નોટ આઉટ @ 93: સૌભાગ્યભાઈ શાહ

અમદાવાદની જાણીતી શાળા સી.એન. વિદ્યાલયમાં પ્રિન્સીપાલ તરીકે અને તેની સંલગ્ન શિક્ષણ-સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે વર્ષોથી સક્રિય-ભાગ ભજવનાર, વિદ્યાર્થીઓના પ્રિય, સૌભાગ્યભાઈની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

વઢવાણ-સ્ટેટના રામપરા ગામમાં (મોસાળમાં) જન્મ. બે ભાઈ, ચાર બહેનનું કુટુંબ. અમરેલીના કલાભવનમાં પિતા ક્લાર્ક હતા. શાળાનો અભ્યાસ વઢવાણમાં. ૧૯૪૭માં મેટ્રિક થયા. ભાવનગર શામળદાસ કોલેજમાં એક વર્ષ, અમદાવાદ એમજી સાયન્સમાં ૩ વર્ષ B. Sc.નો અભ્યાસ કર્યો. BEd, MEd, અમદાવાદથી કર્યું. અમરેલીમાં ચાર વર્ષ શિક્ષક તરીકે કામ કર્યું અને વિદ્યાર્થીઓનો પ્રેમ પામ્યા. રેવન્યુ-ડિપાર્ટમેન્ટમાં થોડો વખત કામ કર્યું, પણ વૈચારિક કારણોસર છોડ્યું. ફરી સુરેન્દ્રનગર અને અમદાવાદમાં શિક્ષણ-કામ કર્યું. સી.એન. વિદ્યાલયમાં જોડાયા પછી ઇન્દુબેન શેઠ (અગાઉના શિક્ષણ-મંત્રી) સતત સંપર્કમાં રહેતાં અને પ્રોત્સાહન આપતાં. વડોદરાની એક સ્કૂલમાંથી  સૌભાગ્યભાઈને સારા પગારથી જોડવા આમંત્રણ મળ્યું જે તેમણે નકારી કાઢ્યું હતું. ઇન્દુબેનના અવસાન બાદ સૌભાગ્યભાઈએ સેક્રેટરી અને એડમિનિસ્ટ્રેટર તરીકે 10 વર્ષ કામ કર્યું. પછી ટ્રસ્ટી થયા. સી.એન. વિદ્યાલય અને માણેકબા વિનયવિહારના મેનેજીંગ-ટ્રસ્ટી તરીકે કામ કર્યું.

નિવૃત્તિની પ્રવૃત્તિ :  

સવારનું રૂટિન કામકાજ પતાવી સાત-થી-આઠ સામાયિક કરે. દેરાસરમાં દર્શન કરવા જાય. પછી વાંચનનો સમય. જરૂર હોય ત્યારે ઓફિસમાં જાય, મિટિંગમાં જાય. 2010માં મેનેજિંગ-ટ્રસ્ટી તરીકે રિટાયર થયા, પણ છ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે  ચાલુ છે એટલે કંઈને-કંઈ કામ હોય જ! વિદ્યાર્થીઓ સલાહ લેવા પણ આવે. જમીને આરામ કરે. પછી છાપુ વાંચે અને વાંચન-લેખનનું કામ કરે. છાત્રાલયના વિદ્યાર્થીઓને સલાહ-સુચન આપે. કડક પ્રિન્સિપલ તરીકેની તેમની છાપ! નાળિયેર જેવું તેમનું વ્યક્તિત્વ, ઉપરથી કડક પણ અંદરથી નરમ, મીઠું અને મુલાયમ!

શોખના વિષયો :  

વાંચનનો શોખ. વિદ્યાર્થીઓના હિતનું કોઈપણ કામ કરવાનું ગમે. જીવદયાનું કામ કરવાનું પણ ગમે. અડાલજમાં ગૌશાળા સાથે ઘણા સમયથી સંકળાયેલા છે.

 

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

એકંદરે તબિયત સારી છે, થોડું બીપી રહે છે, ક્યારેક થોડું ચાલવાથી શ્વાસ ચડે છે, કોરોના પહેલા રોજનું બે-ત્રણ કિલોમીટર ચાલતા અને કસરત કરતા. ખાવામાં નિયમિતતા અને રહેણીકરણીમાં સાદગી. બહારનું ખાતા નથી, ગાંધી-વિચારધારાને અનુસરે છે. 

 

યાદગાર પ્રસંગ: 

1986માં શ્રેષ્ઠ-શિક્ષક માટેનો રાષ્ટ્રીય-એવોર્ડ પ્રાપ્ત કર્યો. એવોર્ડ તેમણે પોતાના વિદ્યાર્થીઓને સમર્પિત કર્યો! દિલ્હીથી આવ્યા પછી તરત 1500 વિદ્યાર્થીઓને ચેવડો-પેંડા ખવડાવીને તેની ઉજવણી કરી!

સંસ્થાના પ્રાર્થના-મંદિરમાં એક ડોકટર વડીલો માટે કેન્સર જેવા રોગ ના થાય તેના વર્ગો ચાલવતા. ડોકટરે આ કામ માટે સંસ્થામાં એક હોલ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. સૌભાગ્યભાઈએ આ પ્રસ્તાવનો સ્વીકાર ન થાય તેના કારણો રજુ કરી તે બાબત અટકાવી હતી.

81-82માં કલા-મહાવિદ્યાલયના પ્રિન્સિપલના વિરોધમાં ત્યાંના વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું હતું. મહા-વિદ્યાલયના વિદ્યાર્થી-નેતાઓ શાળાનાં વિદ્યાર્થીઓના ટેકાની માગણી માટે આવ્યા. ત્યારે શિસ્તમાં માનનાર શાળાના મહામંત્રીઓએ તેમને શાળાના મકાનમાં પ્રવેશતા રોક્યા. ઘણી રકઝક થવા છતાં શાળામાં રજા પાડવા તેઓ સહમત થયા નહીં. શાળા રાબેતા મુજબ ચાલતી રહી. બીજે દિવસે પ્રાર્થનામાં ફરી કલા-મહાવિદ્યાલયના  વિદ્યાર્થી-નેતાઓએ આવીને દેખાવો કર્યા. આવા પ્રસંગોએ વિદ્યાર્થીઓ જે શિસ્ત ભરી રીતે, સમજપૂર્વક અને જુસ્સા સાથે વર્ત્યા તે અભિનંદનીય હતું.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

પોતે મોબાઇલ ઉપર ઘણું કામ કરે છે અને સંસ્થામાં ટેકનોલોજીનો સારામાં-સારો ઉપયોગ થાય તેવો આગ્રહ રાખે છે. જ્યારે અમદાવાદની ગણી-ગાંઠી શાળાઓમાં કોમ્પ્યુટર-શિક્ષણ અપાતું ત્યારે તેમણે શાળામાં કોમ્પ્યુટર-શિક્ષણ અને કોમ્પ્યુટર-સેન્ટર શરૂ કર્યાં. ગવર્મેન્ટ પ્રોગ્રામમાં પહેલું ઇનામ લાવ્યા અને ભારત-સરકાર તરફથી સંસ્થાને એવોર્ડ મળ્યો!

 શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

કોઈ તાત્વિક ફેર લાગતો નથી. વિદ્યાર્થીઓમાં તેમને બહુ શ્રદ્ધા છે. વિદ્યાર્થીઓમાં ખામી હોય તો વડીલોની ખામી છે. સમાજમાં નૈતિક-ધોરણ નીચું જતું જાય છે, નવી-પેઢી તે જુએ છે, તેમને જે સંસ્કાર મળવા જોઈએ તે મળતા નથી. શિક્ષકો તેનાથી પર નથી.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

છાત્રાલયના વિદ્યાર્થીઓ અને જુના વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં છે. સાંજે જમ્યા પછી છાત્રાલયનાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ તેમને “જય જિનેન્દ્ર” કહીને જ જાય! તેઓ બહુ ભાવ રાખે છે, લાગણી ધરાવે છે.

 સંદેશો : 

બીજાથી દોરાયા કરતા “સ્વ”ના વિચારોને વધારે મહત્વ આપો. પરીક્ષા-લક્ષી અભ્યાસ કરવાને બદલે સ્વાધ્યાયને મહત્વ આપો. અભ્યાસ-લક્ષી પુસ્તકો ઉપરાંત ઈતરવાચન વધારવું  જોઈએ. પુસ્તક-પ્રેમ કેળવવો જોઈએ. પુસ્તકોમાંથી મળતું ભાથું ભવિષ્યમાં બહુ કામ લાગે છે. સારાં પુસ્તકો વાંચવાની ટેવ પાડવી જોઈએ.