વાત થાય! બાળકો જયારે વિદેશ હતા ત્યારે પણ મોબાઈલના ઉપયોગથી તેમની સાથે સંકળાયેલા રહેવાતું.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

આજના સમાજમાં મામા-કાકા-દાદા-ફોઈ… બધા સંબંધો જતા રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પરિવાર જ મહાન છે! એકબીજા સાથે બોન્ડિંગ ઘણું જરૂરી છે. ફોનથી વાત થાય તો ફોનથી કરો, પણ ભાઈ-બહેન અને નજીકનાં સગાં-સંબંધીઓ સાથે કોન્ટેકમાં રહો.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

આજનાં યુવાનો પેરેન્ટિંગમાં બહુ નબળાં પડે છે! બાળકો સરખી રીતે તૈયાર થતાં નથી, તેમનું યોગ્ય ઘડતર થતું નથી. બહેનો કીટી-પાર્ટીમાં વ્યસ્ત રહે છે, બાળકોનું ધ્યાન રાખતી નથી. અતુલભાઈના પોતાના કુટુંબના બધાં યુવાનો ભણેલાં-ગણેલાં છે. ઘણાં યુવાનો વિદેશમાં રહે છે છતાં ગાંધીવાદી છે. તેમને એક જ પૌત્ર છે જે જીનિયસ છે. ભણવા માટે થોડા સમય પછી યુનિવર્સિટી ઓફ મીશીગન, અમેરિકા જઈ રહ્યો છે.

સંદેશો :  

વિશ્વના ચોરે અને ચૌટે આવી “યુનિક-ચિલ્ડ્રન-ક્લબ” સ્થપાય. દરેક બાળકમાં ઈશ્વરે એક એવી શક્તિ મૂકી છે કે તેને ડોક્ટર-એન્જિનિયર-ફાર્મસીસ્ટ બનાવવાને બદલે એની શક્તિને પારખી સંગીત, ચિત્ર, સ્પોર્ટ્સ કે અન્ય ક્ષેત્રમાં પારંગત કરવામાં આવે તો તે વ્યક્તિ આત્મનિર્ભર અને આત્મસન્માનિત બની શકે અને સમગ્ર સમાજ પણ સક્ષમ બને.