શ્રીમદ્-રાજચંદ્ર-નિજાભ્યાસ-મંડપ તથા વિહાર-ભવન ટ્રસ્ટ(વડવા-ઈડર-અમદાવાદ)ના પ્રમુખ-ટ્રસ્ટી, ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ સિવીલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટસના ભૂતપૂર્વ પ્રમુખ, તેની સોશિયલ સિક્યુરિટી સ્કિમના સ્થાપક, બત્રીસી જૈન સામાજિક સુરક્ષા યોજનાના સ્થાપક, લાયન્સ ઇન્ટરનેશનલ-ડિસ્ટ્રિક્ટ ૩૨-બીના પૂર્વ કેબિનેટ સેક્રેટરી, “ભ્રાતૃભાવ” મેગેઝીનના સંપાદક, “ચાલો સામાયિક કરીએ, સમતામાં રહીએ” પુસ્તકના સંકલનકર્તા અને જૈન-સમાજના અગ્રણી અરવિંદભાઈ શાહની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
અરવિંદભાઈનો જન્મ અમદાવાદ, દરિયાપુરમાં. પિતા ધાર્મિક શિક્ષક અને જૈન વિધીકાર, જૈન-ધર્મ-પ્રચારક સભામાં આગળ પડતું કામ કરે. શ્રીમદ્ રાજચંદ્રજીને વાંચીને, સમજીને વિશેષ એકાંતમાં રહેતા. વડવામાં શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ-મંડપના પ્રમુખ. ભાઇ માટે કરેલી ‘શુદ્ધ-ઘી’ની દુકાન, ભાઇના અવસાન બાદ તેઓ ચલાવતા. અરવિંદભાઈને એક ભાઈ અને એક બહેન. શાળાનો અભ્યાસ ન્યુ હાઈસ્કૂલમાં. ડિપ્લોમા-ઇન-સિવિલ-એન્જિનિયરિંગ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાંથી. એકાદ વર્ષ સર્વિસ કરીને ડેવલોપર તરીકે કામ શરૂ કર્યું. રંગ શબ્દથી શરૂ થતી (372 ફ્લેટ્સની રંગસાગર સ્કીમ વગેરે) 20 હાઉસિંગ સોસાયટીઓ બનાવી.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
નિવૃત્તિ પછી ધાર્મિક-કાર્યોમાં રસ લેવાનું શરૂ કર્યું! સવારે 6:00 વાગે ઊઠે. લાફિગ-ક્લબની સ્ટ્રેચીગ-એકસરસાઇઝ, પ્રાણાયામ પછી રાજપથ ક્લબમાં ચાલે. આવીને પ્રાત:કાળની સ્તુતિ-ભક્તિ કરે, નવકારશી થતા નાસ્તો કરે, દેરાસરમાં સેવા-પુજા કરે, જ્ઞાન-મંદિરમાં 10 થી 11 સ્વાધ્યાય, ઘરે આવી સામાયિક અને દોઢ વાગ્યે જમે. બપોરે આરામ, વાંચન અને સેવાનાં કાર્યો. સાંજે સામાયિક કરે. ચોમાસામાં ચોવિહાર નક્કી, બાકી સાડા સાત સુધીમાં જમી લે. પછી ધાર્મિક વાંચન. ત્યારબાદ ટીવીમાં સમાચાર જુવે 10:30 વાગ્યે સુઈ જાય. સાડા ત્રણ વર્ષ પહેલા, પત્ની અનસુયાબેનનું અવસાન થયું. પત્નીનો દરેક પ્રવૃત્તિમાં સાથ. તેઓ લાયન્સ-ક્લબના સ્થાપક-પ્રમુખ તથા એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટની લેડિઝ-વિંગના સ્થાપક-પ્રમુખ. તેમને ત્રણ દીકરા છે (ત્રણેને એક-એક દીકરી). દીકરાઓ વારાફરતી રાત્રે એમની સાથે હોય! તેમને બહુ સાચવે છે!
શોખના વિષયો :
ધાર્મિક-વાંચન ગમે. છેલ્લાં 25 વર્ષથી રાજચંદ્ર-ગ્યાનમંદિર ખાતે દર શનિ-રવિવારે સ્વાધ્યાયનું આયોજન કરે, પૂજ્ય રાકેશભાઇનો સંપર્ક કરી અમદાવાદમાં દર વર્ષે તેમના જાહેર-વ્યાખ્યાનનું આયોજન કરે. ક્રિકેટનો શોખ. યુવક-ટીમના તેઓ કેપ્ટન હતા! ટીવીમાં મેચ આવતી હોય તો રસપ્રદ મેચો જરૂર જુએ. પ્રવાસનો શોખ. અમેરિકા, કેનેડા, ભારતમાં ધાર્મિક-સ્થળોની યાત્રા, સમેત શિખરજીની પાંચ વાર યાત્રા કરી છે. મિત્રોએ “ફ્રેન્ડ્સ-ફોર-એવર” નામનું ગ્રુપ બનાવ્યું છે. રવિવારે સાંજે જોડે જમે, પ્રવાસ ઉપર જાય. ધાર્મિક ભક્તિ-પદો તથા સુગમ-સંગીત સાંભળવું ગમે.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
પ્રભુ કૃપા છે! બંને ઘૂંટણનાં ઓપરેશન થયાં છે પણ ચાલવામાં કોઈ તકલીફ નથી. સ્ટ્રેસ્ચિંગ-એક્સરસાઇઝ તથા પ્રાણાયમથી ફીટ રહેવાય છે. ઇડરનાં 400 પગથિયાં ચડી જાય છે! બીપી-કોલેસ્ટ્રોલની ગોળી રોજ લે છે. દરવર્ષે એકવાર ફુલ ચેકઅપ કરાવે છે.
યાદગાર પ્રસંગ:
લાયન્સ-ક્લબ ઓફ નોર્થ-અમદાવાદના પ્રમુખ તરીકેના વર્ષમાં 200 પ્રવૃત્તિઓ કરેલી, લાયન્સ-ઇન્ટરનેશનલ તથા ડિસ્ટ્રિક્ટ તરફ્થી અનેક એવોર્ડ પ્રાપ્ત કરેલ, દત્તક લીધેલ તેલાવ ગામના વિકાસ માટે શાળામાં મેદાન, પંચાયતનો રૂમ, રક્તદાન કેમ્પ અને ગ્રામ-વિકાસનાં કાર્યો કર્યાં. અઠવાડિયાની શિબિરમાં દરરોજ તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ પટેલની મિનિસ્ટ્રીમાંથી એક-એક મિનિસ્ટર આવતા. ગુજરાત-ઇન્સ્ટિટયૂટ-ઓફ-સિવિલ-એન્જિનિયર્સના બે વાર પ્રમુખ હતા. નવો કોન્ફરન્સ-હોલ તથા એન્વાયર્નમેન્ટ-લેબોરેટરીની શરુઆત કરી, સ્વયં-સંચાલિત સોશિયલ-સિક્યુરિટી સ્કીમ શરૂ કરાવી. જ્ઞાતિમાં પણ સામાજિક-સુરક્ષા યોજના શરૂ કરી. પછી કેટલીક જ્ઞાતિઓમાં પણ સોશિયલ-સિક્યુરિટી-સ્કીમ કરાવી. સત્કાર્ય-સેવા-સંઘ-રોગ-નિદાન-કેન્દ્રમાં 45 વર્ષ માનદ-મંત્રી રહ્યા. પાલડી વિસ્તારમાં વાસણા-બેરેજના પાણીનું લેવલ નક્કી કરાવ્યું જેથી ચાલુ બાંધકામવાળા ઘરોને અસર ન થાય. પ્રજ્ઞાચક્ષુ કાંતિભાઇ ગાંધીના નિવાસસ્થાન થી અંધ-કલ્યાણ-કેન્દ્રની પ્રવૃત્તિઓ કરતા. રાહત દરે રાણીપ ખાતે જમીન ફાળવણી કરાવી, જ્યાં 2 માળના વિશાળ મકાનમાં અંધ-બહેનો માટે હોસ્ટેલ બની છે.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
મોબાઇલ અને ટેકનોલોજીનું વ્યસન થઈ જાય છે તેથી તેનો મર્યાદિત ઉપયોગ કરે છે પણ સંસ્થાઓના કામકાજમાં ટેકનોલોજી પૂરેપૂરી વપરાય છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
સમાજમાં અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં પહેલા ખરેખર સેવા થતી. આજે સેવાની સાથે દેખાડો વધી ગયો છે. યુવાનોને વડીલોએ સાચો રસ્તો બતાવી નિસ્વાર્થ-સેવા તરફ વાળવા જોઈએ.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
ધાર્મિક સંસ્થાઓની શિબિરોમાં વડિલો સાથે યુવાનો પણ પ્રવૃત્ત રહે છે. આજનો યુવાન ધર્મ પ્રત્યે નેગેટિવ છે. ઘરના ધાર્મિક સંસ્કાર હોય તો જલ્દી કેચ-અપ કરી લે. અંધ-કલ્યાણ-કેન્દ્રમાં તેઓ પ્રમુખ હતા ત્યારે અંધ યુવાનોને નેશનલ અને ઇન્ટરનેશનલ-લેવલ સુધી ચેસ-ટુર્નામેન્ટ રમાડતા.
સંદેશો :
યુવાનીમાં માણસ પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત હોતા નથી. યુવા-ઉમરે જાગૃત થાય, ઘરનાં બાળકો અને સ્ત્રી-વર્ગને જાગૃત કરે તો સ્વાસ્થ્યના પ્રશ્નો ઓછા થાય અને ઘણાં કુટુંબો હેરાન થતાં બચી જાય. પરિણામ કર્મજન્ય છે, છતાં પુરુષાર્થ અવશ્ય કરવો જોઇએ.