દાદા અને પિતા પાસેથી જેમને વકીલાતની આવડત ગળથૂથીમાંથી મળી છે તેવા અમદાવાદના પ્રખ્યાત વકીલ કીર્તિકાંત નાણાવટીની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ જંબુસરમાં અને પ્રાથમિક શિક્ષણ પણ જંબુસરમાં જ લીધું. દાદા જંબુસરમાં વકીલ હતા અને તેમણે કાયમ જંબુસરમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરી, જ્યારે પિતાએ શરૂઆતમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરી, પછી ડિસ્ટ્રિક્ટ-જજ તરીકે વડોદરામાં કામ કર્યું અને ત્યારબાદ વડોદરામાં જ વકીલાતની પ્રેક્ટિસ કરી. જંબુસરથી અમદાવાદ આવી કીર્તિકાંતભાઈએ બીકોમ, એલએલબીનો અભ્યાસ કર્યો અને તરત જ કાયદાની પ્રેક્ટિસમાં લાગી ગયા.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
તેઓ સવારે 6:00 વાગે ઊઠી નિત્યકાર્ય પતાવી, ચા-પાણી કરી સીધા વાંચનમાં લાગી જાય! ઘરમાં જ ઓફિસ છે એટલે નવ વાગ્યાથી પ્રોફેશનલ કામકાજ શરૂ થઈ જાય. કોર્ટમાં કામ હોય ત્યારે આખો દિવસ કોર્ટમાં જ હોય. કોર્ટમાંથી સાંજે આવી નાસ્તો કરે. (કોર્ટમાં હોય ત્યારે બપોરનું જમતા નથી). ઘરની ઓફિસમાં આઠ વાગ્યા સુધી કામ કરે. જમીને ટીવી જુએ. શનિવારે મિત્રોને મળે, ગપ્પા મારે, સાથે જમે અને પત્તા રમે.
શોખના વિષયો :
ગુજરાતી અને અંગ્રેજી નોવેલ્સ વાંચવી ઘણી ગમે છે. હવે ધાર્મિક વાંચન પણ કરે છે. સંગીત સાંભળવું ગમે. સુગમ સંગીત અને જુના ફિલ્મી ગીતો સાંભળવા ખૂબ ગમે. ફરવાનો ઘણો શોખ છે, આખું ભારત અને પરદેશ ફરી વળ્યા છે! પત્તા રમવાનો શોખ છે. શનિવારે મિત્રો સાથે પત્તાની રમત જામે!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત સારી છે, હસતાં-હસતાં ઉમેરે છે કે જૂની એમ્બેસેડર ગાડી ખખડ્યા કરે પણ ચાલે તો ખરી જ! તેમને ત્રણ વાર હૃદયના ઓપરેશન (એનજીઓ પ્લાસ્ટિ અને બાયપાસ) કરેલાં છે. ઘૂંટણનું ની-રિપ્લેસમેન્ટનું ઓપરેશન પણ કરેલું છે. તેઓ રોજ સામાન્ય કસરતો કરે છે. ઘરમાં ચાલે છે, ક્લબમાં પણ ચાલે છે, એટલે આ ઉંમરે પણ કોર્ટમાં તેઓ પોતાનું કામ સરસ રીતે સાંભળી રહ્યા છે.
યાદગાર પ્રસંગ:
પ્રેક્ટિસના શરૂઆતના વર્ષોમાં તેમણે ખૂબ કામ કર્યું છે. એકવાર રાત્રે 12:00 વાગે ઘેર પાછા આવ્યા. ઘરનાં બધાં તો ઘસઘસાટ સૂઈ ગયાં હતાં, એટલે તેઓ બહાર હિંચકા ઉપર જ સૂઈ ગયા અને છેક સવારે જ ઉઠ્યા! એકવાર ઘરમાં આગ લાગી હતી. તે વખતે ફોન તો ક્યાં હતા? ઘરવાળા તેમને શોધે પણ ક્યાં? તેઓ કામ પરથી પાછા આવ્યા અને જોયું તો ઘર પાસે તો ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની લાઈનો હતી. તેઓ હૃદયનો એક થડકારો ચૂકી ગયા! જો કે ખાસ નુકસાન થયું ન હતું એટલું સારું હતું! તેમને સામાન્ય સંજોગોમાં રડવું આવે નહીં, પણ દીકરીના લગ્ન વખતે આંખમાં પાણી આવી ગયું હતું!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
હવે તો આખી કાયદાની અને કોર્ટની સિસ્ટમ કોમ્પ્યુટરરાઈઝ્ડ થઈ ગઈ છે એટલે કોમ્પ્યુટરનો ઉપયોગ તો ઘણો બધો કરવો જ પડે, પણ બધું બેઝિક સેટઅપ ઓફિસનો સ્ટાફ કરી આપે પછી તેઓ ઓનલાઇન કેસ પણ ચલાવે છે. ટેકનોલોજી માટે તેઓ ખૂબ પોઝિટિવ છે અને માને છે કે વિકાસ માટે ટેકનોલોજી અનિવાર્ય છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
કાયદા પણ બદલાયા અને કામ કરવાની આખી સિસ્ટમ પણ બદલાઈ ગઈ છે. કોરોના પછી તો ઓનલાઇન કામ પણ ઘણું બધું થઈ રહ્યું છે. એટલે પહેલાની અને અત્યારની પ્રેક્ટિસમાં ઘણો જ ફેર પડી ગયો છે. અમે પ્રેક્ટિસના શરૂઆતનાં વર્ષોમાં ઘણું કામ કરતા, રાતના બાર-બાર વાગ્યા સુધી કેસને લગતું વાંચવાનું ચાલતું. આજના યુવાનોને એવું ઓછું ગમે છે!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
તેઓ કુટુંબના યુવાનો સાથે સારા સંપર્કમાં છે. ઘરના પણ બધાં યુવાનો વકીલાત અથવા તેને લાગત-વળગતી કેરિયરમાં જ છે. તેમને બે દીકરા અને એક દીકરી તથા પાંચ પૌત્ર-પૌત્રી છે. ઓફિસમાં પણ યુવાન સ્ટાફ છે. આજના યુવાનો પોતાની કારકિર્દી માટે બહુ ફોકસ્ડ છે પણ તેમને ઓછી મહેનતે જલ્દી અને વધારે સફળતા જોઈએ છે! ઝટ મંગની અને પટ શાદી!
સંદેશો :
કાયમ કોર્ટ અને ક્લાઈન્ટ સાથે ઓનેસ્ટ અને ટ્રાન્સપરન્ટ રહો. ખૂબ મહેનત કરો. લાંબા ગાળે તો ઓનેસ્ટી, ટ્રાન્સપરન્સી અને હાર્ડવર્કને જ સફળતા મળે છે.