“ઉંમર તો ફક્ત આંકડો છે” એવું સાબિત કરતા, ૯૩ વર્ષની ઉંમરે રોજનું આઠ કિલોમીટર દોડતા, અતિ-વિશિષ્ટ-સેવા-મેડલ (AVSM) અને વિશિષ્ટ-સેવા-મેડલ(VSM)થી પુરસ્કૃત એવા એર-માર્શલ પી.વી.આયરની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ સોદુપુરા(કેરાલા)માં, પિતા વકીલ, માતા-પિતા અને એક મોટી બહેનનું નાનું અને સુખી કુટુંબ, શાળાનો અભ્યાસ કાલિકટમાં, આગળનો અભ્યાસ MA(Maths) ચેન્નાઇમાં, અભ્યાસ બાદ કોલેજમાં એકાદ વર્ષ મેથ્સ ભણાવ્યું. 1950માં એરફોર્સમાં જોડાયા અને છેક સુધી ત્યાં જ કામ કર્યું. કામકાજને લીધે આખું ભારત અને રશિયા ફર્યા છે. તેઓ કુટુંબ(એક પુત્ર,બે પુત્રીઓ) સાથે રશિયા હતા ત્યારે તેમનાં પત્ની કાયમ સાડી પહેરે એટલે ભારતીય છે તેમ ઓળખાઈ જાય, પણ આયર-સાહેબ કપડાં ઉપરથી ઓળખાય નહીં. પોતાની 47 વર્ષની ઉંમરથી તેમણે દોડવાનું શરૂ કર્યું અને આજ સુધીમાં 3000 મેરેથોન દોડ્યા છે!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે વહેલા ઊઠી તરત બહાર દોડવા નીકળી પડે. રોજ બે કલાક દોડે… આશરે 8 કિલોમીટર! આવીને નાસ્તો કરે, છાપા વાંચે, સમાચાર જૂએ. અઠવાડિયામાં ચાર-પાંચ વાર જીમમાં પણ જાય! છેલ્લા બે વર્ષથી ચોપડી(FITNESS AT ANY AGE) લખવા પાછળ પડ્યા હતા. આખો દિવસ લોકો મળવા આવે, વાતો કરે, ડિસ્કશન કરે. કોલેજમાં, ક્લબમાં, સોસાઈટીમાં અને ગ્રુપમાં મળવા જાય, તંદુરસ્તી માટે લોકોને જાગૃત કરે.
શોખના વિષયો :
કર્ણાટકી શાસ્ત્રીય સંગીતનો શોખ છે. વાંચવા-લખવાનું ગમે છે. અત્યાર સુધી ૩ ચોપડીઓ અને ઘણાં આર્ટીકલ્સ લખ્યાં છે. પ્રવાસ કરવાનો પણ બહુ શોખ છે. આઠ ભાષાઓ (તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, મરાઠી, હિન્દી, અંગ્રેજી, રશિયન, ફ્રેંચ) જાણે છે, સરસ રીતે બોલી શકે છે. સવારે ચાલતા-ચાલતા કાનમાં ઇઅરપ્લગ નાંખી ઓડિયો-માધ્યમથી મરાઠી ભાષા શીખ્યા! પોંડીચેરી યુનિવર્સિટીમાં વાઇસ-ચેન્સેલર હતા ત્યારથી ટેનિસ રમવાનો શોખ છે. છ-સાત વર્ષ રમેશ કૃષ્ણન સાથે ટેનિસ રમ્યા અને ચેન્નાઈમાં 11 ટેનિસ-કોર્ટ બનાવ્યાં!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત એકદમ સરસ છે. તેઓ માને છે કે તંદુરસ્તી માટે અને લાંબા જીવન માટે હૃદય બરાબર ચાલવું જોઈએ. તેને માટે પગ ચલાવવા જોઈએ! દોડવું જોઈએ, ચાલવું જોઈએ, તરવું જોઈએ…. કંઈ પણ કરવું, પણ પગ ચલાવવા!
યાદગાર પ્રસંગ:
નાગપુર,ગુંડવાના હિલ્સ પર એકવાર વહેલી સવારે ચાલવા નીકળ્યા હતા. અંધારામાં રોડની વચ્ચે ઊભેલી ભેસ દેખાઈ નહીં અને તેની સાથે અથડાઈ ગયા! ભેંસને વધુ આશ્ચર્ય થયું કે તેમને તે ખબર નથી! બંને દીકરીઓના લગ્ન ચેન્નાઈમાં લીધેલા હતા. શહેરથી 20 કિલોમીટર દૂર આવેલ એરફોર્સ કેમ્પમાં તેમનો ઊતારો હતો. ચાલવાનું તો ચૂકાય નહીં, એટલે વહેલી સવારે ચાર-વાગ્યે ચાલવા નીકળ્યા અને રસ્તામાં મોટો સાપ તેમને ભેટી ગયો! એકવાર નાગપુરમાં સાસુમાની તબિયત બગડતાં હોસ્પીટલમાં રાખ્યાં હતાં. આયરસાહેબ મળવા ગયા ત્યારે સાસુમા સુતેલાં હતાં. તેમને ડિસ્ટર્બ ના કરતા, રૂમમાં બીજા ખાટલા પર આયરસાહેબ આરામ કરવા આડા પડ્યા. થોડીવારે ડોક્ટર આવ્યા. આયરસાહેબને દર્દી સમજી તપાસ્યા તો પલ્સ-રેટ 38! ડોક્ટરોએ દોડાદોડ કરી મૂકી. સ્ટ્રેચર લાવી ICUમાં મોકલવાની તૈયારી કરી. ડોક્ટરોને કેટલું સમજાવ્યું કે તેઓ પેશન્ટ નથી, પણ ડોક્ટરો માને?! છેલ્લે એક ડોક્ટરને તેમની વાતમાં કંઈક વિશ્વાસ બેઠો. આયરસાહેબે સમજાવ્યું કે તેઓ રોજનું આટલું ચાલે છે એટલે નોર્મલ હાર્ટરેટ 40 જ છે! આખરે ડોકટરે મામલો શાંત પાડ્યો!!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
ટેકનોલોજી માટે ઘણો ઉત્સાહ છે, એકદમ પોઝીટીવ છે. ટેકનોલોજી ભણવા માટે, મેડીકલ વિજ્ઞાન માટે, ભાષાઓ શીખવા માટે… અનેક રીતે ઉપયોગી છે. તેઓ પોતે બ્લુટુથ, લેપટોપ, ઝૂમ મીટીંગ વગેરેનો છૂટથી ઉપયોગ કરે છે. પોતાની નવી ચોપડીના માર્કેટિંગ માટે ઘણી ઝૂમ મીટીંગો કરી!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
50 વર્ષ પહેલાં, તેમની યુવાનીમાં, તેમની પાસે જે તકો હતી તેના કરતાં આજના યુવાનો પાસે ઘણી વધારે તકો છે! ટેકનોલોજીની મદદથી તેઓ જે ધારે તે કરી શકે છે!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
હા, તેમની પ્રવૃત્તિઓને લીધે ઘણાં યુવાનોના સંપર્કમાં છે. આજના યુવાનો તેમને બહુ ગમે છે! યુવાનો કેટલું બધું કરી શકે છે! તેમની પાસે કેટલા બધા વિષયો અને વિકલ્પો છે કામ કરવા માટે! તેમને કેટલું બહોળું એક્સપોઝર છે! આઈટી એક્ટિવિટીઝ, સ્ટાર્ટઅપ્સ, યુનિકોર્ન…!
સંદેશો :
ખુશ રહો, યુવાન રહો! રોજ કંઈને-કંઈ નવું શીખતા રહો! નવી કુશળતા પ્રાપ્ત કરતા રહો! ઉંમરનો કોઈ બાધ નથી!