ખેલ-મહાકુંભની સુપર-સિનિયર કેટેગરીમાં, 2007ની તરણ સ્પર્ધામાં, ઓલ ઇન્ડિયા ચેમ્પિયન બની ત્રણ-ત્રણ મેડલ જીતનાર અને 90 વર્ષની ઉમર સુધી તરણ-સ્પર્ધામાં ભાગ લેનાર વડોદરાના તરણવીર સુમંતલાલ જેલવાળા (ભાવસાર)ની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ વડોદરામાં. ચાર ભાઈ અને ચાર બહેનનું બહોળું કુટુંબ હતું. પિતા વેપાર કરતા હતા. સુમંતભાઈની પ્રાથમિક શાળાનો અભ્યાસ વડોદરાની સયાજી હાઇસ્કુલમાં થયો હતો. સ્વતંત્રતાની લડતની સભાઓમાં તેઓ હાજરી આપતા. આઝાદીની લડત દરમ્યાન કોલેજનો અભ્યાસ છોડી (ફિઝિક્સ તેમનો પ્રિય વિષય) પિતાની દુકાને બેસવાનું શરુ કર્યું.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
તેઓ સવારે છ વાગ્યે ઊઠે. ગરમ પાણી પીએ, રસાયણ ચૂર્ણ લે. યોગ અને કસરત કરે. 2022 સુધી તેઓ હલાસન કરી શકતા! પછી દૂધ, ડ્રાયફ્રુટ, નાસ્તો કરે. છાપા વાંચે. ઓનલાઇન ટ્રેડિંગ કરવાનું પણ તેમને ગમે છે! બપોરે 12:00 વાગે જમે. જમ્યા બાદ થોડો આરામ કરે. ચાર વાગ્યે ઊઠીને ચા નાસ્તો કરે. થોડું વાંચે. સાંજે 7:00 વાગે જમે. 12 વર્ષની ઉંમરે રાનીપરજના અખાડામાં જતા ત્યારે તળાવમાં તરતા શીખ્યા હતા. તરવું એટલે એક્સરસાઇઝ વિથ પ્લેઝર! 1974ની સાલથી સ્વિમિંગ પૂલમાં તરે છે. રોજ સરદારબાગમાં તરવા જતા, કોરોના પછી ઓછું કરી નાખ્યું છે. 75 વર્ષના લાંબા લગ્નજીવન પછી 2020માં તેમની પત્નીનું અવસાન થયું.
શોખના વિષયો :
તેમને તરવું બહુ ગમે. 2019ની સાલ સુધી તરણ-સ્પર્ધામાં ભાગ લેતા! વાંચનનો શોખ ખરો. લેપટોપ સારી રીતે વાપરે છે એટલે શેર માર્કેટમાં ઓનલાઇન ટ્રેડિંગ કરવાનું પણ ગમે છે! પહેલા બહુ બીઝી લાઈફ હતી, હવે નિવૃત્તિમાં શાંતિ છે. 90 વર્ષની ઉંમર સુધી જાતે કાર ચલાવતા! મળવા જેવા માણસ છે!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયતમાં કોઈ જ તકલીફ નથી! ૯૭ વર્ષે માથે ટાલ નથી પડી! યાદશક્તિ હજી પણ તેજ છે! બીપી, ડાયાબિટીસ કે અન્ય કોઈ જ તકલીફ નથી. આંખની થોડી તકલીફ નાની ઉમરથી છે. પોતાનું બધું કામ જાતે કરે છે. ઘરમાં વોકર વાપરે છે. સાત આઠ દાંત છે. બધું જ ખાઈ શકે છે. બદામ પણ ખાઈ શકે છે! એકદમ રૂટિન, ફિક્સ લાઈફ છે, કંટ્રોલ ડાયેટ છે, ભૂખ લાગે તો જ ખાય! દીકરી ડેન્ટિસ્ટ છે. ગયા વર્ષે તેને મળવા અમેરિકા પણ જઈ આવ્યા! 97 વર્ષે તેમની તબિયતનું રહસ્ય: ભૂખ લાગે ત્યારે જ ખાવું અને ભૂખ લાગી હોય તેના કરતા ઓછું ખાવું.
યાદગાર પ્રસંગ:
30 માણસોનું બહોળું કુટુંબ હતું. એક જ રસોડે 30 માણસો જમતાં! દીકરો એમબીબીએસ થયો અને દીકરી ડેન્ટિસ્ટ થઈ તે બહુ ગમ્યું. મુંબઈમાં યોજએલ ઓલ ઇન્ડિયા સ્વિમિંગ કોમ્પિટિશનમાં ત્રણ મેડલ જીત્યા હતા તે યાદ છે. અને ખેલ મહાકુંભમાં પણ ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા અને બહુમાન થયું તે પણ યાદ છે!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?:
નવી ટેકનોલોજી સાથે એકદમ સુસંગત છે. લેપટોપ સારી રીતે વાપરે છે અને શેરનું ઓનલાઈન ટ્રેડિંગ પણ કરે છે! ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવી સોશિઅલ એપ્સ પર એક્ટિવ છે! યાદદાસ્તનું કામ ટેકનોલોજીની મદદથી ચાલે છે!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
હવે ફેસિલિટી ઘણી વધી ગઈ છે અને ઘણાં બધાં કામો સહેલાં થઈ ગયાં છે. ઓનલાઇન વ્યવસ્થાને લીધે સમય ઘણો બચી જાય છે. તેઓ પહેલાં જાતે બેંકમાં ચાલીને જતા, હવે બધું કામ ઓનલાઇન થઈ જાય છે! જો કે પહેલાં ચોખ્ખાં હવા-પાણી મળતાં. દૂધ-ઘી તાજાં મળતાં. હવે બધામાં ભેળસેળ હોય છે!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
કુટુંબ આખું, પુત્ર, પુત્રી, પૌત્ર-પૌત્રીઓ બધાં પરદેશ રહે છે. ઘરનાં અને કુટુંબનાં યુવાનો સાથે તો તેમને ફાવે જ છે, પણ સ્વિમિંગ પુલના યુવાનો અને બાળકો પણ તેમની સાથે હળી-મળી જાય છે, તેમનું બહુમાન કરે છે. બહુ હેલ્પફૂલ હોય છે. તેમનો હાથ દોરીને તેમને લઈ જાય છે. તેઓ “ચાલશે, ગમશે, ફાવશે”માં માને છે અને પોઝિટિવ વિચારે છે જેથી યુવાનો સાથે ફાવે છે.
સંદેશો :
તેમના શબ્દોમાં: “Be Positive! કોઈને દુઃખ ના પહોંચાડો. કોઈ ખરાબ કરે અને સામે હું પણ ખરાબ કરું તો મારામાં અને તેનામાં ફેર શું? No Tit For Tat! No Complains In Life!”