“ગુરૂ સમીપે”, “અણગારના અજવાળા”, અને “શાસનના શણગાર, અમારા અણગાર” જેવાં ત્રણ, સુંદર, ધાર્મિક પુસ્તકોનાં લેખિકા પ્રવિણાબહેન ગાંધીની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ વઢવાણમાં, બાળપણ મુંબઈ અને સુરતમાં. પાંચ ભાઈ-બહેનનું કુટુંબ. પિતા ભણેલા, ICIમાં સારી પોસ્ટ પર કામ કરતા એટલે પ્રવિણાબહેનને ભણતરનો સારો લાભ મળ્યો. શાળાનો અભ્યાસ સાર્વજનિક હાઈસ્કૂલ, સુરતમાં. પછીનો અભ્યાસ એમ.ટી.બી. આર્ટસ કોલેજમાં. 17વર્ષે સગપણ, 19વર્ષે લગ્ન! વઢવાણમાં ઘૂંઘટ કાઢવાનો રિવાજ, પણ પરિસ્થિતિનો સંપૂર્ણ સ્વીકાર! પતિએ ઉત્સાહથી આગળ ભણાવ્યાં! લગ્ન પછી BA, બે બાળકો સાથે ઇકોનોમિક્સ-પોલિટિક્સ જેવા વિષયો લઈને MA અને પુત્રી બારમા ધોરણમાં ભણતી ત્યારે B.Ed. કર્યું! રાજકોટની માલવિયા કોલેજમાં વર્ષો સુધી પ્રાધ્યાપક રહ્યાં. રાજકોટ-રેડિયો-સ્ટેશન પરથી દરવર્ષે તેમના બજેટના વાર્તાલાપ તથા નાટકો યોજાતાં. દૂરદર્શન પરથી પણ તેમના વાર્તાલાપ યોજાયા છે. લાયન્સ-ક્લબ ઇન્ટરનેશનલ(33 ક્લબ)નો પ્રોગ્રામ RKCમાં હતો, જેમાં નરીમાન કામા ચીફ-ગેસ્ટ હતા અને પ્રવિણાબહેને ચેરપર્સન તરીકે પ્રસંગને શોભાવ્યો!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સાસુની બીમારીને કારણે વિવેકાનંદ કોલેજમાંથી પ્રોફેસર પદથી નિવૃત્તિ લીધી, પછી સામાજિક કાર્ય ભરપૂર કર્યું. તેઓ સવારે 5:00 વાગે ઊઠે, નિત્ય-ક્રિયાઓથી પરવારી પોણા-છ વાગે, કાચની મોટી બારી સામે, ભગવાનનું વિરાટ સ્વરૂપ જોતા-જોતા ધાર્મિક કામમાં લાગી જાય. બે સામયિક કરે, ભક્તામર કરે, મહાવીર-સ્તુતિ કરે… બે કલાક થાય ત્યાં નવકારશીનો સમય થઈ જાય. આખું કુટુંબ સાથે ચા-પાણી-નાસ્તો કરે. બપોરે અઢી વાગે દીકરો(ડોક્ટર સંજય ગાંધી) આવે ત્યારે બધાં સાથે જમે. વચ્ચેના સમયગાળામાં તેમનું લેખનકાર્ય અથવા ચિત્રકામ ચાલે. જમીને દોઢ-કલાક આરામ કરે. 4:30 વાગે ઊઠે. હિંચકે બેસી કસરત કરે. 5:00 વાગે કુટુંબનાં સભ્યો સાથે બેસી ચા-નાસ્તો કરે. પછી સામાજિક-કાર્યોમાં લાગી જાય. 8:30 વાગે જમે, 9:30 વાગે તેમની રૂમમાં જાય. ભગવાન-સ્મરણ, માળા વગેરે કરી સમયસર સુઈ જાય. ભર્યુંભર્યું કુટુંબ છે: પુત્ર,પુત્ર-વધૂ, પુત્રી-જમાઈ, પૌત્ર, પૌત્ર-વધૂ,પૌત્રીઓ, પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ… ચાર પેઢી સાથે રહે છે! પ્રપૌત્રી કુહુ હાથ પકડીને તેમને ફેરવે! જોકે, પતિ, ડો. રસિકભાઈ ગાંધીનો 23 વર્ષ પહેલા સ્વર્ગવાસ થયો.
શોખના વિષયો :
પ્રોફેસર તરીકેની લાંબી કારકિર્દી ભોગવી છે તેથી ભાષણ આપવાનું ગમે. પેઇન્ટિંગ કરવું ગમે. લેખનકાર્ય તેમની રુચિનો વિષય. ફેમિલી સાથે હરવા-ફરવા જાય, હોટલમાં જમે પણ ખરાં. છેલ્લી ટૂર ચીન અને વિયેટનામની કરી છે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
શારીરિક કરતાં માનસિક તબિયત ઘણી સારી છે. એન્જાઈના, ડાયાબિટીસ જેવી નાનીમોટી તકલીફો છે, પણ પોતાનું બધું કામ જાતે કરે છે. કોરોના સુધી રેગ્યુલર ચાલવાં જતાં, કસરત પણ કરતાં. ઘરનું કામ કરી શકેછે, પણ પુત્રી કે પુત્ર-વધૂ કામ કરવા દેતાં નથી. નેગેટીવ વસ્તુઓ સ્વીકારી-પચાવી શકે છે, એટલે બધાનાં પ્રેમ અને માન પામે છે.
યાદગાર પ્રસંગ:
તેઓ સ્કૂલમાં ભણતાં ત્યારે તેમને મળતા પોકેટ-મની ભિખારીને આપી દે અને આખો દિવસ ભૂખ્યા રહે! 1994થી કેન્સર-હોસ્પિટલમાં બિસ્કીટ અને જમવાની વસ્તુઓ આપવા જાય. એક કેન્સરના દર્દીએ બિસ્કીટ લઈ કહ્યું: “તમે આટલા પ્રેમથી મને બિસ્કીટ આપ્યા છે તો હું દૂધમાં ઓગાળીને નળી દ્વારા લઈશ!” સિવિલ હોસ્પિટલમાં તેઓ કપડાં આપવાં ગયાં. એક દર્દીએ ગરમીને લીધે ગંજી માંગ્યાં. પ્રવિણાબહેનને ખબર નહીં કે થેલામાં ગંજી છે કે નહીં. તેમણે થેલામાં હાથ નાખ્યો અને બે ગંજી નીકળ્યાં! દર્દી ખુશ થઈ ગયો! એકવાર તેમણે એક દર્દીને સફારી ડ્રેસ આપ્યો. દર્દીએ ડ્રેસ તરત પહેરી લીધો. હસતા-હસતા કહે: “હું પ્રોફેસર લાગુ છું!” તો પ્રવિણાબહેન કહે: “ના, ના, તમે તો ડોક્ટર જ લાગો છો!” દર્દી ખુશ-ખુશ થઈ ગયો! પ્રવિણાબહેને ૨૦૦થી વધુ ચક્ષુદાન માટે પ્રેરણા આપી છે.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
કોમ્પ્યુટર બિલકુલ નથી વાપરતાં. મોબાઇલનો જરૂર જેટલો ઉપયોગ કરી લે છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
તેમને જાણે સમયનો સ્પર્શ જ થયો નથી! જે સ્થિતિ આવે તેનો શાંતિથી અને આત્મવિશ્વાસથી સ્વીકાર કરવાનો તેમનો સ્વભાવ છે. તેઓ ભૂતકાળને ક્યારે યાદ કરતાં નથી. જીવનના ફેરફારોથી તેમને કોઈ સુખ-દુઃખ નથી.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
ઘરનાં અને કુટુંબના બાળકો તથા યુવાનો સાથે બહુ સારો સંવાદ છે. પૌત્રો-પૌત્રી-પૌત્રવધૂ બધાં સાથે બહુ સરસ ફાવે. ઘરનું દરેક માણસ તેમનું બહુ જ ધ્યાન રાખે છે.
સંદેશો :
પરિસ્થિતિનો સંપૂર્ણ સ્વીકાર કરો! જીવનમાં સમતા અને ક્ષમતા જેવું કોઈ સુખ નથી!