સ્પોર્ટ્સ, સેલ્સમેનશીપ, માર્કેટિંગ, હ્યુમર, સુફીઝમ, મેનેજમેન્ટ જેવા અનેક વિષયો ઉપર જેમણે 120થી વધારે પુસ્તકો લખ્યાં છે, 11 છાપાંઓમાં કોલમો લખી છે, તથા સ્ટેનફોર્ડ યુનિવર્સીટી, એરિઝોના સ્ટેટ-યુનિવર્સીટી, ગુજરાત સાહિત્ય પરિષદનાં પારિતોષિક પ્રાપ્ત કર્યાં છે તેવા હસમુખા પારસી-બાવા બેરામજીગોર દસ્તુરની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ મુંબઈમાં, બાળપણ અને યુવાની નવસારીમાં. પિતાજી પવિત્ર, ચુસ્ત ધર્મગુરૂ. વળી ખાદીધારી-ઇન્કિલાબી. બેરામજીગોર અત્યારે પણ જનોઈ(કસ્તી) અને સદરો પહેરે. તેમને બે ભાઈ અને એક બહેન. નવસારીની પારસી શાળામાં ભણ્યા. બાળપણમાં પિતાએ ઘરે ટ્યુશન-શિક્ષક રાખીને ભણાવ્યા. શાળામાં દાખલ કરવાનો સમય થયો ત્યારે હાઈટ વધારે એટલે સીધા ચોથા ધોરણમાં દાખલ કરી દીધા! ભણવામાં બહુ હોશિયાર નહીં પણ સ્પોર્ટ્સનો બહુ શોખ! હોકી રમે, એનસીસીમાં પણ પ્રવૃત્ત. મોટર-સાયકલ ચલાવવી બહુ ગમે.
એકવાર એક વિદ્વાન-ગુરુ બાપુજીને મળવા આવ્યા. અભ્યાસમાં બહુ જામે નહીં. વિદ્વાને એક મંત્ર રોજ બોલવા આપ્યો. કંઈક આશ્ચર્યજનક થાય તો શ્રદ્ધાથી મંત્ર બોલવો તેમ વિચાર્યું! 100 વાર મંત્ર બોલ્યા અને તે ક્રમ ચાલુ રાખ્યો, કલ્પનાની બહાર, બીએસસીનાં ત્રણેય વર્ષમાં સીધા પાસ થઈ ગયા! તરત સ્પોર્ટ્સ-ટીચર તરીકેની નોકરી મળી ગઈ! દક્ષિણ-ગુજરાતમાં વિમેન્સ-હોકી-ટીમ અને વિમેન્સ-બાસ્કેટબોલ-ટીમ તેમણે ઇનટ્રોડ્યુસ કરી. સૌ પ્રથમ ગુજરાતી સ્ત્રી-હોમગાર્ડ ટીમ તેમણે નવસારીમાં તૈયાર કરી. પારસીઓના સ્વભાવની વિરુદ્ધ, નાની ઉંમરે(૨૩ વર્ષ) તેમણે ધનબહેન સાથે પ્રેમલગ્ન કર્યાં. (૬ ગ્રાન્ડ-ચિલ્ડ્રન, ૨ ગ્રેટ-ગ્રાન્ડ-ચિલ્ડ્રન છે). જીવનની બે સ્ટ્રોંગ પ્રેરણામૂર્તિ: માતા અને પત્ની ધનબહેન.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે 7:00 વાગે ઊઠે. 8:30થી કામકાજ ઉપર લાગી જાય 1:00 વાગ્યે જમીને આરામ કરે. બપોરે લખવાનું અને લોકોને મળવાનું. રાતના વહેલા સૂઈ જાય. મધરાતે 2:00 વાગે ઊઠી, ચારેક કલાક લખે, અને વળી સૂઈ જાય. છ કલાકની ઊંઘ.
કામકાજમાં ટ્રેનીંગ અને માર્કેટિંગ-કન્સલ્ટન્સી. સાબરમતી જેલના માર્કેટિંગ-કન્સલ્ટન્ટ! દિલ્હીના અક્ષરધામ-મંદિરના સમારંભ વખતે 500 સ્વયંસેવકોને તેમણે તૈયાર કર્યા હતા.
શોખના વિષયો :
ક્લાસિકલ મ્યુઝિક અને ગઝલનો બહુ શોખ! બેગમ અખ્તર તેમના પ્રિય કલાકાર! બેગમ અખ્તરના છેલ્લા પ્રોગ્રામ વખતે હાજર હતા! કેસેટ અને રેકોર્ડ ભેગી કરવી ગમે. લખવું ગમે અને સ્પોર્ટ્સ પણ પ્રિય!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત નજર લાગે એટલે સારી છે! જમણી આંખમાં થોડી તકલીફ થઈ છે. એકાદ વર્ષથી થોડી કસરત કરે છે. છ મહિના અમેરિકા હતા, યેલ યુનિવર્સીટીના સૌથી સિનિયર સ્ટુડન્ટ! ઘરમાં 4000 પગલાં ચાલતા. બાકી યોગાસન કે મેડીટેશનમાં બહુ માનતા નથી.
યાદગાર પ્રસંગ:
1960માં મુંબઈમાં કાર-રેલી યોજાયેલી. એક સભ્યએ કોમેન્ટ કરી: “આ ગુજ્જુઓ શું કરવાના?” બેરામજીગોરે બધા ગુજરાતી-સ્પર્ધકોને ભેગા કરી એવી જડબેસલાક સ્ટ્રેટેજી બનાવી કે કાર-રેલીના બધા ઇનામો ગુજરાતીઓ જીતી ગયા! ગુજરાતી હોવાનો ઘણો ગર્વ! 1961માં એનસીસી ઓફિસર-ટ્રેનિંગ-સ્કૂલ, કામ્પટીમાં પ્રથમ ગુજરાતી બેસ્ટ-ઓફિસર-કેડેટ, પ્રથમ ભારતીય બેસ્ટ-ઓફિસર-કેડેટ અને બેસ્ટ શોટ! સ્પોર્ટ્સ-મેનમાંથી સેલ્સ-મેનનું ટ્રાન્સફોર્મેશન પણ યાદગાર છે. પાર્ક-ડેવિસમાં પહેલી જોબ લીધી. રાજકોટ-સુરત-અમદાવાદ-મુંબઈ કામ કરી 15 વર્ષે તે કંપની છોડી કેડિલામાં થોડો વખત કામ કર્યું. 1988માં લખવાનું શરૂ કર્યું. એકવાર દિલ્હી ગયા ત્યારે એકસીડન્ટ થયો, પગના 9 કટકા થઈ ગયા! પણ લખવાનું ત્યારે ઘણું સારું ચાલ્યું! કેટલું પોઝિટિવ થીંકીંગ! ઘણાં પુસ્તકો લખ્યાં છે. “યુવાનીની આરસી”, “ચિરાગ અને ચિનગારી”, “બાવાજીનો-બાયોસ્કોપ” “મેનેજમેન્ટની ABCD” એમની જાણીતી કોલમો. ગીતા ઉપર કોમેન્ટ્રી લખી છે, અને વિસ્તૃત કોમેન્ટ્રી લખવાનું કામ ચાલુ છે.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
ટેકનોલોજીની મદદથી જીવનમાં બહુ સરળતાથી આવી છે, સગવડોમાં વધારો થયો છે. મેસેજ, whatsapp, ઇમેલ, ફોન વગેરે સહેલાઈથી વાપરી શકે છે. હાથ નીચેના માણસો ટેકનોલોજીના ઉપયોગમાં પૂરેપૂરી મદદ કરે છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
અત્યારનો સમય પહેલાના સમય કરતાં ઘણો સારો છે. આપણે ટેકનોલોજી વાપરવાનું ના જાણીએ તો તે સ્ટ્રેસમાં બદલાઈ જાય!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
તેઓ ડોસાઓ જોડે બેસતા નથી! ડોસાઓ નેગેટિવ વિચારો આપે જ્યારે યુવાનો પોઝિટિવ વિચારો અને એનર્જી આપે! હમણાં તેઓ શાક-બજારમાં ગયાં હતાં, હાથમાં સામાન હતો. બે યુવાનોએ આવીને તેમનો સામાન ઉપાડી તેમને ગાડીમાં બેસાડી દીધાં! એકવાર રસોડામાં પાણી બંધ થઈ ગયું હતું, સહેજ ફરિયાદ કરી તો પાંચ મિનિટમાં છ-સાત યુવાનો આવી ગયા અને પ્રોબ્લેમ સોલ્વ કરી આપ્યો!
સંદેશો : પૈસા કમાઓ, બચાવો, પછી ખર્ચો! ઈએમઆઈમાં પડશો નહીં. Surround yourself with people smarter than you!
