નોટ આઉટ@ 87 : પ્રો. જયંત જોષી

ચાર પેઢીથી સાહિત્ય-લેખનની જ્યોત અખંડ જલે છે તે કુટુંબના મોભી પ્રો.જયંત(કુમાર) જોષીની વાત સાંભળીયે તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

જન્મ મુંબઈમાં, મામાને ઘેર. ભણતર-અભ્યાસ જુનાગઢમાં. પિતાજી અંગ્રેજીના પ્રોફસર હતા, માતા ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કુલમાં પ્રિન્સિપાલ હતાં. માતા વિદ્યાર્થીઓને ભણાવવામાં એકદમ ચોક્કસ. તેઓ કાયમ કહેતાં: ‘અમારે તો એકલવ્યનો અંગૂઠો પાછો આપવાનો છે!’ ઘરમાં મરાઠી-ગુજરાતી બંને ભાષા બોલાય. જયંતભાઈએ જૂનાગઢમાં દિલાવરખાન ગર્લ્સ હાઇસ્કુલમાં અભ્યાસ કર્યો. ગર્લ્સ હાઇસ્કુલ હતી પણ થોડાક વિદ્યાર્થીઓ પણ તે શાળામાં ભણતા. એક ભાઈ અને મામાની દીકરી બહેન જોડે રહે. મેટ્રિક પાસ કર્યા પછી તેઓ ટેક્સટાઇલ કેમિકલ્સનું ભણ્યા અને સારંગપુર મીલ્સમાં થોડો સમય નોકરી કરી. તેમને લાગ્યું કે ટેક્સટાઇલનું જગત તેમના માટે નથી, એટલે તેમણે એચ. કે. આર્ટસ કોલેજમાંથી બીએ (ફર્સ્ટ ક્લાસ) કર્યું. તરત લેક્ચર તરીકેની નોકરી મળી ગઈ. 1963થી ટીચિંગ કેરિયર શરૂ કરી તે છેક 1996માં સી. યુ. શાહ કોલેજમાંથી તેઓ રીટાયર થયા. જયંતભાઈને  બે દીકરા (સૌમ્ય જોષી અને અભિજાત જોષી) અને એક પૌત્ર, એક પૌત્રી છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

નિવૃત્તિના શરૂઆતના સમયમાં રબારીવાસનાં બાળકોને રમતો રમાડી અંગ્રેજી ભણાવતા. પત્ની બીજા વિષયો શીખવતાં. જયંતભાઈ જ્યારે કોલેજમાં ભણાવતા ત્યારે 45 મિનિટના પિરિયડમાં 30 મિનિટ અભ્યાસક્રમને લગતું ભણાવે અને 15 મિનિટ વિદ્યાર્થીઓના વિકાસ માટેનું ભણાવે! અંગ્રેજીમાં જિંદગી અને જિંદગીમાં અંગ્રેજી શીખવે! 2006માં તેમને સ્ટ્રોક આવ્યો અને તેમની આંખો ગઈ, એટલે જીવન બદલાઈ ગયું! વાંચનનો ઘણો શોખ છે એટલે ઓડિયો-બુક સાંભળે છે. વિદ્યાર્થીઓ આવીને પુસ્તકો વાંચે તે સાંભળવાનું બહુ ગમે. પત્ની પણ ઘણું વાંચીને સંભળાવે. એલેક્ઝાની મદદથી સંગીત સાંભળે, ઓલ ઇન્ડિયા રેડિયો પર જુદા જુદા પ્રોગ્રામ સાંભળે. ઘરમાં થોડું ચાલે. જિંદગીની દરેક વસ્તુમાંથી આનંદ મેળવે!

શોખના વિષયો : 

ક્લાસિકલ મ્યુઝિકનો અને સ્પોર્ટ્સનો ઘણો શોખ. ટેબલ-ટેનિસ અને બેડમિન્ટન સારું રમતા. એકવાર બરોડામાં ટેકનોલોજી અને પેલેસ-ટીમ વચ્ચે ટેબલ-ટેનિસની  મેચ થઈ. ક્રિકેટર વિજય હજારે સામેની ટીમમાં. જયંતભાઈ સારું રમે પણ વિજય હજારેએ તેમને હરાવ્યા. વિજય હજારેએ સરસ સલાહ આપી: ‘સામે કોણ છે તે જોવાનું નહીં! બોલ જ જોવાનો. તો જ રમતમાં જીતો!’ બાબા આમ્ટેના ‘આનંદવન’ કેન્દ્રમાં તેમણે ભણાવ્યું. ત્યાં થયેલો લતા-દિલીપનો સમારંભ હજુ તેમને યાદ છે!

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

આંખોની તકલીફ સિવાય બીજી કોઈ તકલીફ નથી. બીપી-ડાયાબિટીસ જેવા કોઈ રોગ નથી, કમરનો કે બીજો કોઈ દુખાવો નથી.

યાદગાર પ્રસંગ: 

અભિજાતે લખેલ ‘લગે રહો મુન્નાભાઈ’નું સ્ક્રિનિંગ હતું. દીકરો પિતાને પિક્ચર જોવા લઈ ગયો. ઇન્ટરવલમાં સચિન તેંડુલકરને પિતાને મળવા લઈ આવ્યો. દીકરો પૂછે: ‘તમને કોણ મળવા આવ્યું છે?’ અંધારામાં સ્પષ્ટ દેખાય નહીં. પણ થોડો ખ્યાલ આવી ગયો એટલે જયંતભાઈએ કહ્યું: OH! MY GOD! દીકરાએ હસીને કહ્યું : હા, આ ક્રિકેટની દુનિયાના ગોડ છે! પછી તો આખું પિક્ચર સચિન સાથે બેસીને જોયું, ખૂબ ખૂબ વાતો કરી. તેમનાં પત્ની અંજલિને પણ મળ્યા.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

તેઓ એકદમ સાદો બોલતો ફોન વાપરે છે, પણ એલેક્ઝાની મદદથી ઘણું બધું કામ કરે છે. “એલેક્ઝા મારો પડતો બોલ ઝીલે છે!” એમ હસતા હસતા કહે છે. હજુ પણ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં જાય છે. ત્યાં તેમણે ઇંગ્લિશ શીખવવાના પ્રોગ્રામ કર્યા હતા એટલે હજુ ત્યાં મિત્રો છે તેમને મળવા જાય.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

કેટલો બધો ફેર છે! ઘણી રીતે પોઝિટિવ છે! સ્ત્રીઓને સ્વતંત્રતા મળી છે, નવી ટેકનોલોજી અને મોબાઈલથી ઘણી સગવડો વધી છે. મેડિકલ સવલતો વધી છે, માણસની ઉંમર વધી છે. હજુ ઘણા ફેરફારો આવશે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

આજની પેઢી સાથે, દીકરાઓ અને તેમનાં બાળકો સાથે સરસ સંપર્ક છે. પૌત્રી કવિતા લખી તેમને મોકલે છે. વિદ્યાર્થીઓ વાંચવા-ભણવા આવે છે. ફાધર્સ-ડે, ટીચર્સ-ડે વગેરે દિવસોએ તો ઘર ભરાઈ જાય! પણ તોય ક્યારેક એકલું લાગે! આજના યુવાનો સ્વ-કેન્દ્રી છે. આજુબાજુની સંસ્કૃતિની અવેરનેસ ઓછી છે. યુવાનો પાસે આગળ વધવાની ઘણી તકો છે જેનો તેમણે પૂરો લાભ લેવો જોઈએ.

સંદેશો : 

વધારે વસ્તુઓ મેળવવા કરતાં જે વસ્તુ પ્રાપ્ત છે તેમાંથી વધારેને વધારે મેળવો! કિંમત અને મૂલ્ય વચ્ચેનો ભેદ જાણો! હવાની કિંમત કંઈ નથી પણ તેનું મૂલ્ય એટલે આપણી જિંદગી તે સમજો!