નોટઆઉટ@92 : શકુંતલા માવળંકર

ગુજરાતની રેડક્રોસ સોસાયટીના પ્રણેતાઓમાંનાં એક, જાતે ૬૦થી વધારે વખત રક્તદાન કરી અનેક યુવાનોને રક્તદાન કરવાની પ્રેરણા આપી તેવાં સૌમ્ય, સુંદર, મિતભાષી અને જાજરમાન, શકુંતલા વિષ્ણુભાઈ માવળંકરની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ પુનાના સુખી કુટુંબમાં.  બે ભાઈ અને એક બહેન. પપ્પા ડોક્ટર અને પોતે પણ આયુર્વેદના ડોક્ટર. લોકપ્રિય ચરિત્ર-અભિનેતા ડોક્ટર શ્રીરામ લાગુ તેમના મોટાભાઈ! તેઓ 21 વર્ષે લગ્ન કરી અમદાવાદ આવ્યાં, ડોક્ટર વિષ્ણુ માવળંકરના પત્ની તરીકે અને ભારતની લોકસભાના પ્રથમ સ્પીકર શ્રી ગણેશ માવળંકરના પુત્રવધૂ તરીકે. તેમને અમદાવાદ બહુ ગમતું પણ પુનામાં પ્રસંગે હાજરી આપી શકતાં નહીં તેનું દુઃખ રહેતું! ત્રણ પુત્રો છે (માધવ, મુકુન્દ અને દિલીપ). કોંગ્રેસી વિચારધારામાં ખૂબ વિશ્વાસ હતો. મોટે ભાગે ખાદીનાં વસ્ત્રો પહેરતાં. ૧૯૬૨ થી ૨૦૧૦ સુધી અમદાવાદની રેડક્રોસ સોસાયટીના  સક્રિય સ્વયંસેવક તરીકે તેમણે અમૂલ્ય સેવા આપી. ૧૯૮૪માં પતિનું અચાનક અવસાન થતાં જીવનમાં અનેક ફેરફાર આવ્યા.

નિવૃત્તિની પ્રવૃત્તિ:  

સવારે છ વાગે ઊઠી ચા-કોફી પી અને ઘરનું કામ પતાવી, બપોરે રેડક્રોસમાં કામ કરતાં. દર્દીઓનાં સગાઓને રક્તદાન માટે સમજાવવા ગુજરાતમાં ઠેરઠેર જતાં. સાંજે જેઠાણી સાથે ચાલવા જતાં. કોરોનાને લીધે અને પગની તકલીફને કારણે થોડા વખતથી આ રૂટીનમાં બદલાવ આવ્યો છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

પગમાં તાકાત ઘટી ગઈ છે પરંતુ તબિયત એકંદરે સારી છે. ખાવા-પીવામાં એકદમ નિયમિત છે. ખાવામાં કંટ્રોલ છે પણ જમવામાં મીઠાઈ તો જોઈએ જ! સ્વભાવ એકદમ શાંત છે. કોઈવાર કંઈ પણ ફરિયાદ કરતાં નથી. તેમનો શાંત સ્વભાવ તેમની સારી તબિયત માટે જવાબદાર હશે! યુવાનીમાં ઘરનું બધું કામ જાતે કરતાં અને રેડક્રોસનું સામાજિક કાર્ય પણ કરતાં એટલે શરીર કસાયેલું છે. ૭૫મી વર્ષગાંઠે પોતાનાં બધાં દર-દાગીના અને સોનું વહુઓને પ્રેમથી વહેંચી દીધું છે, એટલે હવે એ ભાર પણ નથી રહ્યો!

 યાદગાર પ્રસંગ :

૧૯૭૧માં બાંગ્લાદેશ બોર્ડર ઉપર રેફ્યુજી કેમ્પમાં કામ કર્યું. કેમ્પ નદી કિનારે હતો. જતાં-આવતાં બંને વાર નદી ક્રોસ કરવી પડતી. પુત્રો, માધવ અને મુકુન્દ, વેકેશનમાં તેમની સાથે આવ્યા હતા. રેફ્યુજી કેમ્પમાં એક છોકરો હતો જેને હિન્દી શીખવું હતું, ભણવું હતું. તે શકુંતલાબહેનની પાછળ પડી ગયો….મને ભણાવો! શકુંતલાબહેને બહુ મહેનત કરી અને કેમ્પમાં તાડપત્રી નાંખીને ટેમ્પરરી સ્કૂલ બાંધી આપી!  તેમની રક્તદાન શિબિરમાં એકવાર એક ઓફિસર રક્તદાન કરતા ગભરાતા હતા. શકુંતલાબહેને કહ્યું કે હું સાથે રહીશ, તમે બિલકુલ ગભરાશો નહીં. હું તેમનો હાથ પકડીને ઊભી રહી. રક્તદાન પતી ગયું અને કંઈ થયું નહીં! ઓફિસર ખુશ થઈ ગયા! એમણે કીધું કે હું મારા બીજા મિત્રોને અને કુટુંબીઓને રક્તદાન કરવા સમજાવીશ! હું ઘણીવાર યુવાનોને કહેતી કે તમે રક્તદાન શિબિરમાં માત્ર આવો અને જુઓ, તમને લાગે કે રક્તદાન કરવા જેવું છે તો કરજો. પણ જે યુવાન રક્તદાન શિબિરમાં આવે અને જુએ તે રક્તદાન કરીને જ જાય!

શોખના વિષયો :

સંગીત થોડું શીખ્યા છે. વાંચવાનો શોખ છે. “કાદંબરી” એટલે વાર્તાસંગ્રહ વાંચવા ગમે. પિયરમાં કંઈ કામ કર્યું હતું નહીં, અહીં આવીને જ રસોઈ શીખ્યાં અને રસોઈનો શોખ થયો. સાસુ રસોઈમાં હોશિયાર. જેઠાણી પિયરમાં એમની જ શાળામાં ભણતાં એટલે એમની સાથે સારો તાલમેલ. જેઠાણી અને સાસુ પાસેથી ઘણું શીખ્યાં. સાસુની સેવા પણ ઘણી કરી.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?:  

હવે તો બહુ ઓછો ઉપયોગ કરું છું ટેકનોલોજીનો. બાળકો સાથે વાત કરવા મોબાઈલનો ઉપયોગ કરું છું. ટીવી જોવાનો શોખ હતો તે પણ હવે ઓછો થઈ ગયો છે. યુવાનોનો સમય આ બધાં સાધનોને લીધે બગડે છે પણ પરિસ્થિતિ જ એવી છે એટલે આપણે શું કરી શકીએ ?

આજની પેઢી સાથે સંકળાયેલા છો? : 

ઘરનાં બાળકો સિવાયનાં યુવાનો સાથે પરિચય માર્યાદિત છે. પણરે ડક્રોસની બ્લડબેંકના યુવાનો સાથે ઘણો પરિચય છે. તેઓ બહુ સારું કામ કરે છે!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? :  

પહેલાના સમયમાં લોકો સમાજ માટે ઘણું કામ કરતાં. અત્યારે લોકોને અને યુવાનોને સમાજનું કંઈ પણ કામ કરવાની ઈચ્છા નથી થતી. પોતાનું કામ થાય એટલે બસ! બીજાને માટે કામ કરીએ તે વૃત્તિ જ રહી નથી.

 સંદેશ: 

સમાજ માટે કંઈક કામ કરો. ખાલી પોતાનું કામ કરીને બેસી ન રહો!