નોટ આઉટ @ 85 : પ્રમિલા રોહિત દેસાઈ

બીજા-વિશ્વયુદ્ધ વખતે માત્ર ૩ વર્ષની ઉંમરે રંગૂનથી નવસારી આવી, આગળ અભ્યાસ કરી, રમત-ગમતમાં ભાગ લઈ, દોડ, વોલીબોલ અને ખો-ખોના કોલેજ અને એમ.એસ.યુનિવર્સિટી ચેમ્પિયન બનનાર પ્રમિલા રોહિત દેસાઈની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે :  

ત્રણ વર્ષ સુધીનું બાળપણ (બર્મા) રંગૂનમાં. કુટુંબમાં બે ભાઈ, એક બહેન. બીજા વિશ્વયુદ્ધ વખતે 1941માં રંગૂનથી આવતા છેલ્લા વહાણમાં નવસારી આવ્યાં. 30 વર્ષની ઉંમરે, બહાદુરીથી, એકલે હાથે, ત્રણ બાળકોને રંગૂનથી નવસારી લાવનાર માતાને પ્રમિલાબહેન ભગવાનની જેમ પૂજે છે! શાળાનું ભણતર નવસારીની પારસી સ્કૂલમાં. 9 વર્ષે પ્રમિલાબહેનને  સાઇકલ ચલાવતાં જોઈ નવસારીમાં બધાંને નવાઈ લાગે! દસમા ધોરણથી એક્સપરિમેન્ટલ સ્કૂલ, વડોદરામાં. એમ.એસ.યુનિવર્સિટીમાંથી BA કર્યું. ભાસ્કરભાઈની મદદથી ફ્રી-શિપ મળી. કૃષ્ણકાંત યાજ્ઞિક પીટીના ટીચર, જેમણે પ્રમિલાબહેનની આવડત પારખી વોલીબોલ અને ખો-ખો રમતાં કર્યાં. તેઓ દોડી શકે છે એવું તો કોને ખબર? પહેલી જ હરિફાઈમાં બે કપ મળ્યા! લેફ્ટનન્ટ-જનરલ મિસ્ત્રીસાહેબના પિતા એક્સપરિમેન્ટલ સ્કૂલમાં. તેમણે અને શાળાનાં શિક્ષકોએ ઘણું પ્રોત્સાહન આપ્યું. યુનિવર્સિટી અને કોલેજ ચેમ્પિયન થઈ પહોંચી ગયાં ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, કાંદીવલી! ચાર વર્ષ જબલપુર ઇન્ટરસ્ટેટ સ્પર્ધામાં ભાગ લીધો. ત્રણ વર્ષનો બોન્ડ આપવો પડ્યો. મોટાભાઈના સપોર્ટથી તેઓ આગળ વધતાં ગયાં! તેમના ભાવિ-સસરા રંગૂનથી પ્રમિલાબહેનના પિતાનો કાગળ લઈને ખો-ખો રમતી દેસાઈની છોકરીને મળવા કોલેજમાં આવ્યા. મુક્ત-વિચારવાળા ભાવિ-સસરાને પ્રમિલાબહેન પહેલીવાર હાફ-પેન્ટ-ટી-શર્ટમાં મળ્યાં! લગ્ન પછી પણ પતિદેવ (કર્નલ રોહિત દેસાઈ)  અને કુટુંબીઓનો સારો સહકાર મળ્યો. ફોજની નોકરીમાં બદલી થયા કરે.  હિમાચલ-પ્રદેશ, ધાંગધ્રા, હિંમતનગર એમ જુદી-જુદી શાળાઓમાં પીટી-ટીચર તરીકે કામ કર્યું. ૪૨ વર્ષે પુના યુનિવર્સિટીમાંથી બી.એડ. કર્યું!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

વર્ષો પહેલાં, વડોદરાની નવરચના શાળામાં દીકરાના એડમીશન માટે ગયાં તો ગુજરાતી ભણાવી શકે તેવા શિક્ષકની જરૂર હોવાથી તેમને ત્યાં નોકરી મળી ગઈ! એક વર્ષ બાદ બ્રાઇટ સ્કૂલમાં જોડાયાં. ત્યાં 12 વર્ષ કામ કર્યાં પછી નિવૃત્ત થયાં. અત્યારે સવારે વહેલાં ઊઠે, ચા-પાણી બનાવે, સંગીત સાંભળે, ચાલે.બંને પગે ઓપરેશન થયાં છે, પણ વેરીકોઝ-વેઈનની તકલીફ છે. જમવા માટે ગરમાગરમ ટિફિન આવે છે.  સાંજે એકાદ વસ્તુ જાતે બનાવી લે છે.

શોખના વિષયો : 

સંગીત અને ગરબાનો ભારે શોખ! આર્મી-ઓફિસરોને અને એનડીએમાં કેડેટ્સને પણ તેમણે ગરબા કરાવ્યા! સ્પોર્ટ્સનો શોખ છે, એટલે ખો-ખો, ટેબલ-ટેનિસ, બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લેતાં, પણ હવે બરાબર રમાતું નથી.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે, પણ હમણાં થોડું બીપી રહે છે. બાળપણથી જ શારીરિક અને માનસિક રીતે મજબૂત છે. હિમતવાન માતાના આશીર્વાદ છે! શ્રી શ્રી રવિશંકરના કોર્સ કરેલા છે, સુદર્શન-ક્રિયા કરે છે. તેઓ માને છે કે મૃત્યુ અનિવાર્ય છે, પણ ક્યારે આવશે તે ખબર નથી, એટલે સ્વીકાર, એક્સેપ્ટન્સ, જીવનમાં બહુ મદદ કરે છે. 25-26 વર્ષની દીકરી ગુમાવી ત્યારે તેઓ ડિપ્રેશનમાં આવી ગયાં હતાં. 

યાદગાર પ્રસંગ: 

બાળપણથી રમતગમત અને શારીરિક વ્યાયામનો શોખ. કિરણ બેદી પોલીસ ઓફિસર થયા ત્યારે પ્રમિલાબહેન બહુ ખુશ થયાં હતાં. તક મળતાં, તેમણે રાયફલ ટ્રેનિંગ તથા 303ની પિસ્તોલની તાલીમ લીધી હતી અને કોમ્પિટિશન જીત્યાં હતાં. જો બીજો જન્મ મળે તો તેઓ આર્મી જ જોઈન કરશે એવી ઈચ્છા છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

ટેકનોલોજી ઓછી વાપરે છે. કેનેડા રહેતા દીકરા સાથે વાત કરી શકાય એટલું આવડે છે! ટેકનોલોજીને લીધે ક્રાઇમ વધી રહ્યા છે. એક શિક્ષક તરીકે તેમને લાગે છે કે બાળકોના હાથમાં મોબાઈલ આપી દેવાથી ફોનનો ઘણો મિસ-યુઝ થાય છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

અત્યારે સ્ત્રીઓ ઘણી જાગૃત થઈ છે, દેસાઈની છોકરીઓ તો ખાસ! પહેલા બધું સ્વીકારવું પડતું હતું, હવે આર્થિક સ્વતંત્રતા મળતાં સ્ત્રીઓ સ્વતંત્ર થઈ છે, પણ તેમના મતે, વધારે પડતી સ્વતંત્રતા ઉચ્છૃંખલતામાં પરિણમે છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો

ઘરનાં અને કુટુંબનાં બાળકો સાથે સારા સંપર્કમાં છે. પોતે શિક્ષિકા હતાં એટલે બાળકો સાથે કામ કરવાનું તેમને ગમે છે. રોજ સાંજે સોસાયટીમાં, બાળકો રમતાં હોય ત્યારે તેમની સાથે વાતો કરવાનું તેમને  ગમે છે.

સંદેશો : 

યુવાનો માટે : “બહારની વસ્તુઓથી અંજાશો નહીં, દેખાદેખી કરશો નહીં, મગજથી હતાશ થશો નહીં. લડતાં રહો, ખરાબ સમય પણ જતો રહેશે!”