કુશળ ચાર્ટર્ડ-એકાઉન્ટ, વિદ્યાર્થીઓના પ્રિય પ્રોફેસર અને વહુઓ વખાણે તેવા સસરા એટલે રાજેન્દ્રભાઈ શાહ! તેમની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ અમદાવાદ, સાંકડી-શેરી, ગંગાઘીયાની પોળમાં. નવ ભાઈ-બહેન (અને નવ સાળા-સાળી!). શાળાનો અભ્યાસ ન્યુ-હાઈસ્કૂલમાં. બી.કોમ. એચ. એલ. કોલેજમાંથી. પછી એમ.કોમ. અને સી.એ. કર્યું. તેમને સંયુક્ત કુટુંબમાં ખૂબ શ્રદ્ધા છે. ઘરમાં નાના-અમથા પ્રસંગે પણ 150 કુટુંબીઓ ભેગા થઈ જાય! નવ ભાઈ-બહેનમાં તેમનો બીજો નંબર હતો. નાનાં બધાં ભાઈ-બહેનોને તેમણે પરણાવ્યાં અને ઠેકાણે પાડ્યાં. માતા-પિતાને પોતાની સાથે રાખી સાચવ્યાં. તેઓ કાયમ સંયુક્ત કુટુંબના સેન્ટરમાં રહેતા અને ક્યારેય ગુસ્સે થતા નહીં! નોકરી અને ટ્યુશન કરતા-કરતા તેમણે સી.એ. પાસ કર્યું! એક સમયે 22 ટ્યુશન કરતા અને પ્રોફેસર તરીકે બે કોલેજમાં ભણાવતા! બધાં કામમાં પત્નીનો પૂરેપૂરો સાથ અને સહકાર મળતો. ચાર વર્ષ પહેલાં હ્રદય રોગથી તેમનું અવસાન થયું.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
પ્રેક્ટિસ હજી ચાલુ છે. ઘણી શૈક્ષણિક-સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમની ઓફિસને 60-65 વર્ષ થયાં! છેલ્લા 70 વર્ષથી વહેલી સવારે 4:00 વાગે ઊઠીને જાતે ચા બનાવે! નાહી-ધોઈ ભગવાનનું નામ લે. માતા હયાત હતાં ત્યાં સુધી, સાડા-પાંચ વાગ્યે માતાને લઈ મંગળા કરવા અસારવા બેઠક-મંદિરે જાય! હજી પણ તે નિત્યક્રમ ચાલુ છે! બે કોલેજમાં વીઝીટીંગ પ્રોફેસર તરીકે ભણાવે છે. ઘેર આવી નાસ્તો કરી ઓફિસે જાય. એકાઉન્ટ, ઓડિટ અને કોસ્ટિંગના તેમના ક્લાયન્ટ્સ સાથે ઓફિસમાં કામ કરે. ઘરે આવી બે વાગે જમે. પછી થોડો આરામ કરે, ટીવી જુએ, મિત્રો અને ફેમીલી સાથે પ્રસંગે બહાર ફરવા અને જમવા પણ જાય. મહિનામાં એક વાર શ્રીનાથજી જરૂર જાય. પુત્રવધૂ હેમીશા શાહે હાઇકુ લખવાનો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. તે હંમેશા કંઈ પણ લખે તો સૌથી પહેલા સસરાને બતાવે!
શોખના વિષયો :
હરવા-ફરવાનો બહુ શોખ. દેશ-વિદેશમાં ઘણું ફર્યા છે. (હોંગકોંગ, દુબઈ, નૈરોબી, ચાઇના… ચારધામ, બે વાર કુલુ-મનાલી, માથેરાન-મહાબળેશ્વર…) આખું કુટુંબ (17 સભ્યો!) સાથે જ ફરવા જાય! હિન્દી-પિક્ચર જોવાનું ગમે. કપડાં એકદમ વ્યવસ્થિત પહેરે, કાયમ જેડ-બ્લ્યુમાં જ સિવડાવે!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
બે વાર કોરોના થયો છે! હાર્ટમાં સ્ટેન્ટ મૂક્યો છે. એક પગે ની-રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવ્યું છે. બીજા પગમાં જેલ પૂરી છે. સારી રીતે ચાલી શકે છે. સવારે કસરત કરે છે અને સાંજે નિયમિત ચાલે છે.
યાદગાર પ્રસંગ:
એકવાર રાજેન્દ્રભાઈ ઓફિસના કામમાં મશગૂલ હતા. ડોક્યુમેન્ટ્સ પાથરી વિગતો ચેક કરી રહ્યા હતા. પટાવાળો ચા લઈને આવ્યો. ચા આપવા જતા હાથ અથડાયો અને અગત્યનાં ડોક્યુમેન્ટ્સ પર ચા ઢોળાઈ. રાજેન્દ્રભાઈએ જરા પણ ગુસ્સે થયા વગર તેની પાસે સાફસૂફી કરાવી કામ આગળ વધાર્યું.
સિક્કિમ-નાથુલા પાસ પાસે હતા ત્યારે સખત વરસાદ પડ્યો, રસ્તો બહુ ખરાબ હતો, લેન્ડ સ્લાઈડીંગ થયું. કુટુંબના બધાં જ સભ્યો એકમેક સાથે અડીખમ ઊભાં રહ્યાં. “જઈશું તો સાથે જ જઈશું” એવો વિચાર કરીને હિમતથી વિકટ પરિસ્થિતિનો સામનો કર્યો. નવ ભાઈ-બેન અને નવ સાળા-સાળીવાળા બહોળા કુટુંબમાં બાળકો પણ ઘણાં! ઘરના મોભીને છાજે તે રીતે, વેકેશનમાં ઉંમર પ્રમાણે ત્રણ ગ્રુપ પાડી બાળકોને ફરવા બોલાવે. ખવડાવી-પીવડાવી મોજ કરાવે! બધાં બાળકો આજે યુવાન-વયે તેમને ખૂબ માનભેર રાખે છે.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
ઓફિસમાં લેટેસ્ટ પ્રોગ્રામ સાથે જ કામ કરે છે અને નવી ટેકનોલોજી સાથે એકદમ કમ્ફર્ટેબલ છે. સ્માર્ટફોન પણ બહુ સારી રીતે વાપરી શકે છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
તેમને ખિસ્સા-ખર્ચીમાં ₹20 મળતા. તેમાં તો કેટલા પિક્ચર જોતા, બે આનામાં ઈડલી-ઢોંસા ખાતા! સોનું ₹92નું તોલો! પહેલાના સમયમાં શિક્ષકો પ્રત્યે ઘણું માન હતું. આજે વિદ્યાર્થીઓ અને શિક્ષકો તું-તાથી વાત કરે એટલે માન ક્યાંથી હોય? તેમના ઘણા વિદ્યાર્થીઓ મોટા-મોટા વકીલ છે! દેશ-વિદેશ ફરવા જાય ત્યાં લોકો તેમને ગુરુ તરીકે મળવા આવે!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
સંયુક્ત કુટુંબમાં અને ઓફિસમાં, બધાં યુવાનો સાથે ઘણું સારું ફાવે. બંને દીકરા અને પૌત્ર સાથે બહુ સરસ તાલ-મેલ છે. દીકરાઓ અને વહુઓ તેમનું બહુ ધ્યાન રાખે છે. તેઓ પુત્રવધૂઓને દીકરીની જેમ જ રાખે છે. હમણાં એકવાર તબિયત બગડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા તો કુટુંબનું કોઈ સભ્ય હોસ્પિટલમાંથી ખસ્યું નહીં!
સંદેશો :
પોઝિટિવ વિચારો અને પોઝિટિવ બનો. નેગેટિવ વિચારશો તો નેગેટીવ થશે.