નોટ આઉટ @91 : મધુબેન જાની

‘પુસ્તકો મારાં સાચાં મિત્રો છે!’ એવું માનતાં સી. યુ. શાહ સાયન્સ કોલેજમાં 20 વર્ષ લાઇબ્રેરીયન તરીકે નોકરી કરનાર ખુશ-મિજાજી ૯૨ વર્ષનાં મધુબહેનની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

જન્મ અને બાળપણ બિહારમાં. કુટુંબમાં ચાર બહેન, બે ભાઈ. પિતાજી કોલસાની ખાણમાં કામ કરે. મધુબહેન ગુજરાતી પાંચ ધોરણ સુધી ઘરમાં રહીને ભણ્યાં. માતા ધાર્મિક વાંચન કરાવે, સ્વામી રામદાસ ધનબાદ આવે ત્યારે ત્રણ દિવસની ધૂનમાં તેઓ લાગી જાય. મધુબહેનની 16 વર્ષની ઉંમરે, MA ભણતા  23 વર્ષના યુવાન સાથે, તેમને જોયા વગર, લગ્ન કર્યા! સાસરે આવીને ઘણું ભણ્યાં. સસરાના ઘરના વાતાવરણમાં જ ભણતર! દાદાજીને બહુ હોંશ! એમનો સાથ મળ્યો. એસએસસી પાસ થયાં પછી સસરાએ કવિ કાલિદાસનું ‘મેઘદૂત’ અને ‘ઉત્તર-રામ-ચરિત્ર’ ભણાવ્યું અને તેઓ ગુજરાતી અને સંસ્કૃત લઈ BA થયાં. પતિ સરકારી કોલેજમાં પ્રોફેસર એટલે બદલી થયા કરે. રાજકોટ, જામનગર, ભુજ… બધે પાડોશીઓ સાથે સારો ઘરોબો! આઉટ-હાઉસમાં રહેતી બહેનો હોય કે ઘેર રહીને ભણતા મિત્ર! બધાંનું મધુબહેન ધ્યાન રાખે. મિત્ર પાસે રાખડી બંધાવે, સગા-ભાઈ જેવા સંબંધો રાખે! છેવટે વિદ્યાપીઠ, અમદાવાદ આવ્યાં. પરિસરમાં વ્યવસ્થા હતી એટલે સોશિયલ એંથ્રોપોલોજી સાથે મધુબહેને MA કર્યું અને ત્યારબાદ યુનિવર્સિટીમાંથી B.Lib. કર્યું. મા-દીકરી સાથે ભણતાં અને દીકરાના મિત્રો પણ ભણવા આવે. ઘરમાં તો જાણે નિશાળ!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સવારે ઊઠી નહાવા-ધોવાનું પતાવી પૂજાપાઠ-માળા વગેરે કરે, છાપુ વાંચે, બાર વાગે જામે. જમ્યા પછી આરામ કરે. 4 વાગે ચા અને પછી કલાક ફોન કરે. બહેન-દીકરી અને મિત્રો સાથે ફોનથી સંકળાયેલા રહે. મોટાં બહેનની ઉંમર 98 વર્ષ! પણ તેમની સાથે વીડિયો કોલથી વાત કરે એટલે મળ્યાં જેવું લાગે. સાંજે એકાદ આંટો મારે અને પછી આરતી, ભજન વગેરેમાં કલાક થાય. પછી જમીને સુઈ જાય. સમય મળ્યે મેગેઝીન વાંચે, આધ્યાત્મિક વાંચન કરે, આયુર્વેદનું વાંચે, સાઈબાબા અને માં આનંદમઈનાં પુસ્તકો વાંચવા ગમે. પ્રબુદ્ધ-જીવન, ભૂમિપુત્ર કબીર-વાણી, મોરારીબાપુનાં પુસ્તકો, કુમાર વગેરે બહુ ગમે.   

શોખના વિષયો : 

રસોઈ કરવાનો અને જમાડવાનો બહુ શોખ! ગળ્યું ભાવે. વાંચન ગમે. ફોન કરી કુટુંબીઓ અને મિત્રોના સંપર્કમાં રહેવું ગમે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત ઘણી સારી છે. આંખોનો નંબર થોડો વધ્યો છે. ક્યારેક હાથ જકડાઈ જાય છે, પણ કમર કે પગના દુખાવા નથી. એસિડિટી શું છે તે તેમને ખબર નથી! ક્યારેક થોડુંક પ્રેશર રહે છે. એકલા રિક્ષામાં બહેનને ઘેર કે દીકરીને ઘેર પહોંચી જાય એટલાં તંદુરસ્ત અને સ્વસ્થ! 6-8 મહિના પહેલા જ પતિને ખોયા. પતિની ઘણી સેવા કરી.

યાદગાર પ્રસંગ: 

સી. યુ. શાહ સાયન્સ કોલેજમાં 20 વર્ષ લાઇબ્રેરીયન તરીકે નોકરી કરી છે. બે પટાવાળાને તેમણે આગળ ભણાવ્યા, સર્ટિફિકેટ-કોર્સ કરાવ્યો અને તેમને ક્લાર્કની નોકરી મળી. હજુ તેમના કુટુંબીઓ બહેનને યાદ કરે છે! કનુભાઈને વિદ્યાપીઠમાંથી પેન્શન મળતું નહીં, જ્યારે મધુબહેનને કોલેજમાંથી પેન્શન મળતું! કનુભાઈ હસતા હસતા કહેતા “આ તો મારો શામળિયો શેઠ છે!” એક વાર ઈશ્વર પેટલીકર તેમને ઘેર થોડા દિવસ રહ્યા હતા. બંનેનું જીવન જોઈ ‘સ્ત્રી’ સાપ્તાહિકમાં ‘પ્રસન્ન દાંપત્ય’ કેવું હોવું જોઈએ તે વિષે લેખ લખ્યો હતો!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

હસતાં હસતાં કહે છે કે નવું નવું શીખવાનું હજુ ચાલુ છે! છેક સુધી વિદ્યાર્થી જ રહેવું છે! બુક્સ આર માય બેસ્ટ ફ્રેન્ડસ!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

ખાસ કોઈ ફેર પડ્યો લાગતો નથી. ટેકનોલોજીથી જે ફેર પડ્યો તે છે. બાકી બાળકો પરદેશ જાય, કમાય, પણ અહીંનું વાતાવરણ મિસ કરે! ઘરડાંને પરદેશ ન ફાવે, ગાડી વગર બહાર નીકળાય નહીં, એટલે વડીલો દેશમાં જ રહે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

અત્યારના છોકરાઓ સ્માર્ટ છે! ઇંગલિશ શીખે છે અને ગુજરાતી ભૂલી જાય છે! પણ માતૃભાષા ભૂલે તે ચાલે નહીં! મધુબહેન ઘરના અને કુટુંબના યુવાનો સાથે સરસ સંપર્કમાં છે. દેશ-પરદેશથી બધાં આવે તો તેમને મળવા ખાસ આવે. મધુબહેનને ચોકલેટ ભાવે એટલે તેમને માટે ખાસ ચોકલેટ લાવે. અને “બા, ચા પીવડાવો” એમ હક્ક કરી ચા પીને જાય! તેમને ત્રણ બાળકો, ચાર પૌત્ર-પૌત્રી અને ત્રણ ગ્રેટ-ગ્રાન્ડ-ચિલ્ડ્રન છે. દીકરી (નયના રાજેન્દ્ર શુક્લ) ને ત્યાં તો ચાર પેઢી સાથે રહે છે!

સંદેશો : 

યુવાનોએ મા-બાપની, ઘરડાંઓની સેવા કરવી જોઈએ. ઘરડાં-ઘરની સંખ્યા વધે તે સમાજ માટે સારું નથી!